CCTV કેમેરા બંધ થતાં મોનિટરિંગમાં ચોરીનું રાજ ખૂલ્યું! કઠવાડા GIDCમાં બે કર્મીઓ 18 લાખના પ્લાસ્ટિક રોલ ઉઠાવી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદની કઠવાડા GIDCમાં આવેલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી બે કર્મચારીઓએ છેલ્લા બે મહિના દરમિયાન રૂ. 18 લાખની કિંમતના 10 ટન વજન ધરાવતા 35 પ્લાસ્ટિક રો-મટીરિયલના રોલ ચોરી કરી ફરાર થઈ જતાં નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કંપનીના CCTV કેમેરામાં ટેક્નિકલ ખામી સર્જાતા મેનેજમેન્ટે મોનિટરિંગ હાથ ધર્યું હતું, જેમાં આ સમગ્ર ચોરીનો ભાંડો ફૂટ્યો હતો.
બે કર્મચારીઓ પ્લાસ્ટિક રો-મટીરિયલની ચોરી કરતા નજરે પડ્યા
કઠવાડા GIDC સ્થિત યેશ લેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં HR મેનેજર તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ રાજપૂત 27 સપ્ટેમ્બરે કંપનીના CCTV કેમેરાનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કંપનીમાં જ કામ કરતા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને મહેશકુમાર સોલંકી નામના બે કર્મચારીઓ પ્લાસ્ટિક રો-મટીરિયલની ચોરી કરતા નજરે પડ્યા હતા.
ચોરીની કબૂલાત કરી બાદમાં નાણા પરત કરવાનો વાયદો કરી ભાગી છૂટયા
કંપનીના માલિક પૂર્વીશભાઈ પટેલે બંને શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ કરતાં તેઓએ છેલ્લા બે મહિનાથી સવારના સમયે ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. ચોરી પકડાઈ જતાં બંને શખ્સો ચોરીના નાણાં પરત ચૂકવી દેવાનો વાયદો કરીને કંપની છોડીને નાસી છૂટ્યા હતા. અન્ય કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, બંને આરોપીઓ કંપનીની બોલેરો ગાડી લઈને આવતા હતા અને 'શેઠના કહેવાથી માલની ડિલિવરી કરવા જઈએ છીએ' તેવું ખોટું બહાનું આગળ ધરી રોજ 2થી 3 રોલ બહાર લઈ જતા હતા.
લગ-અલગ સાઇઝના કુલ 35 રોલ ગુમ કર્યા
બાદમાં કંપનીના સ્ટોર ઇન્ચાર્જ દ્વારા સ્ટોક રજિસ્ટરની તપાસ કરવામાં આવતા છેલ્લા બે મહિનામાં અલગ-અલગ સાઇઝના કુલ 35 રોલ ગુમ હોવાનું ખુલ્યું હતું. ચોરાયેલા આ રો-મટીરિયલનું કુલ વજન 10 ટન અને બજાર કિંમત રૂ.18 લાખ થાય છે. નિકોલ પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




