VIDEO: અમદાવાદ કાપડ બજારમાં દિવાળી ટાણે અઢી ગણા વેપારની આશા, રેડીમેડ કપડાં 20 થી 25 ટકા મોંઘા છતાં ખરીદીનો ધમધમાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Textile Market Sees Huge Festive Rush: આમ તો હવે લોકો બારેમાસ ફેશન મુજબના કપડાંની ખરીદી કરતા હોય છે, પણ દિવાળીના તહેવારો હોય અને નવા કપડાંની ખરીદી ન કરાય તેવું કેવી રીતે બને? આજે પણ ઘણા લોકો નવા કપડાંની ખરીદી માટે દિવાળીની રાહ જોતા હોય છે અને વર્ષભરના કપડાંની ખરીદી કરતા હોય છે. દિવાળીમાં બાળક હોય કે વડીલ, માલેતુજાર હોય કે રંક, બધા જ પોતપોતાની યથાશક્તિ મુજબ નવા કપડાં ખરીદે છે. રિટેલ બજારમાં મોડી રાત સુધી દુકાનોમાં ગ્રાહકો ઉમટી રહ્યા છે. કાપડ બજારના વેપારીઓનું કહેવું છે કે, દિવાળીની સિઝનમાં કાપડ બજારનો વેપાર વધીને અઢી ગણો થવાની શક્યતા છે.
કાપડ મટિરિયલ અને રેડીમેડ કપડાં મોંઘા થયા
ટેક્સટાઇલ હબ ગણાતા અમદાવાદમાં આખા ગુજરાતની સાથે આસપાસના રાજ્યોમાંથી પણ લોકો કપડાંની ખરીદી કરવા આવતા હોય છે. પરંતુ, દરેક વસ્તુની જેમ કપડાંમાં પણ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે કપાસની ગાંસડીઓનો ભાવ 55000 થી વધીને 72000 રૂપિયાએ પહોંચી ગયો છે. જ્યારે યુદ્ધના લીધે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી તૈયાર થતા પોલિએસ્ટરના ભાવ પણ વધી ગયા છે. ઉપરાંત, રેયોન અને સિલ્ક સહિત તમામ મટિરિયલના ભાવ વધી ગયા હોવાથી રેડીમેડ કપડાં સરેરાશ 20 થી 25% મોંઘા થઈ ગયા છે.
બજારોમાં ભારે ભીડ અને ટ્રેન્ડી કલેક્શનની માંગ
દિવાળીને લઈને કાપડ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે અને કપડાંની દુકાનોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે તહેવારની ઉત્સાહભેર ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે, જેનાથી વેપારીઓમાં ખુશી છે. આ વખતે કપડાંના ભાવ વધારે હોવા છતાં લોકો જરૂરિયાત પૂરતી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
રેડીમેડ કપડાંના વેપારીએ જણાવ્યું કે, આ વખતે દિવાળીની ખરીદીમાં બેગી જીન્સ અને સ્ટ્રેટ ફિટના કલેક્શનની માંગ વધુ જોવા મળી રહી છે, તો બીજી તરફ ટ્રેડિશનલ કપડાંની ડિમાન્ડ પણ એટલી જ છે. મોંઘવારી હોવા છતાં કપડાંની માંગમાં તેજી જળવાઈ રહી છે.




