Ahmedabad

અમદાવાદમાં કોમનવેલ્થની તૈયારી! મોદી સ્ટેડિયમ તરફના રોડ પરના 76 મકાનો પર બુલડોઝર ફેરવાયું, ગોમતીપુરમાં પણ દબાણો દૂર કરાયાં

By GS Team
13 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને રાખી મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના રોડને 18 મીટરથી 61 મીટર પહોળો કરાશે. આ માટે 76 રહેણાંક મકાનો તોડાયા છે અને 66 કોમર્શિયલ મિલકતો પણ દૂર કરાઈ હતી. અસરગ્રસ્તોને ભાડાના ચેક તથા વૈકલ્પિક મકાનો અપાશે. ગોમતીપુરમાં પણ 14 દુકાનો અને 23 કોમર્શિયલ શેડ સહિતના દબાણો હટાવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં કોમનવેલ્થની તૈયારી! મોદી સ્ટેડિયમ તરફના રોડ પરના 76 મકાનો પર બુલડોઝર ફેરવાયું, ગોમતીપુરમાં પણ દબાણો દૂર કરાયાં

Ahmedabad Commonwealth Games: અમદાવાદમાં એક તરફ આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ ગોમતીપુરમાં પણ ખાસ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મોટેરામાં સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડ પર 76 જેટલાં રહેણાંક મકાનો તોડવામાં આવ્યાં છે. જ્યારે ગોમતીપુરમાં ટીપી રોડ પરથી દુકાનો, કોમર્શિયલ શેડ, ઓટલા અને અન્ય દબાણો દૂર કરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

મોટેરામાં 18 મીટરનો રોડ 61 મીટર પહોળો કરાશે

આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોટેરા વિસ્તારમાં સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારના વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાબરમતી ટોલનાકાથી ડી-માર્ટ સામેના રોડ થઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા આશરે એક કિલોમીટરના રોડને હાલના 18 મીટરથી વધારીને 61 મીટર પહોળો કરવાનો છે. આ માટે રોડની હદમાં આવતાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવી રહ્યાં છે.

WhatsApp Image 2026-10-13 at 8.08.48 PM.jpeg

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અગાઉ અસરગ્રસ્ત મિલકતધારકોને નોટિસ આપવામાં આવી હતી. આ રોડના વિસ્તરણમાં રહેણાંક અને કોમર્શિયલ મળીને 165થી વધુ મિલકતો અસરગ્રસ્ત થઈ છે. અગાઉ 66 જેટલી કોમર્શિયલ મિલકતો દૂર કરવામાં આવી હતી, જ્યારે હવે આશરે 76 રહેણાંક મકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અસરગ્રસ્તોને ભાડાના ચેક અપાય અને વૈકલ્પિક મકાનોની વ્યવસ્થા કરાશે

મોટાભાગના રહેવાસીઓએ મકાનો ખાલી કરી દીધાં હતાં. જોકે, કેટલાક લોકોએ ડિમોલિશન શરૂ થયું ત્યારે મકાનો ખાલી કર્યાં હતાં અને ઘરવખરીનો સામાન ફૂટપાથ પર મૂકવાની સ્થિતિ સર્જાઈ હતી. કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્તોને વૈકલ્પિક મકાનો ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાં સુધી ભાડા માટે ચેક આપવામાં આવ્યા છે. રહેઠાણના પુરાવા રજૂ કરનારા 66 જેટલા લોકોએ ભાડાના ચેક સ્વીકાર્યા હોવાનું એસ્ટેટ વિભાગે જણાવ્યું છે. જરૂરી પુરાવા ન આપનારા લોકોને વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા નથી. રોડના વિસ્તરણની કામગીરીમાં બળદેવ નગર, શંકરજીની ચાલી, નિરાંત નગર અને આનંદનગર વિસ્તારનાં મકાનો અસરગ્રસ્ત થયાં છે.

WhatsApp Image 2026-10-13 at 8.08.47 PM (2).jpeg

ગોમતીપુરમાં ખાસ દબાણ હટાવો ઝુંબેશ

બીજી તરફ, ગોમતીપુર વોર્ડમાં પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ખાસ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગોમતીપુર દરવાજાથી ડાયમંડ ફ્રાય સેન્ટર થઈ ઉષા સિનેમા રોડ અને કૂકડા સર્કલ સુધી તેમજ તુલસીપાર્ક પોલીસ ચોકીથી ઝૂલતા મિનારા થઈ ગોમતીપુર ઢાળ સુધીના ટીપી રોડ પર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં એસ્ટેટ વિભાગના સ્ટાફ સાથે દબાણ ગાડી, જેસીબી મશીન અને એન્ફોર્સમેન્ટ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન રસ્તા પરનાં બાંધકામો અને અન્ય દબાણો દૂર કરીને વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

WhatsApp Image 2026-10-13 at 8.08.47 PM.jpeg

14 દુકાન, 23 કોમર્શિયલ શેડ સહિતનો સામાન જપ્ત

ગોમતીપુરમાં હાથ ધરાયેલી કામગીરી દરમિયાન 14 દુકાનો, 23 કોમર્શિયલ શેડ, એક રહેણાંક બાંધકામ, 12 ઓટલા, સાત લારીઓ, લાકડાનાં 16 બોક્સ, 17 બોર્ડ-બેનર અને 45 પરચૂરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. દબાણ બદલ વહીવટી ચાર્જ પેટે રૂપિયા 10 હજાર વસૂલવામાં આવ્યા હતા.