Ahmedabad

અમદાવાદ: રોડ બનાવતાં પહેલાં પાણી-ડ્રેનેજની લાઇન સહિતની યુટિલિટીનો સર્વે ફરજિયાત, વારંવાર ખોદકામ અટકાવવા કોર્પોરેશનની નવી SOP

By GS Team
10 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નવા રોડ બન્યા બાદ ખોદકામ ટાળવા AMCએ નવી SOP જાહેર કરી છે. હવે રોડ ડિઝાઇન પહેલાં પાણી, ડ્રેનેજ, વીજળી સહિતની તમામ યુટિલિટીનો સર્વે ફરજિયાત કરાયો છે. રોડની સ્થિતિ અને માટી તપાસીને જ બાંધકામની ડિઝાઇન બનશે. કમિશનરના આદેશથી તેનો તાત્કાલિક અમલ થશે, જેથી નાગરિકોને સુવિધા મળી રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રોડ બનાવતાં પહેલાં પાણી-ડ્રેનેજની લાઇન સહિતની યુટિલિટીનો સર્વે ફરજિયાત, વારંવાર ખોદકામ અટકાવવા કોર્પોરેશનની નવી SOP

Ahmedabad Road Construction AMC New SOP: અમદાવાદમાં નવા રોડ બનાવ્યા બાદ પાણી, ડ્રેનેજ કે અન્ય યુટિલિટી લાઇન નાખવા માટે ફરીથી રોડ ખોદવાની સ્થિતિ ટાળવા કોર્પોરેશન દ્વારા નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(SOP) જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે સર્ક્યુલર જાહેર કરીને રોડની ડિઝાઇન તૈયાર કરતાં પહેલાં પાણી, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, વીજળી, ગેસ, ટેલિકોમ, સ્ટ્રીટલાઇટ સહિતની તમામ યુટિલિટીનો સર્વે ફરજિયાત કર્યો છે. આ ઉપરાંત, રોડની સ્થિતિ અને માટીની તપાસ કરીને જ બાંધકામ કે રિસરફેસિંગની ડિઝાઇન તૈયાર કરવાની રહેશે. સર્ક્યુલરનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રોડ બનાવતાં પહેલાં પાણી-ડ્રેનેજની લાઇન સહિતની યુટિલિટીનો સર્વે ફરજિયાત

નવી ગાઇડલાઇન મુજબ, રોડની ડિઝાઇન તૈયાર કરતાં પહેલાં સ્થળનો વિગતવાર ટોપોગ્રાફિકલ સર્વે કરાવવો પડશે. તેમાં રોડની પહોળાઈ, હાલનું લેવલ, ટીપી-ડીપી રોડલાઇન, ફૂટપાથ, જંક્શન અને વૃક્ષો સહિતની વિગતો નોંધવાની રહેશે. આ સાથે પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર, વીજળી, ગેસ, ટેલિકોમ અને સ્ટ્રીટલાઇટની લાઇન ક્યાંથી પસાર થાય છે તેની ઊંડાઈ, કદ, પ્રકાર અને માલિકી અંગેની વિગતો એકત્રિત કરીને સંકલિત નકશો તૈયાર કરવો પડશે.

યુટિલિટી અંગેની માહિતી અધૂરી હોય તો ટ્રાયલ પિટ ખોદવી પડશે

રોડની નીચે કે આસપાસ પસાર થતી યુટિલિટી લાઇન અંગેની માહિતી અસ્પષ્ટ અથવા અધૂરી હોય તો પ્રોજેક્ટ ઇજનેરની મંજૂરી લઈને ટ્રાયલ પિટ દ્વારા તપાસ કરવી પડશે. આ કામગીરી દરમિયાન સલામતીનાં પગલાં લેવાનાં રહેશે. તપાસના ફોટોગ્રાફ સાથે રિપોર્ટ તૈયાર કરીને સ્થળને ફરી પૂર્વવત્ કરવાનું રહેશે. રોડના કામ દરમિયાન કોઈ લાઇન ખસેડવાની અથવા તેનું રિહેબિલિટેશન કરવાની જરૂર પડે તો તેનો અંદાજિત ખર્ચ પણ ડિઝાઇન સાથે તૈયાર કરવો પડશે.

રોડ પહેલાં પાણી-ડ્રેનેજનું કામ પૂર્ણ કરવાનું આયોજન

નવી SOPમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. રોડની ડિઝાઇનને આખરી સ્વરૂપ આપતાં પહેલાં પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને સ્ટ્રીટલાઇટ વિભાગના સંબંધિત અધિકારીઓનો લેખિત અભિપ્રાય મેળવવો પડશે. ત્યારબાદ સંયુક્ત બેઠક અને સ્થળ મુલાકાત કરીને જરૂરી કામગીરી નક્કી કરવાની રહેશે. જો નવી પાણી કે ડ્રેનેજ લાઇન નાખવાની અથવા જૂની લાઇન બદલવાની જરૂર હોય તો રોડનું બાંધકામ શરૂ થાય તે પહેલાં આ કામગીરી પૂર્ણ થાય તે રીતે આયોજન કરવાનું રહેશે. આ વ્યવસ્થાનો હેતુ રોડ તૈયાર થયા બાદ અન્ય વિભાગની કામગીરીને કારણે ફરી ખોદકામ કરવાની જરૂરિયાત ટાળવાનો છે.

કાચા રોડ માટે માટીની તપાસ, ડામર રોડ માટે FWD ટેસ્ટ

હાલના કાચા રોડને પાકો બનાવતાં પહેલાં માટીની તપાસ કરાવવી પડશે. માટીની કેલિફોર્નિયા બેરિંગ રેશિયો એટલે CBR વેલ્યુના આધારે પેવમેન્ટની ડિઝાઇન તૈયાર કરવાની રહેશે. બીજી તરફ, હાલના ડામર રોડના રિસરફેસિંગ પહેલાં FWD મશીનથી રોડનું ડિફ્લેક્શન તપાસવું અને તેનો રિપોર્ટ તૈયાર કરવો ફરજિયાત રહેશે. રોડ પરના ટ્રાફિકના ભારને આધારે MSA એટલે કે મિલિયન સ્ટાન્ડર્ડ એક્સલ્સ નક્કી કરીને પેવમેન્ટની જાડાઈ નક્કી કરવાની રહેશે. ટેક્નિકલ તપાસના આધારે ક્યાં અને કેટલું મિલિંગ કરવું તે નક્કી કરવાનું રહેશે. રોડના હાલના અને અંતિમ લેવલની વિગતો સાથે FRL(ફિનિશ્ડ રોડ લેવલ) લેવલ શીટ તથા રોડની લંબાઈ, પહોળાઈ અને બાંધકામના વિવિધ સ્તરોની માપણી શીટ પણ તૈયાર કરવી પડશે.

રોડ, ફૂટપાથ અને યુટિલિટીનું સંકલિત આયોજન ફરજિયાત

કોર્પોરેશને રોડની ડિઝાઇનમાં માત્ર રસ્તાના બાંધકામને બદલે ફૂટપાથ, સાયકલ ટ્રેક, સ્ટ્રીટલાઇટ, ટ્રાફિક વ્યવસ્થા, લેન્ડસ્કેપિંગ અને તમામ યુટિલિટીનો સમાવેશ કરવાની સૂચના આપી છે. રોડની પહોળાઈમાં દરેક યુટિલિટી માટે નિશ્ચિત જગ્યા રાખવાની રહેશે. ભવિષ્યમાં નવી લાઇન નાખવા માટે તૈયાર રોડ ખોદવો ન પડે તે હેતુથી ડક્ટ અને ક્રોસ ડક્ટની જોગવાઈ પણ ડિઝાઇનમાં કરવાની રહેશે.

આ તમામ જોગવાઈઓ નવા રોડ ડિઝાઇન કન્સલ્ટન્ટના ટેન્ડર અને RFP (રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ) દસ્તાવેજોમાં ફરજિયાત સામેલ કરવાની રહેશે. સંબંધિત પ્રોજેક્ટ અથવા ઝોન વિભાગે પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓનો પૂર્વ લેખિત અભિપ્રાય મેળવવાનો રહેશે. આ રીતે રોડ બનાવતાં પહેલાં તમામ વિભાગોની જરૂરિયાતોનું આયોજન કરીને ભવિષ્યમાં વારંવાર ખોદકામ કરવાની સમસ્યા ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.