અમદાવાદ: દિવાળી વેકેશનમાં જતા પહેલા ઓનલાઇન રૂમ બુક કરાવતા હોય તો સાવધાન, નવરંગપુરાના વૃદ્ધે 9 લાખ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Airbnb Booking Scam: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ દિવાળી વેકેશન માટે ઓનલાઈન Airbnbથી રૂમ બુકિંગ કરવા જતાં હેકરે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા પડાવી લીધા છે. રૂમ બુકિંગ માટે કસ્ટમર સપોર્ટ તથા કાર્ડ વેરિફિકેશનના નામે અજાણ્યા નંબરો પરથી મોકલાયેલી એપીકે ફાઈલો ડાઉનલોડ કરાવીને હેકર્સે તેના મોબાઈલનો એક્સેસ લઈ લીધો હતો. ત્યારબાદ વૃદ્ધના બૅંક ખાતામાંથી ઈ-મેઈલ આઈડી બદલીને કુલ 17 ટ્રાન્ઝેક્શનથી 9,77,800 રૂપિયાની રકમ ઉપાડતા છેતરપિંડીનો ભોગ બનેલા વૃદ્ધે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાન કાર્ડ અપલોડ ન થતાં કસ્ટમર કેરનો સંપર્ક કર્યો અને ઝાળમાં ફસાયા
મળતી માહિતી અનુસાર, આ અંગે નવરંગપુરામાં રહેતા 75 વર્ષીય નિતિન કાંતિલાલ હાથીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે દિવાળી વેકેશનમાં નાગપુર પ્રવાસ જવા માંગતા હોવાથી 19મી ઓક્ટોબરના રોજ Airbnb એપથી ઓનલાઈન રૂમ બુકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એપના ઓનલાઈન ફોર્મમાં પાન કાર્ડનો ફોટો અપલોડ ન થતાં તેણે કસ્ટમર કેર અમદાવાદ Airbnbના મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો. તે નંબરથી વીડિયો કોલ તથા વોટ્સએપ ચેટ કરી Customer Support FUD.apk નામની ફાઈલ મોકલી આપી હતી. જે ફરીયાદીએ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ફરીયાદી પાસે પાન કાર્ડ લઈને નાગપુરમાં રૂમ રિઝર્વેશનનો મેસેજ આવતા તેનું સ્ક્રીનશોટ પણ મંગાવી લીધું હતું અને આખો દિવસ વોટ્સએપ કોલ તથા ચેટ ચાલુ રાખી વિશ્વાસમાં લીધા હતા.
બૅંકની નકલી એપ અને APK ફાઈલથી મોબાઈલ હેક
આ દરમિયાન અન્ય એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી Bank of India pension card verification online નામની બીજી એક APK ફાઈલ મોકલવામાં આવી હતી. આ ફાઈલ ઓપન કરતા ફરીયાદીના ફોનમાં બૅંક ઓફ ઈન્ડિયાની એક એપ ડાઉનલોડ થઈ ગઈ હતી. જેથી શંકા જતા ફરીયાદીએ તે એપ ડિલીટ કરી દીધી હતી. તેમ છતાં બીજા દિવસે ફરીયાદીના BOI બ્રંક એકાઉન્ટમાંથી 11,800 રૂપિયા ડેબિટ થઈ ગયાનો અને ઉપલબ્ધ બેલેન્સ માત્ર 32.95 રૂપિયા રહ્યાનો મેસેજ આવ્યો હતો. આથી છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેઓએ બૅંકમાં સંપર્ક કરી એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું.
17 ટ્રાન્ઝેક્શનથી 9 લાખ ઉપાડી લીધા
બૅંકમાં રૂબરૂ જઈ તપાસ કરતા જાણવા મળ્યું કે ફરીયાદીના બંને સેવિંગ ખાતા તથા મૂળ ઈ-મેઈલ આઈડી બદલીને હેકરે બીજું ઇમેઇલ ID ઉમેરી દીધું હતું. સ્ટેટમેન્ટ તપાસતા હેકરે કુલ 17 ટ્રાન્ઝેક્શનથી 9,77,800 રૂપિયાની રકમ ઉપાડી લીધી હતી. આમ, રૂમ બુકિંગ અને પેન્શન વેરિફિકેશનના બહાને ખોટી APK ફાઈલો મોકલી મોબાઈલનો એક્સેસ મેળવી રૂપિયા હેકરે પડાવી લીધા હતા. જે અંગે વૃદ્ધે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.




