સુરત નાસીરનગર ડિમોલિશન પર હાઈકોર્ટ લાલઘૂમ: 'અનધિકૃત રીતે દબાણ હટાવ્યા હશે તો અધિકારીઓ કોર્ટમાં હાજર રહે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nasirnagar Demolition Case: સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં 26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજદારોએ આ કાયદાકીય લડાઈમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, એસ.ઓ.જી.ના ડી.સી.પી. રાજદીપસિંહ નકુમ તેમજ ટોરેન્ટ પાવર કંપની સહિતના પક્ષકારો સામે પિટીશન દાખલ કરી છે. આ મામલાને અત્યંત ગંભીર ગણાવીને હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તંત્ર આ ઘટનામાં પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ શકે નહીં. SOGના DCP(રાજદીપસિંહ નકુમ) જો ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સામે હાજર થાય, આ ઉપરાંત કોર્ટે વેધક સવાલ કરતાં કહ્યું હતું કે નાસીરનગર ડિમોલિશનની સુરત CPએ કેમ ફરિયાદ ન લીધી? કોર્ટે તમામ પક્ષકારોને જરૂરી સૂચનાઓ આપીને આગામી સોમવારે વધુ સુનાવણી નિયત કરી છે.
સ્થાનિકો દ્વારા હાઈકોર્ટમાં શું રજૂઆત કરાઇ?
અરજદારોના કાનૂની પ્રતિનિધિએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ગત 30 મેના રોજ કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના, કાનૂની નોટિસ કે પંચનામા વગર જ નાસીરનગરમાં આવેલા 150થી વધુ રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સ્થાનિકોનો આરોપ છે કે આ સમગ્ર કાર્યવાહી એક ખાનગી બિલ્ડર અને શ્રી રામ એજન્સીના ઈશારે, આર્કિટેક્ટની હાજરીમાં કરવામાં આવી હતી. રહીશોને પોતાનો સામાન સરખો કરવાનો પણ પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો, જેના કારણે નિર્દોષ બાળકોના પુસ્તકો અને અન્ય કિંમતી ઘરવખરી કાટમાળમાં દબાઈને નાશ પામી હતી.
સુરત મનપાએ તોડફોડ કરી તેનો પુરાવો છે?: હાઈકોર્ટ
સુનાવણી દરમિયાન જ્યારે ગુજરાત કોર્ટે પૂછ્યું કે આ તોડફોડ મહાનગરપાલિકાએ જ કરી છે તેનો શો પુરાવો છે? ત્યારે અરજદારોએ જણાવ્યું કે ઘટનાસ્થળે પાલિકાના 7 અધિકારીઓ ઉપરાંત ચોકબજાર પોલીસ અને એસ.ઓ.જી.ના આશરે 20 થી 25 જવાનો તૈનાત હતા. એટલું જ નહીં, ડિમોલિશન પહેલાં ટોરેન્ટ પાવર દ્વારા ત્યાંનો વીજ પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો. જોકે, આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પીડિતોએ 1 જૂને પાલિકા કમિશનરને રજૂઆત કરી, ત્યારે તેમણે કોર્પોરેશન દ્વારા આવો કોઈ સત્તાવાર આદેશ અપાયો ન હોવાનો દાવો કર્યો હતો. આ વિસ્તાર ખુલ્લી જગ્યામાં વર્ષ 1969માં બન્યો હતો, જ્યાં લોકો પેઢીઓથી રહે છે.
નાસીરનગર ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટના વેધક સવાલો
- જો SMCએ ડિમોલિશન નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા?
- તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે?
- સુરત CPને ફરિયાદ અપાઈ તો લીધી કેમ નહીં?
- કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે હાજર હતા?
- અરજદારે હાજર પોલીસ કર્મચારીઓના નામ-હોદ્દા કેમ નથી જણાવ્યા?
- પોલીસ કમિશનર જવાબ આપે, ડિમોલિશન SMCએ કર્યું કે બીજા કોઈએ?
- ટોરેન્ટ પાવર જણાવે કે કોના આદેશથી વીજ કનેક્શન કાપ્યા?
- આટલા દિવસોમાં સંલગ્ન ઓથોરિટીએ કયા કયા પગલાં લીધા?
જો પાલિકાએ ડિમોલિશન નથી કર્યું, તો તેના કર્મચારીઓ ત્યાં શું કરી રહ્યા હતા?": હાઈકોર્ટ
કોર્ટે અરજી કરવામાં થયેલા વિલંબ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં અરજદારોએ તંત્રની ઉદાસીનતાને જવાબદાર ઠેરવી હતી. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં પાલિકાએ આ કાર્યવાહીથી હાથ અધ્ધર કરી લીધા હતા અને સ્થાનિક પોલીસે પણ ગુનો નોંધવાનો ઇનકાર કર્યો હતો. લાંબી કાનૂની લડત બાદ, 21 જૂને પાલિકા કમિશનરે સ્વીકાર્યું હતું કે ઘટનાસ્થળે કોર્પોરેશનના કર્મચારીઓ હાજર હતા. આ સાંભળીને હાઈકોર્ટે આક્રોશ વ્યક્ત કર્યો કે જો પાલિકાએ ડિમોલિશન નથી કર્યું, તો તેના કર્મચારીઓ ત્યાં શું કરી રહ્યા હતા અને તેમની સામે અત્યાર સુધી શું પગલાં લેવાયાં?
હાઈકોર્ટે સરકાર, SMC અને ટોરેન્ટ પાવરને સવાલ કર્યા
છેવટે, હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને આ મામલે સ્પષ્ટ ખુલાસો કરવા આદેશ આપ્યો છે કે આ ડિમોલિશન પાલિકાએ કર્યું છે કે કોઈ અન્ય તત્વોએ. સાથે જ કોર્ટે ટકોર કરી છે કે જો એસ.ઓ.જી.ના ડી.સી.પી. ત્યાં બિનસત્તાવાર રીતે હાજર રહ્યા હોય તો તેમણે આગામી મુદતે કોર્ટમાં રૂબરૂ હાજર થવું પડશે. પાવર કંપનીને પણ સવાલ કરાયો છે કે કોના કહેવાથી વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા? કોર્ટે જણાવ્યું કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના એક પણ મકાન તોડી શકાય નહીં, અને જો નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો સંબંધિત અધિકારીઓએ જવાબદારીના ભાગરૂપે જવાબ આપવા પડશે.









