VIDEO: અમદાવાદમાં ફૂલ બજારની સાથે ભાવમાં પણ 'તેજી': ગલગોટા, ગુલાબ સહિતના ફૂલોના ભાવમાં ધરખમ વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Flower Market Diwali Price Hike: નવરાત્રીના સમયમાં ઊંચા ભાવો અને ઘરાકીના અભાવે જે ફૂલો કચરામાં નાખી દેવાનો વારો આવ્યો હતો અને દશેરાએ પણ મંદી રહી હતી, તે જ ફૂલ બજારમાં હવે દિવાળીના તહેવારો ટાણે તેજી જોવા મળી રહી છે. પ્રકાશના પર્વ દિવાળી અને લાભપાંચમના આગમનને લઈને અમદાવાદના મુખ્ય ફૂલ બજારોમાં તેજીનો માહોલ છે. જોકે, આ ખુશીની પાછળ મોંઘવારીનો માર પણ સ્પષ્ટ વર્તાઈ રહ્યો છે, કારણ કે માગ વધવાની સાથે ફૂલોના ભાવો પણ આસમાને પહોંચ્યા છે.
ફૂલોના ભાવોમાં ઉછાળો: ગલગોટા અને ગુલાબ મોંઘા થયા
અમદાવાદના હોલસેલ ફૂલ બજારમાં હાલમાં ગલગોટાના પીળા ફૂલોના ભાવ વધીને ₹50 પ્રતિ કિલો અને ગુલાબના ભાવ ₹200 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. મોંઘવારી હોવા છતાં તહેવારની અનિવાર્યતાના કારણે લોકો ખરીદી કરવા મજબૂર બન્યા છે. આ સાથે જ, અન્ય રાજ્યોમાંથી આયાત થતા મોટા કદના ફૂલોની માંગ પણ બજારમાં વિશેષ જોવા મળી રહી છે. આ મોટા ફૂલોમાં ભલે કુદરતી સુગંધ ન હોય, પરંતુ તેમનો આકર્ષક દેખાવ ગ્રાહકોને પોતાની તરફ ખેંચી રહ્યો છે.
ધરો (દૂર્વા) ની વિશેષ માંગ
આ વર્ષે રંગબેરંગી ફૂલોની સાથે-સાથે પવિત્ર ગણાતી 'ધરો' (દૂર્વા) ની માંગ પણ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહી છે, જેને ખરીદવા માટે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. દિવાળીના મૂખ્ય તહેવારોમાં ગણેશજીને દૂર્વા અર્પણ કરવાનું ખાસ મહત્ત્વ રહેલું છે. જેનો પૂજામાં અવશ્ય ઉપયોગ કરવામાં આવે છે.
વેપારીઓની સાથે તેમના પરિવારોની મહેનત
અમદાવાદના ફૂલ બજારમાં રોજ અંદાજે 100થી વધુ નાના-મોટા ટેમ્પો માલ લઈને આવે છે. આ હોલસેલ બજારમાંથી છૂટક અને નાના વેપારીઓ ફૂલો ખરીદીને શહેરના વિવિધ વિસ્તારોમાં રેકડીઓ સજાવે છે. બજારના ઓટલાઓ પર વેપારીઓની સાથે તેમના પરિવારના સભ્યો પણ રાત-દિવસ એક કરીને ભગવાનના હાર-માળા અને ફૂલોના તોરણ બનાવવામાં વ્યસ્ત નજરે ચડે છે.




