અમદાવાદ: જાતીય હુમલા બાદ ફરિયાદી માતા અને પીડિતા બંને ફરી ગયા, છતાં સાવકા પિતાને 20 વર્ષની કેદ, પોક્સો કોર્ટનો કડક ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad POCSO Court Judgement: અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકે 43 વર્ષીય આરોપી સામે ચાલુ વર્ષે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એ.બી.ભટ્ટે સરકારી વકીલ કે.જી.જૈનની દલીલો, 07 સાહેદ અને 27 પુરાવા ધ્યાને લઈને આરોપીને આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે.
શું છે સમગ્ર કેસ?
કેસની વિગતો જોઈએ તો પીડિતાની માતાના જણાવ્યા મુજબ, 22 માર્ચ, 2026ના રોજ બપોરે આશરે અઢી વાગ્યે જ્યારે તે ગેલેરીમાં કપડાં સૂકવતી હતી, ત્યારે બેડરૂમમાંથી પુત્રીની મમ્મી મમ્મીની ચીસો સંભળાઈ હતી. બેડરૂમમાં જઈને જોતાં આરોપી જે પીડિતાના સાવકા પિતા છે, તે માત્ર ટી-શર્ટ પહેરેલી હાલતમાં બેડ પર બાળકીને પકડી રાખેલી સ્થિતિમાં જોવા મળ્યો હતો. બાળકીએ રડતાં રડતાં જણાવ્યું કે તેના પિતાએ તેના કપડાં ઉતારી જાતીય અડપલાં કરી, દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
પીડિતા અને તેની માતા બંને પોતાના મૂળ નિવેદનથી ફરી ગયા
ફરિયાદીએ 181 મહિલા અભયમ હેલ્પલાઈન અને 112 પર કૉલ કર્યો હતો. જેના આધારે પોલીસ વાન આવી અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઘટના સમયે પીડિતાની ઉમર 06 વર્ષ અને 10 મહિનાની હતી. ટ્રાયલ દરમિયાન પીડિતા અને તેની માતા બંને પોતાના મૂળ નિવેદનથી ફરી ગયા હતા. માતાએ દાવો કર્યો કે પતિ-પત્ની વચ્ચે ઘરગથ્થુ ઝઘડો અને મારપીટ થતી હતી અને તે બાબતે જ હેલ્પલાઈન બોલાવાઈ હતી. બાળકીએ પણ માત્ર માતા-પિતા વચ્ચેના ઝઘડાની વાત કરી હતી.
કોર્ટે તબીબી પુરાવા અને બનાવ પછી તરત જ નોંધાયેલા 181 હેલ્પલાઈનના રેકોર્ડને ધ્યાને લીધો
કોર્ટે નોંધ્યું હતું કે સાક્ષીઓ ફરી જવા છતાં તબીબી પુરાવા અને બનાવ પછી તરત જ નોંધાયેલા 181 હેલ્પલાઈનના રેકોર્ડને નકારી શકાય નહીં. 181 અભયમ હેલ્પલાઈનની વર્ધીમાં 06 વર્ષની બાળકીની જાતીય સતામણીનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. તબીબી તપાસ દરમિયાન પીડિતાના ગુપ્ત ભાગમાં લાલાશ જોવા મળી હતી, જે જાતીય હુમલાના પ્રયાસને સમર્થન આપે છે.
આરોપી કુટુંબનો એકમાત્ર કમાનાર અને સાવકો બાપ હતો અને ફરિયાદી તથા પીડિતા આર્થિક રીતે તેના પર નિર્ભર હતા. આ આર્થિક અને ભાવનાત્મક દબાણના કારણે સાક્ષીઓ અદાલતમાં મૂળ વાતથી ફરી ગયા હોવાનું માનવાને પૂરતું કારણ છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ અને 75 હજાર દંડ ફટકાર્યો છે. તેમજ પીડિતાને 04 લાખ રૂપિયા વળતર ચૂકવવા માટે હુકમ કર્યો છે.




