Ahmedabad

અમદાવાદ: નહેરુનગરમાં પ્રેમલગ્ન કરનાર વડોદરાની યુવતીનો આપઘાત, પિયરમાં ફોન કરીને કહ્યું હતું-'મમ્મી મારે આવવું છે પણ...'

By GS TEAM
26 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના આંબાવાડીમાં 19 વર્ષીય પરિણીતા ગ્રિષ્માએ 13 જૂને બીજા માળેથી કૂદી આપઘાત કર્યો હતો. મૂળ વડોદરાની યુવતીએ સુરજ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પિતાની ફરિયાદ મુજબ, સુરજ લગ્ન પહેલા ધમકી આપતો અને બાદમાં શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. પીડિતાને પિયર પણ જવા દેતો ન હતો. એલિસબ્રિજ પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નહેરુનગરમાં પ્રેમલગ્ન કરનાર વડોદરાની યુવતીનો આપઘાત, પિયરમાં ફોન કરીને કહ્યું હતું-'મમ્મી મારે આવવું છે પણ...'

Ahmedabad News: અમદાવાદના આંબાવાડીમાં આવેલ નહેરૂનગર એપાર્ટમેન્ટમાં રહેતી મૂળ વડોદરાની અને અમદાવાદમાં યુવક સાથે પ્રેમલગ્ન કરીને આવેલી 19 વર્ષીય યુવતીએ ગત 13 જૂને મોડી રાતે બીજા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધી હતી. દીકરીની અંતિમ વિધિ પતાવ્યા બાદ પિતાએ તેમના પત્ની અને દીકરા સાથે વાતચીત કરતા દીકરીના મોત અંગે ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા. મૃતક દીકરીની માતાએ જણાવ્યું હતું કે, દીકરી ફોન પર એવું કહેતી હતી કે, મમ્મી મારે આવવું છે પણ સુરજ આવવા દેતા નથી. નોંધનીય છે કે, આ અંગે હવે તેના મૃતક યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. હાલ એલિસબ્રિજ પોલીસે આ મામલે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

યુવતી ઇન્ટર્નશીપ કરવા અમદાવાદ આવી અને કોર્ટ મેરેજ કરી લીધા

મળતી માહિતી અનુસાર, વડોદરામાં રહેતા મૃતક યુવતીના પિતા અતુલકુમાર પુરોહિતે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેની 19 વર્ષીય દીકરી અભ્યાસ કરતી હતી અને ઇન્ટર્નશીપ માટે અમદાવાદ આવી હતી. આ પછી ગત 21મી મેએ તે કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને બીજા જ દિવસે અમદાવાદના નહેરુનગરમાં રહેતા સુરજ પરમાર નામના યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ પછી પરિવારે દીકરી અને સુરજ સાથે મુલાકાત કરી તેમને સમજાવીને સંબંધો સુધારવાનો અને તેમને ઘરે આવવા આમંત્રણ આપવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ગત 13મી જૂનની વહેલી સવારે સુરજનો ફોન આવ્યો હતો કે ગ્રિષ્માની તબિયત સિરિયસ છે. પરિવાર જ્યારે વડોદરાથી અમદાવાદની એલ.જી. હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેમને તેમની દીકરી મૃત હાલતમાં મળી હતી.

ધમકી આપીને લગ્ન કરાવ્યા

યુવતની અંતિમવિધિ બાદ પિતાએ જ્યારે પત્ની અને કેનેડા રહેતા દીકરા સાથે વાતચીત કરી હતી. જેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. મૃતક ગ્રિષ્માએ માતા અને ભાઈને ફોન પર જણાવ્યું હતું કે, 'સુરજે લગ્ન પહેલા મને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો તને બદનામ કરી નાખીશ.' આ ધમકીથી ડરીને યુવતી લગ્ન તો કરી લીધા, પરંતુ તે ખૂબ પસ્તાઈ રહી હતી.

સુરજ તેને પોતાના પિયર જવા દેતો ન હતો અને વારંવાર બહાના કાઢતો હતો. દીકરીએ તેના મમ્મીને ફોન પર એવું પણ કહ્યું હતું કે, 'મમ્મી મારે આવવું છે, પરંતુ સુરજ આવવા દેતા નથી.' સુરજ યુવતીના ચારિત્ર્ય પર શંકા કરીને તારે બીજા કોઈ છોકરા સાથે સંબંધ છે તેવા ખોટા આક્ષેપો કરી તેની સાથે સતત ઝઘડા કરતો હતો અને 5થી 6 વાર તેને ઢોર માર પણ માર્યો હતો.

પતિ સુરજ પરમારના સતત શારીરિક અને માનસિક ત્રાસ, મારઝૂડ અને ડરાવવા-ધમકાવવાની પ્રવૃત્તિથી કંટાળીને તેમજ મરવા માટે મજબૂર બનીને પરિણીતાએ નહેરૂનગર એપાર્ટમેન્ટના બીજા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આમ પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સુરજ સામે તપાસ શરૂ કરી છે.