અમદાવાદ: કાલુપુર અને સાબરમતી સ્ટેશને ભીડ નિયંત્રિત કરવા 24×7 'વોર રૂમ' કાર્યરત, CCTVથી રિયલ ટાઇમ નજર રખાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

War room at the railway station : દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં વતન જવા માટે અમદાવાદના કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન પર પેસેન્જરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તહેવારો દરમિયાન સ્ટેશન પર ભીડનું યોગ્ય સંચાલન થાય અને કોઈ અફરાતફરીની સ્થિતિ ન સર્જાય તે માટે અમદાવાદ મંડળ દ્વારા DRM કાર્યાલયના કંટ્રોલ બિલ્ડિંગમાં વિશેષ વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.
ભીડની સ્થિતિનું રિયલ ટાઇમ મોનિટરિંગ
આ વોર રૂમમાંથી બંને સ્ટેશન પર 24×7 સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. CCTV કેમેરા દ્વારા સ્ટેશન પર પેસેન્જરોની અવરજવર અને ભીડની સ્થિતિનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે. જ્યાં પણ વધુ પડતી ભીડ અથવા અસુવિધા જણાય ત્યાં વોર રૂમમાંથી RPF અને સંબંધિત રેલવે કર્મચારીઓને તાત્કાલિક સૂચના આપીને જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અમદાવાદ મંડળના DRMએ કર્યું વોર રૂમનું નિરીક્ષણ
અમદાવાદ મંડળના DRMએ વોર રૂમનું નિરીક્ષણ કરીને વિવિધ સ્ટેશનો પરની સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનની સમીક્ષા કરી હતી. આ દરમિયાન CCTV આધારિત દેખરેખ, પ્લેટફોર્મ પર પેસેન્જરોની અવરજવર, વિશેષ હોલ્ડિંગ એરિયા અને લાઇનબદ્ધ રીતે ટ્રેનમાં બોર્ડિંગ કરાવવાની વ્યવસ્થાની માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે કોઈપણ સ્ટેશન પર પેસેન્જરોની વધુ પડતી ભીડ અથવા અસુવિધાની સ્થિતિ સર્જાય તો વોર રૂમ દ્વારા તાત્કાલિક સંકલન કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે.
ભીડ વધતાં વોર રૂમમાંથી તાત્કાલિક સૂચના
કાલુપુર અને સાબરમતી સ્ટેશન પર પેસેન્જરોની સંખ્યા વધે ત્યારે વોર રૂમમાંથી પરિસ્થિતિ પર નજર રાખીને સંબંધિત RPF જવાનો અને રેલવે કર્મચારીઓને સૂચના આપવામાં આવે છે. આ વ્યવસ્થાથી સ્ટેશન પર હાજર કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે ઝડપી સંકલન થઈ શકે છે. ખાસ કરીને ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે પેસેન્જરોની અવરજવર, હોલ્ડિંગ એરિયામાંથી કોચ સુધી પહોંચાડવાની વ્યવસ્થા અને પ્લેટફોર્મ પર ભીડનું નિયંત્રણ કરવા માટે વોર રૂમ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
ડિસ્પ્લે બોર્ડ અને સોશિયલ મીડિયા પર માહિતી
પેસેન્જરોને સ્પેશિયલ ટ્રેનોના સંચાલન, સમયપત્રક અને અન્ય સુવિધાઓની માહિતી આપવા માટે ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ, જાહેર ઘોષણા પ્રણાલી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ટ્રેનોના સંચાલન અને સમયપાલન પર પણ નિયમિત દેખરેખ રાખવામાં આવે છે.




