MBA ડિગ્રીના વળતાં પાણી... ગુજરાત સહિત દેશભરની ટોચની B-સ્કૂલોમાં એડમિશન ઘટ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

The MBA Craze Fades in India : દેશભરમાં મેનેજમેન્ટ શિક્ષણ ક્ષેત્રે મોટો આંચકો આપતો અહેવાલ સામે આવ્યો છે. લાંબા સમયથી કોર્પોરેટ કરિયરની ગેરંટી ગણાતા MBA કોર્સ પ્રત્યે યુવાનોનો મોહભંગ થઈ રહ્યો હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. હાલમાં જ થયેલા શૈક્ષણિક સર્વેક્ષણો અનુસાર, આ વર્ષે ભારતની ટોપ 25 બિઝનેસ સ્કૂલોમાં એડમિશન તેમજ પ્રવેશ અરજીઓમાં મોટો ઘટાડો નોંધાયો છે.
CATના રજિસ્ટ્રેશનમાં 3.7%નો ઘટાડો
અગાઉના વર્ષમાં દેશની અગ્રણી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી કોમન એડમિશન ટેસ્ટ (CAT) પરીક્ષામાં નોંધાયેલા 2.95 લાખ રજિસ્ટ્રેશન સામે આ વર્ષે 3.7 ટકાના ઘટાડા સાથે માત્ર 2.84 લાખ વિદ્યાર્થીઓએ જ રસ દાખવ્યો છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે કોર્પોરેટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી પેઢી હવે પરંપરાગત બે વર્ષના મેનેજમેન્ટ કોર્સથી દૂર થઈ રહી છે. આ રાષ્ટ્રીય ટ્રેન્ડની સીધી અસર ગુજરાત સહિત અમદાવાદ સહિતની જાણીતી બિઝનેસ સ્કૂલો પર પણ વર્તાઈ રહી છે.
ગુજરાતમાં IIM-A સિવાયની B-સ્કૂલોની સ્થિતિ ચિંતાજનક
ગુજરાતમાં મેનેજમેન્ટ શિક્ષણ ક્ષેત્રે અગ્રણી IIM-અમદાવાદ (IIM-A) જેવી સર્વોચ્ચ વૈશ્વિક બ્રાન્ડમાં 0.15%થી 0.19%ના સ્વીકૃતિ દર સાથે સૌથી કડક પ્રવેશ પ્રક્રિયા જોવા મળે છે, જ્યાં આશરે 2.68 લાખ ઉમેદવારો સામે માત્ર 41 નસીબદાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. પરંતુ આ સર્વોચ્ચ સંસ્થા સિવાય રાજ્યની અન્ય પ્રથમ અને દ્વિતીય હરોળની મેનેજમેન્ટ સંસ્થાઓમાં આ વર્ષે વિદ્યાર્થીઓનો ધસારો નોંધપાત્ર રીતે ધીમો પડ્યો છે.
એડમિશનના ગ્રાફમાં ઘટાડાના મુખ્ય કારણ
- AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો વધતો પ્રભાવ: મેનેજમેન્ટ ક્ષેત્રે AIના આગમનને કારણે પરંપરાગત જોબ રોલ્સ બદલાઈ રહ્યા છે, જેની સીધી અસર પ્રવેશપ્રક્રિયા પર પડી છે.
- મોંઘી ફી સામે ઓછું ROI (રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ): ટોચની સંસ્થાઓની 20થી 25 લાખ રૂપિયા જેટલી આસમાને પહોંચેલી ફી સામે પ્લેસમેન્ટમાં મળતું આર્થિક વળતર સંતોષજનક નથી. આ કારણસર વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોનના મોટા જોખમથી બચી રહ્યા છે.
- એવરેજ પેકેજમાં 10થી 15 ટકાનો ઘટાડો: ગત વર્ષો સુધી જે કોલેજોમાં સરેરાશ પ્લેસમેન્ટ પેકેજ વાર્ષિક રૂ. 20થી 22 લાખ સુધી પહોંચતું હતું, ત્યાં ચાલુ વર્ષે આર્થિક સુસ્તીને કારણે સરેરાશ પેકેજમાં ઘટાડો થયો છે.
પ્લેસમેન્ટની પ્રક્રિયા વધી, શરૂઆતની ઓફર્સમાં 20% ઘટાડો
આ પહેલા જે B-સ્કૂલોમાં 100 ટકા પ્લેસમેન્ટની પ્રક્રિયા 3થી 4 દિવસમાં પૂરી થઈ જતી હતી, ત્યાં હવે આ પ્રક્રિયા લંબાઈને બેથી ત્રણ અઠવાડિયાની થઈ ગઈ છે. આ ઉપરાંત કંપનીઓ દ્વારા અપાતી શરૂઆતની ઓફર્સમાં પણ આશરે 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
હાઇબ્રિડ મોડેલ તરફ વળતી સંસ્થાઓ
આ રીતે બદલાતા સમય અને વિદ્યાર્થીઓના વલણને જોતા ખુદ ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પણ હવે વર્કિંગ પ્રોફેશનલ્સ માટે વિશેષ હાઇબ્રિડ ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ શરૂ કરવા મજબૂર બની છે. આ ફેરફાર સાબિત કરે છે કે આગામી દિવસોમાં બિઝનેસ શિક્ષણના પરંપરાગત મોડેલમાં મોટો સુધારો અને બદલાવ અનિવાર્ય બન્યો છે.




