ગુજરાતમાં હવે શહેરોમાં વીજકાપનો ખતરો, ઔદ્યોગિક ધમધમાટ તો ઠપ, કૃષિ ક્ષેત્રે પણ અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Power Crisis: ગુજરાતમાં વીજ સંકટની સ્થિતિ દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહી છે. ઉત્તર ગુજરાતથી માંડીને કચ્છ સુધીના ઔદ્યોગિક વિસ્તારોમાં સળંગ 8 કલાક (સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી) વીજકાપનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ કડક વીજકાપને કારણે વિવિધ જીઆઈડીસી (GIDC) અને ફેક્ટરીઓમાં કારખાનાનો ધમધમાટ શાંત થઈ ગયો છે અને ચારેય બાજુ નિરવ શાંતિ છવાઈ ગઈ છે. અચાનક લાદવામાં આવેલા આ વીજકાપથી ઉદ્યોગ જગતની કમર ભાંગી ગઈ છે.
દિવાળી ટાણે જ ઉત્પાદન ખોરવાતા વેપારીઓ ચિંતાતુર: લાખો શ્રમિકોની રોજીરોટી પર સંકટ
દિવાળીનો તહેવાર બિલકુલ નજીક છે ત્યારે જ આ વીજ કટોકટી સર્જાતા ઉદ્યોગકારો અને વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. આ પીક સીઝનમાં ઉત્પાદન અટકી જવાથી મળેલા ઓર્ડર્સ કેન્સલ થવાની પૂરેપૂરી સંભાવના ઊભી થઈ છે. જો પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવવામાં નહીં આવે તો ફેક્ટરીઓ બંધ થવાના કારણે લાખો શ્રમિકોએ પોતાની રોજીરોટી ગુમાવવી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.
ખેતીવાડી પર પણ માર: સિંચાઈના અભાવે ખેડૂતોનો પાક જોખમમાં
વીજ સંકટની સીધી નકારાત્મક અસર માત્ર ઉદ્યોગો પૂરતી સીમિત નથી રહી, પરંતુ ખેતીવાડી ક્ષેત્રે પણ ભારે નુકસાન પહોંચાડી રહી છે. ખેતરોમાં સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં વીજળી ન મળવાના કારણે ખેડૂતોનો વાવેલો પાક બળી જવાની અને સુકાઈ જવાની ભીતિ સર્જાઈ છે. વીજળીના આ ધાંધિયાના પરિણામે આગામી દિવસોમાં રાજ્યને આર્થિક મોરચે મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.




