Ahmedabad

સાવધાન અમદાવાદ! નર્મદાની આવક કરતાં વપરાશ વધ્યો, શું શહેરમાં આવશે કાયમી પાણી કાપ?

By GS Team
27 Oct 20262 mins read
TukuTouch Logo
વીજ કટોકટી વચ્ચે અમદાવાદમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. 85-90 લાખની વસ્તી ધરાવતા શહેરમાં 1900 MLD પાણીની દૈનિક જરૂરિયાત સામે નર્મદાનું પાણી ઓછું પડી રહ્યું છે. વધતી વસ્તી અને તંત્રની બેદરકારીને કારણે આગામી સમયમાં કાયમી પાણી કાપ લાદવો પડે તેવી સ્થિતિ છે. ઉનાળામાં પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવધાન અમદાવાદ! નર્મદાની આવક કરતાં વપરાશ વધ્યો, શું શહેરમાં આવશે કાયમી પાણી કાપ?

Ahmedabad Water Crisis: ગુજરાતમાં એક તરફ વીજ કટોકટી અને દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદમાં આગામી દિવસોમાં કાયમી પાણી કાપ લાદવાની નોબત આવી શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. શહેરની જરૂરિયાત સામે નર્મદાનું પાણી ઓછું પડી રહ્યું છે અને જથ્થામાં થોડી પણ અસર થતાં જ હંગામી પાણી કાપ લાદવો પડે છે.

વધતી વસ્તી અને પાણીની અછત વચ્ચે મ્યુનિ. તંત્રની બેદરકારી

અમદાવાદ શહેરનો કુલ વિસ્તાર હવે 495 ચોરસ કિમી જેટલો થઈ ગયો છે, જેમાં 85થી 90 લાખ કરતા વધારે નાગરિકો વસવાટ કરી રહ્યા છે. શહેરમાં પીવાના પાણીની માંગ સતત વધી રહી છે, પરંતુ તેની સામે યોગ્ય આયોજન કરવામાં સત્તાધીશો ઉણા ઉતર્યા છે. રેડ બ્રિજ અને બાંધકામ પાછળ કરોડો રૂપિયા વેડફનાર શાસકોએ ક્યારેય આ ગંભીર સમસ્યા તરફ ધ્યાન આપ્યું નથી.

1.jpeg

વર્તમાન આંકડાઓ મુજબ શહેરમાં દૈનિક પાણીની જરૂરિયાત 1900 MLD (મિલિયન લિટર પર ડે)ની છે, જેમાં 1850 MLD સરફેસ કરેલું અને 100 MLD પાણી બોરવેલમાંથી પૂરું પાડવામાં આવે છે. મ્યુનિસિપાલિટીની જળશુદ્ધિકરણની ક્ષમતા 1950 MLDની છે. તંત્રને 1800 MLD નર્મદાનું પાણી મળે છે, જ્યારે બાકીનું 150 MLD પાણી બોરવેલમાંથી મેળવવું પડે છે. આ તમામ આંકડાઓ જોઈને તંત્ર સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહ્યું હોવાથી બધું સમસૂતરું હોવાનું દેખાય છે.

ઉનાળામાં સ્થિતિ વણસવાની પૂરી શક્યતા

વાસ્તવિક સ્થિતિ એ છે કે શહેરની પાણીની જરૂરિયાત હંમેશાં 1900 MLD જેટલી સ્થિર રહેતી નથી, તેમાં સતત વધારો-ઘટાડો થતો રહે છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં પાણીનો વપરાશ વધતા પરિસ્થિતિ વધુ ગંભીર બનશે. વળી, નર્મદાનો સપ્લાય ખોરવાય ત્યારે એકસાથે ચારથી પાંચ ઝોન એટલે કે અડધા શહેરમાં પાણીનું વિતરણ પ્રભાવિત થાય છે, જે અમદાવાદની નાજૂક હાલત દર્શાવે છે. જો પાણીની માંગમાં થોડો પણ વધારો થયો તો શહેરમાં ચોક્કસપણે કાયમી પાણી કાપ લાદવાની નોબત આવશે.

માથાદીઠ પાણી વિતરણ અને ટેન્કર વ્યવસ્થા અંગે તંત્રનો દાવો

અમદાવાદ મ્યુનિસિપાલિટીના વોટર પ્રોજેક્ટ વિભાગના ઇજનેરોના જણાવ્યા અનુસાર, હાલમાં નાગરિકોને દૈનિક માથાદીઠ 180થી 200 લિટર પાણીનું વિતરણ કરવામાં આવે છે, જે નિર્ધારિત માપદંડ 150 લિટર કરતા ઘણું વધારે છે. તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રયાસ કરી રહ્યું છે, સાથે જ નાગરિકો પણ પાણીનો બગાડ અટકાવીને સહયોગ આપે તેવી અપેક્ષા છે. બીજી તરફ, પાણી વિભાગે એવો દાવો કર્યો છે કે શહેરમાં નિયમિતપણે ટેન્કર દોડાવવાની જરૂર પડતી નથી; માત્ર મોટર બગડે કે બ્રેકડાઉન થાય ત્યારે જ ટૂંકા સમય માટે ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે.

20261027-279300-1793041611.jpeg