મેટ્રોના મુસાફરોને મોટો ઝટકો, 10 સ્ટેશનોએ ટિકિટ કરતાં પણ વધુ પાર્કિંગ ચાર્જ વસૂલાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Metro Parking News: શહેરમાં મોટા ભાગના મેટ્રો સ્ટેશનો પાસે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેશનો નજીક આવેલા ખાલી પ્લોટમાં મફત પાર્કિંગની સુવિધા આપવાના દાવા કરવામાં આવ્યા હતા. જોકે, હવે પાર્કિંગ પ્લોટ તૈયાર થતાં જ મ્યુનિસિપલે વલણ બદલીને વાહનચાલકો પાસેથી ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. નવરંગપુરા, સાબરમતી અને વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશનો પાસે હવે 100 રૂપિયા સુધીનો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે.
10 મેટ્રો સ્ટેશનો પાસે 3500થી વધુ વાહનો માટે પે એન્ડ પાર્કિંગનું આયોજન
નાગરિકોને જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ પૂરતી સુવિધાઓના અભાવે ઘણા લોકો મેટ્રો રેલમાં મુસાફરી કરવાનું ટાળતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મફત પાર્કિંગની જાહેરાતો વચ્ચે નવરંગપુરામાં 3, સાબરમતીમાં 3, વસ્ત્રાલમાં 2, એસ.પી. સ્ટેડિયમ પાસે 2 અને રામોલ પાસે 2 મળીને કુલ 10 મેટ્રો સ્ટેશનો નજીક પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આ પ્લોટ્સમાં કુલ 3342 ટુ-વ્હીલર અને 200 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે તેટલી ક્ષમતા છે. પરંતુ હવે મફત સુવિધા આપવાને બદલે મ્યુનિસિપલે આ તમામ સ્થળોએ 'પે એન્ડ પાર્કિંગ' શરૂ કરવાનો પ્લાન બનાવ્યો છે.
કોન્ટ્રાક્ટરોને નજીવા ભાડે પ્લોટ આપી મુસાફરો પર આર્થિક બોજ ઝીંકાયો
તંત્ર દ્વારા રૂ. 13,000થી 50,000 જેવા નજીવા માસિક ભાડે આ પ્લોટ્સ કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવશે. જ્યાં કોન્ટ્રાક્ટરો ટુ-વ્હીલર માટે પાંચ રૂપિયાથી પચ્ચાસ રૂપિયા સુધી અને ફોર-વ્હીલર માટે રૂ. 15થી 120 સુધીનો ચાર્જ વસૂલશે. મેટ્રોમાં દરરોજ પ્રવાસ કરતા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગના લોકો સામાન્ય રીતે 8થી 10 કલાક સુધી વાહન પાર્ક કરી રાખતા હોય છે. પરિણામે તેમણે રોજના રૂ. 25થી 70 સુધીનો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે, જે મેટ્રોના મૂળ ભાડા કરતાં પણ વધી જશે અને મુસાફરોના ખિસ્સા પર સીધો આર્થિક બોજ પડશે.




