અમદાવાદના કણભા નજીક ભાડું માગતાં રિક્ષાચાલકને 3 શખસોએ લાફા ઝીંક્યા, એક આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના કણભા નજીક કુજાડ ગામ પાસે માત્ર 30 રૂપિયાના રિક્ષા ભાડાની તકરારમાં ત્રણ અજાણ્યા શખ્સોએ રિક્ષાચાલકને બેફામ ગાળો આપી 4થી 5 લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. છઠ્ઠી ઓક્ટોબરની રાત્રે બનેલી આ ઘટના અંગે ભોગ બનનાર ચાલકે કણભા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ, આ સમગ્ર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ઓઢવ પોલીસે લાફા મારનાર એક આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
30 રૂપિયા ભાડું માગતાં જ ઉદ્ધતાઈ કરી લાફા ઝીંકી દીધા
કૂબડથલ ગામના ભાથીપુરા ખાતે રહેતા રાજુ ચુનારા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. છઠ્ઠી ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે તેઓ પોતાની રિક્ષા લઈને સિંગરવાથી કૂબડથલ જઈ રહ્યા હતા. આ દરમિયાન કણભા ગુરુકુળ પાસે ત્રણ અજાણ્યા શખસોએ હાથ બતાવી રિક્ષા રોકાવી હતી અને કુજાડ ગામ જવાનું કહી રિક્ષામાં બેઠા હતા.
રિક્ષાચાલક ત્રણેય શખસોને બેસાડી કુજાડ ગામ ગણેશકાંટા પાસે પહોંચ્યા, ત્યારે ત્રણેયે રિક્ષા ઊભી રખાવી હતી. મુસાફરો નીચે ઉતરતાં રાજુએ નિયમ મુજબ ભાડાના 30 રૂપિયા માગ્યા હતા. જેથી ત્રણેય શખસોએ ઉદ્ધતાઈપૂર્વક ‘અમારી પાસે પૈસા નથી’ તેમ કહી ભાડું આપવાનો ઇનકાર કર્યો હતો. રિક્ષાચાલકે ‘ભાડું તો આપવું જ પડશે’ તેમ કહેતાં જ ત્રણેય શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલી રાજુને ઉપરાઉપરી 4થી 5 લાફા ઝીંકી દીધા હતા. હુમલો કર્યા બાદ ‘જો ફરીવાર પૈસા માગીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
વીડિયો વાઇરલ થતાં એક પકડાયો
બનાવ બાદ રાજુએ ઘરે પહોંચી પરિવારજનો સાથે સમગ્ર મામલે ચર્ચા કરી કણભા પોલીસ મથકે અજાણ્યા ત્રણેય હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન રિક્ષાચાલક પર થયેલા હુમલાનો વીડિયો વાઇરલ થતાં ઓઢવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી લાફા મારનાર એક આરોપીને દબોચી લીધો હતો.




