મહારાજા સિંહે સમુદ્રમાં ડૂબકી લગાવીને ચૂંટણી-પ્રચાર શરૂ કર્યો
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- રાજા સિંહને જંગલમાંથી પૂરતી બેઠકો મળતી હતી, હવે દરિયાઈ બેઠકો અંકે કરવાનો તેમનો ઈરાદો હતો. એ માટે તેમણે સમુદ્રના જીવોને આકર્ષવા મથામણ આદરી...
'મારે આવતી ચૂંટણીમાં ભારે બહુમતી મેળવીને ઇતિહાસ બનાવવો છે. શું કરવું જોઈએ?' મહારાજા સિંહે તેમના અંગત રાજકીય સલાહકાર રીંછભાઈને બોલાવીને પૂછ્યું.
'રાજાજી! તમે ઇતિહાસ બનાવી ચૂક્યા છો. તમે સ્વયં એક ઇતિહાસ છો! આ જંગલના રાજકારણમાં તમે કાયમ યાદ રહેશો,' રીંછભાઈએ કમરેથી કઢંગી રીતે વળીને ખુશામત કરી.
'વાત તો તારી સાચી છે. આ જંગલ માટે મેં જે કર્યું છે એ કોઈએ કર્યું નથી,' રીંછની ખુશામતથી સિંહને પળ બેપળ આનંદ થયો, પણ મોં પર સંતોષ દેખાયો નહીં. તેમણે ઉમેર્યુંઃ 'મેં જંગલમાં લોકપ્રિયતા મેળવી લીધી છે. પક્ષીઓમાં પણ મારો દબદબો છે, પણ હજુ વધારે બેઠકો જીતવી છે. કંઈક વિચાર...'
'તો હવે સમુદ્રમાં ચૂંટણી પ્રચાર કરવો પડે!' રીંછભાઈએ સહેજ અકળાઈને કટાક્ષ કર્યો.
'ગુડ આઇડિયા! કોઈ સિંહે સમુદ્રમાં જઈને પ્રચાર નથી કર્યો. જંગલ પર જ ફોકસ કર્યે રાખ્યું છે. મારે સમુદ્રમાં જઈને પ્રચાર કરવો છે ને ત્યાંથી વધારે બેઠકો જીતીને ઈતિહાસ બનાવવો છે. તું તૈયારીમાં લાગી જા!' ઉત્સાહ સાથે સિંહે રીંછભાઈને આદેશ આપ્યો.
'પણ મહારાજ...'
રીંછભાઈ કંઈક સમજાવવા જતા હતા એને અધવચ્ચે અટકાવીને સિંહે કહ્યું, 'તું જિનિયસ રાજકીય સલાહકાર છો. મગર માથાભારેને મારી સમુદ્રીયાત્રાની સૂચના આપી દે. હું બને એટલી ઝડપે સમુદ્રમાં પ્રચાર કરવા જઈશ.'
કટાક્ષમાં કહેવાયેલી વાત રાજા સિંહને આટલી ગમી જશે એની રીંછભાઈએ કલ્પના કરી ન હતી. રાજાએ આ આઈડિયાના વખાણ કરીને પોતાને જિનિયસ ગણાવી દીધો એટલે હવે દલીલો કરવાનો અર્થ નથી - એમ વિચારીને રીંછભાઈએ રાજા સિંહના દરિયાઈ પ્રવાસની તૈયારી શરૂ કરાવી.
***
'મારા પ્યારા સમુદ્રવાસીઓ... જંગલનો કોઈ રાજા અત્યાર સુધી તમારી પાસે નથી આવ્યો, પણ મારે તમારો સર્વાંગી વિકાસ કરવો છે. મેં સંખ્યાબંધ યોજનાઓ તમારા માટે લોંચ કરી છે,' મગર માથાભારેની પીઠ પર બેસીને સમુદ્રમાં પહોંચેલા રાજા સિંહે ભાષણ શરૂ કર્યું, 'મેં શિયાળાના ઠંડા પાણીથી તમને સૌને બચાવવા વોટરપ્રૂફ શાલ વિતરણની યોજના શરૂ કરી છે. સાથે સાથે પાણી ગરમ કરવાના હીટર અલગ અલગ સ્થળોએ મૂક્યા છે.'
'પણ એ ક્યાં ચાલે છે?' કોઈ ઘરડા કાચબાનો કર્કશ અવાજ આવ્યો એને સાંભળ્યું ન સાંભળ્યું કરીને રાજા સિંહે આગળ ચલાવ્યું, 'ઉનાળાના ગરમ પાણીથી તમારી ચામડી દાઝી ન જાય તે માટે કાંઠે કૂલરો મૂકાવવાની યોજના પાછળ મેં બજેટમાં ૧૦ હજાર કરોડની ફાળવણી કરી છે. 'ગ્લોબલ વૉર્મિંગ', 'ક્લાઈમેટ ચેન્જ', 'દરિયાઈ જીવસૃષ્ટિ' જેવા વિષયો પર વારે-તહેવારો જે વકતવ્યો-સેમિનારો માત્ર જંગલમાં યોજાય છે તે હવે સમુદ્રમાં પણ યોજાવા માંડયાં છે.'
સ્માર્ટ જનરેશનના માછલાઓ રાજા સિંહના ભાષણથી ગદગદ થવા માંડયા હતા. રીંછભાઈએ વહીવટી અધિકારી મગર માથાભારેને ખાસ તાકીદ કરી હતી કે ભાષણના ચક્કરમાં રાજા સિંહ બધું ભૂલી જશે એટલે ઓક્સિજન માસ્કનું યાદ કરાવજે નહીં તો પાણીમાં સિંહના બડબડિયા બોલી જશે. વળી, જંગલમાં ભાષણો આપતી વખતે માઈકમાં સંભળાય એમ શ્વાસોશ્વાસની જે વિચિત્ર ક્રિયા કરે છે એ ન કરવાનું પણ કહેજે. મગર માથાભારે સોંપાયેલું કામ બરાબર કરતો હતો. એણે સિંહને ઓક્સિજન લેવાનું યાદ કરાવ્યું. સિંહે શ્વાસમાં બરાબર ઓક્સિજન ભરીને ફરીથી ભાષણ આગળ ચલાવ્યું, 'મેં હમણાં જ વાર્ષિક મત્સ્ય સંમેલનમાં સૌથી ગુણવાન ગણાતી માછલીઓના સમૂહ 'ઘોલ'ને સ્પેશિયલ સ્ટેટસ અપાયું.'
'આ ઘોલ ફિશની તો મોટાપાયે ગેરકાયદે તસ્કરી થાય છે. અમે મગર માથાભારેને રજૂઆત કરી હતી, પણ કોઈ એક્શન લેવાયું નથી,' મંગળા માછલીએ હતું એટલું જોર કરીને રજૂઆત કરી, 'વિરોધીઓના ષડયંત્રો ચાલવાના નથી. હવે સમુદ્રીજીવો સ્માર્ટ થઈ ગયા છે. મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા અને સસલાભાઈ જેવા વિપક્ષના નેતાઓ મળીને જંગલમાં મારા વિરૂદ્ધ જૂઠાણાં ચલાવે છે, પરંતુ દરિયાઈ જીવસૃષ્ટિ આ વખતે મને દરિયાની તમામ બેઠકો આપશે!'
મંગળા માછલીના વિરોધને અવગણીને રાજા સિંહે ભાષણ ચાલું રાખ્યું, 'મારા પ્યારા દરિયાઈ જીવો! તમે વિચારો, સસલાભાઈ જંગલ જોડો યાત્રા કરે છે, પણ શું તેમણે સમુદ્ર જોડો યાત્રા કરી છે? મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા તો પોતાને સમુદ્રીજીવ ગણતા જ નથી એટલે તમારા સૌનો વિકાસ મારા સિવાય કોઈ કરશે નહીં.'
રાજા સિંહ પાસે ભાષણના હજુ ઘણા મુદ્દા હતા, પરંતુ ઓક્સિજનનો જથ્થો પૂરો થવામાં હતો એટલે છેલ્લી વાત કરીને તેમણે ભાષણ પૂરું કર્યુંઃ 'જંગલની જેમ હું સમુદ્રમાં પણ રસ્તાઓ બનાવીશ. ઈમારતો, મોલ, થિયેટર્સ, કોફી શોપ, સરકારી કચેરીઓ બનાવીશ. બેંકો, રમતગમતનાં મેદાનો બનાવીશ. સેંકડો માછલાઓ સહિત સમુદ્રીજીવોને કાયમી નોકરી આપીશ. આજથી વિકસિત સાગર સંકલ્પ યોજના શરૂ કરું છું.'
ઓક્સિજનનો જથ્થો પૂરો થઈ ગયો હતો. રાજા સિંહે ઝટપટ બહાર નીકળીને રાહતનો શ્વાસ લીધો.
...ને રાજા સિંહની આ અભૂતપૂર્વ ડૂબકી પછી સમુદ્રમાં અદ્વિતીય ઉત્સાહ હતો. દરિયાઈ જીવસૃષ્ટિમાં એક જ ચર્ચા હતી: 'જંગલની જેમ હવે સમુદ્રનો વિકાસ બહુ દૂર નથી.'