For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી નજીક આવતા મંકીભાઈ માઇકવાલા ડિમાન્ડમાં

Updated: Mar 28th, 2024

ચૂંટણી નજીક આવતા મંકીભાઈ માઇકવાલા ડિમાન્ડમાં

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- મંકીભાઈ માઇકવાલાના પરિવારનો ત્રણેક પેઢીથી માઇકનો બિઝનેસ હોવાથી જંગલમાં સૌ તેમના પરિવારને 'માઇકવાલા'ના નામથી ઓળખતા. મંકી માઇકવાલા માટે ચૂંટણી કમાણીનો અવસર લઈને આવતી

મંકીભાઈ માઇકવાલાના દાદા માંકડાજી માઇકવાલાએ માઇક ભાડે આપવાનો ધંધો શરૂ કર્યો હતો. સંતવાણી, સુગમ સંગીત, લગ્નગીતો જેવા કાર્યક્રમોમાં માંકડાજીના માઇક ભાડે જતા. માંકડાભાઈનો ધંધો એટલો જામી ગયો કે જંગલવાસીઓ મૂળ અટક ભૂલીને તેમને માંકડાજી માઇકવાલાના નામે જ ઓળખતા. પણ પછી માંકડાભાઈની નવી શરતના કારણે તેમના ધંધાનો વિકાસ અટકી ગયો. માંકડાભાઈ માઇક બુકિંગ કરાવનારા સામે શરત રાખતા થયેલા : 'બે-પાંચ પૈસા ઓછા આપજો, પરંતુ કાર્યક્રમમાં એક ગીત ગાવાની તક આપજો!'

માંકડાજી માનતા કે તેઓ ખૂબ ઉમદા સિંગર છે, પણ કમનસીબે માંકડાજી પોતાના વિશે જેવું માનતા એવું જંગલવાસીઓ એના વિશે માનતા ન હતા. જંગલવાસીઓને લાગતું: 'માંકડાજી આલા દરજ્જાના બેસૂરા સિંગર હતા. તેમને માઇક આપવું એટલે ઓડિયન્સને ઘરે જવાનો સંકેત આપવો.' આ શરતના કારણે ધીમે ધીમે માઇકનો સેટ ઘરમાં જ ધૂળ ખાવા માંડયો.

માંકડાજીનો દીકરો એટલે કે મંકીભાઈ માઇકવાલાના ફાધર મર્કટભાઈ માઇકવાલા ટીનેજમાં જ સમજી ગયેલા કે બાપાના પંજામાં ધંધો રહેશે ત્યાં સુધી માઇક ધૂળ ખાશે. તેમણે ધંધામાં ધ્યાન આપવા માંડયું અને માઇકની સાથે સાથે મંડપ સર્વિસ પણ શરૂ કરી. જંગલનાં લગ્નોમાં તો મર્કટભાઈની મંડપ સર્વિસ અને માઇકની જબરી ડિમાન્ડ રહેતી. સમય બદલતો હતો એ પારખીને મર્કટભાઈ માઇકવાલાએ લગ્નગીતો સરસ ગાઈ શકતી હરણીઓના ગુ્રપ સાથે સમજૂતી કરી ને એમ તેમનો બિઝનેસ ઉપડી પડયો.

પણ મંડપસર્વિસનો બિઝનેસ ઓપન થતો ચાલ્યો. ઘણા નવા ધંધાર્થીઓ આ ધંધામાં આવ્યા. બરાબર એ ગાળામાં જ મંકીભાઈ માઇકવાલાએ ધંધો સંભાળ્યો. સમય પારખીને પરંપરાગત ધંધાને નવું નામ આપ્યું : 'મંકીબ્રાન્ડ માઇક.' એની ટેગલાઈન નેતાઓને ગમે એવી રાખી: 'સ્માર્ટ વક્તાનું સ્માર્ટ માઇક!' મંકીભાઈએ ચૂંટણીસભાઓમાં માઇક ભાડે આપવાનું શરૂ કર્યું. તેણે જોયું કે જંગલમાં કાયમ કોઈને કોઈ ચૂંટણી ચાલતી રહે છે. નેતાઓને ભાષણ આપ્યા વગર ચાલે તેમ નથી. ચૂંટણી ન હોય ત્યારેય ભાષણપ્રેમી નેતાઓના કાર્યક્રમો ચાલતા રહે છે એટલે એમાં મંદી ઓછી આવે છે. ઘણા નેતાઓ તો મંકીબ્રાન્ડ માઇકની ટેગલાઈનથી જ પ્રભાવિત થઈ જતા. ભાષણ કરતાં ફોટામાં 'સ્માર્ટ વક્તાનું સ્માર્ટ માઇક!' લખેલું આવતું એ નેતાઓને બહુ ગમતું.

ચૂંટણીસભાઓમાં માઈક ભાડે આપવાના ધંધામાં આમ બીજી કોઈ મુશ્કેલી ન હતી. માત્ર એક ઉધારીનું જોખમ હતું. મંકીભાઈ માઇકવાલાએ મોટા અક્ષરે 'આજે રોકડા કાલે ઉધાર.' બોર્ડ માર્યું તે છતાંય ઉધારી વગર ધંધો ચાલે તેમ ન હતો. થોડી ઘણી ઉધારી કરીનેય જો માઇક અને સ્પીકર પરથી ધૂળ ઉડતી હોય ને થોડા પૈસા મળતા હોય તો એ જોખમ લેવાની મંકીભાઈની તૈયારી હતી. ચૂંટણી આવી એટલે જેમને ટિકિટ મળી હતી એ નેતાઓ વતી તેમના ભાણિયા-ભત્રીજાઓના ફોન આવતા:

'મંકીભાઈ! તમારા જેવું કામ આવ્યું છે. માઇકની વ્યવસ્થા કરવાની છે.'

'થઈ જશે. સભાનો સમય અને સ્થળ કહી દો. બધો સામાન પહોંચતો કરી દઈશ.' મંકી માઇકવાલાને આટલાં વર્ષે સમજાઈ ગયેલું કે નેતાઓના સગાં-સંબંધીઓ કે ખુદ નેતાઓ ચૂંટણી વખતે મીઠું મીઠું બોલે અને ભારે સન્માનથી સંબોધનો કરે તો એમાં લલચાઈ ન જવું. ગમે તેમ પણ મંકી માઈકવાલો બિઝનેસમેન હતો, જંગલનો મતદાર ન હતો કે વારંવાર નેતાઓની મીઠી વાતોમાં આવી જાય. મંકી એટલુંય સમજતો હતો કે ગમે તેમ કરીને અડધું પેમેન્ટ તો કઢાવી જ લેવું. વાત વાતમાં એ કહેતો: 'તમે તો આપણી જ પાર્ટીના છો એટલે ચિંતા નથી. મજૂરોને ખિસ્સા ખર્ચીના આપવાના છે એટલે અડધું પેમેન્ટ આપી દેજો માલિક!' મંકી તેના સ્વભાવથી વિરૂદ્ધ જીભ પર મધ લગાવીને શક્ય એટલી મીઠાશથી કહેતો. ને એમ અડધું પેમેન્ટ નીકળી જતું.

ચૂંટણી નજીક આવી એટલે મહારાજા સિંહની પાર્ટીના નેતાઓ અને વિપક્ષના નેતા સસલાભાઈ અને મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાના નેતાઓ સભાઓ ગજવવા માંડયા હતા. દરેકને માઇક-સ્પીકર સર્વિસની જરૂર પડતી એટલે મંકીભાઈની ડિમાન્ડ દિવસ-રાત રહેતી. મંકીબ્રાન્ડ માઇક સવારે મહારાજા સિંહની પાર્ટીના ઉમેદવારનો અવાજ બને તો સાંજે સસલાભાઈની પાર્ટીના ઉમેદવારની સેવામાં હોય. મંકીબ્રાન્ડ માઈક પણ બધા જ નેતાઓને સહન કરવાની બાબતમાં જંગલના મતદારો જેટલું જ સહનશીલ હતું. 

મંકીભાઈ માઇકવાલા ચૂંટણીમાં આમ તો આખા વર્ષની કમાણી કરી લેતા, કારણ કે માઇક રેન્ટ પર આપવાનું અડધું પેમેન્ટ તો ત્યારે અલગ અલગ બહાનાં બતાવીને મંકીભાઈ કઢાવી લેતાં, પરંતુ અડધું પેમેન્ટ જે બાકી રહેતું એનું કંઈ નક્કી રહેતું નહીં. જીતે એ નેતા પાસે જઈને મંકી બટર લગાવી આવતો એટલે એની પાસેથી તો બાકી રકમ મળી જતી. હારેલા ઉમેદવાર પાસે મહિનાઓ સુધી તો જવાય જ નહીં એ મંકી બરાબર સમજતો હતો. ન કરે નારાયણ ને નેતા એમ પણ કહી દે કે તારા માઈકના કારણે હારી ગયો!

થોડા મહિના બાદ ઉઘરાણી કરવા હારેલા નેતાઓ પાસે જતો ત્યારે એ નફ્ફટાઈથી કહેતા:

'આજે ઉધાર કાલે રોકડા!'

'કોના આપ્યા ને તું રહી ગયો વા'લા?'

Gujarat