For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહારાજા સિંહની હાજરીમાં 'જંગલતંત્ર'ની ઉજવણી

Updated: Jan 26th, 2023

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

- સોશિયલ મીડિયામાં જંગલવાસીઓએ હેશટેગ 'જંગલતંત્ર'થી સેંકડો પોસ્ટ મૂકી. 'જંગલદાઝ' દર્શાવતા મેસેજો ફોરવર્ડ કર્યા. 'જંગલ ન્યૂઝ'માં વિશેષ કાર્યક્રમો ચાલ્યા...

આજે 'જંગલદાઝ'નું પ્રદર્શન કરવાનો દિવસ હતો. જંગલવાસીઓ જેને જંગલદાઝ કે જંગલભક્તિ કહેતા એમાં પ્રદર્શનનું ખાસ મહત્ત્વ હતું. જંગલભક્તિની ફીલિંગ કે સન્માન કરતાં વધારે અગત્યનું એ હતું કે જંગલતંત્રના દિવસે એટલીસ્ટ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવી, એટલીસ્ટ ૧૦૦-૧૫૦ લોકોને જંગલતંત્રની શુભકામના પાઠવતા ફોરવર્ડેડ મેસેજો કરવા અને એક દિવસ પૂરતા બજારમાં મળતા ધ્વજના સિમ્બોલ, સ્ટિકર્સ લગાડવા અને પછી એને વેરવિખેર કરી દેવા!

એક દિવસની જંગલભક્તિ અહીં પૂરી નહોતી થતી. જે જંગલવાસીઓ વોટ્સએપ-ફેસબુક-ઈન્સ્ટામાં સ્ટોરી ન મૂકે, એકેય પોસ્ટ ન લખે કે સ્ટિકરો ન લગાડે એને જંગલદ્રોહી કહીને આકરી ઝાટકણી કાઢવી - આનેય જંગલભક્તિ જ ગણવામાં આવતી હતી. મોડી રાતથી જ જંગલવાસીઓ જંગલભક્તિનું આ સત્કાર્ય શરૂ કરી દેતા હતા. જંગલવાસીઓ એ વાત બરાબર જાણતા હતા કે દરરોજ નાની-નાની વાતે જંગલભક્તિ દર્શાવવા કરતા એક દિવસ જંગલપ્રેમ બતાવી દેવાનું વધારે સરળ પડતું હતું. એનાથી દરરોજની જવાબદારીમાંથી મુક્તિ મળતી હતી.

જંગલની સરકાર પણ જંગલવાસીઓનો આ મિજાજ બરાબર પારખતી હતી. એટલે જ જંગલતંત્રના દિવસે આખાય જંગલમાં ધામધૂમથી જંગલપ્રેમના કાર્યક્રમો થતા. મહારાજા સિંહની હાજરીમાં પરેડો થતી, પુરસ્કારો અપાતા, જંગલની ધજા-પતાકા ચારેકોર ફરકાવીને વિશેષ શણગારો થતાં.

મહારાજા સિંહની હાજરીમાં ખાસ પરેડનું આયોજન થયું હતું. એમાં વિવિધ ટુકડીઓ એકઠી થઈને પરેડ કરતી હતી, નૃત્યો કરવામાં આવતા હતા. 'જંગલ ન્યૂઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણી પરેડના સ્થળે પહોંચીને એનું લાઈવ પ્રસારણ કરતી હતી. એ પ્રસારણના કેટલાક અંશો...

***

બળદોનાં ટોળાએ શિસ્તબદ્ધ થઈને મહારાજા સિંહ સામે નજર રાખીને પરેડ કરી. ઘોડાઓએ અલગ અંદાજમાં આકરી તાલીમનો પરચો આપતી કવાયત કરીને અનેકને પ્રેરણા આપી. જંગલના આકાશનું અવિરત નિરીક્ષણ કરીને સુરક્ષા પૂરી પાડતા બાજપક્ષીઓના જૂથે છટાથી ઉડ્ડયન કર્યું. બળદ-ઘોડા-બાજની તાલીમ પર જંગલવાસીઓને માન થયું.

*

મહારાજા સિંહે ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાની આગેવાનીમાં ઘેટાઓની ટોળકીને તેમના પરેડમાં ભાગ લેવાની પરવાનગી પહેલી વખત આપી હતી. ઘેટાભાઈ ઘાસફૂસિયા પોતે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતા અને મહારાજા સિંહના ટીકાકારોને ટ્રોલ કરવામાં માસ્ટર ગણાતા હતા. તેમની ટોળકીએ રાજકીય ભક્તિના નામે ઝાંખી રજૂ કરીને સેંકડો કાર્યકરોને પ્રેરણા આપી.

*

ગીરની શર્કપ્રભા સિંહણના નેતૃત્વમાં સિંહણોના ગુ્રપે દાંડિયારાસથી કલ્ચરલ કાર્યક્રમની શરૂઆત કરી. મહારાજા સિંહ સહિતના બધા જ દરબારીઓ સિંહણના દાંડિયારાસથી ખૂબ પ્રભાવિત થયા. પરેડમાં હાજર બધા જ જંગલવાસીઓ ઝૂમી ઉઠયા. સિંહણોની આ સાંસ્કૃતિક રજૂઆત પછી નરોએ એટલા ઉત્સાહથી તાળીઓ પાડી કે વાઘણોનાં મોં મચકોડાઈ ગયાં. વાઘણો મનમાં ગણગણતી હતીઃ 'લે. આમાં શું નવું હતું? દાંડિયા તો આપણે ય રમી કાઢીએ.'

*

સુંદરવનની યુવા વાઘણોની ટીમ બાઉલની રજૂઆત કરતી નીકળી ને છવાઈ ગઈ. કર્ણપ્રિય રજૂઆત કરીને વાઘણોએ પરેડનો માહોલ મધુર બનાવી દીધો. સુંદરવનની વાઘણોની સુંદરતા-મધુરતાથી અન્ય સ્થળોએ રહેતા વાઘો ભારે પ્રભાવિત થયા. એમનું ચાલ્યું હોત તો પરેડમાં ચોક્કસ 'વન્સ મોર...'ની ડિમાન્ડ કરી હોત!

*

હવે વારો આવ્યો હરણીઓનો. થનગનાટ કરતી હરણીઓ આવી અને ગાયન સાથે એનર્જેટિક ડાન્સ કરવા લાગી. હરણીઓ પરંપરાગત રીતે હિરનડાન્સ કરતી હતી, જેમાં ઉછળકૂદ અને ઝડપનું ખાસ મહત્ત્વ હતું. પોપસંગીતને પણ ટક્કર માટે એવી સ્પીડથી ગીત ગવાતું હતું. જંગલની યંગ જનરેશન આ ગીત-નૃત્યના તાલે ઝૂમવા લાગી હતી. મહારાજા સિંહે પણ બે-ત્રણ વખત ગરદન હલાવીને એમાં તાલ આપ્યો હતો. એ દૃશ્ય હસીના હરણીના કેમેરામેને આબાદ ઝીલી લીધું હતું.

*

ગાયોના જૂથે પોતાના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાનના સ્મરણમાં નટવરી નૃત્ય રજૂ કર્યું. આ નૃત્યથી પરેડનો માહોલ વધુ કલ્ચરલ બની ગયો. એક નવી જ આભા બંધાઈ ગઈ. આમેય જંગલમાં ગાયોનું સન્માન છેલ્લાં વર્ષોમાં અલગ લેવલે પહોંચ્યું હતું. ગાયો ગુસ્સે થઈને કોઈને શિંગડે ચડાવે તોય જંગલવાસીઓ એને સદભાગ્ય ગણતા હતા.

*

મહારાજા સિંહ માસ્ટરસ્ટ્રોક માટે જાણીતા હતા. બધાને ઝાંખા પાડી દેનારું પ્રદર્શન હવે છેલ્લે રજૂ થયું. વિદેશના જંગલમાંથી માનપાન સાથે લાવેલી 'ચિત્તી'ઓને પહેલી જ વખત પરેડમાં ભાગ લેવાની છૂટ મળી હતી. જંગલ ન્યૂઝ સહિતના જંગલના મીડિયામાં ચિત્તીઓ જ છવાઈ ગઈ. એના એકના ફૂટેજ બતાવવાનું શરૂ થયું. અધૂરુંમાં પૂરું સિંહે ચિત્તીઓને 'ચિત્તરંજક' પુરસ્કાર પણ આપ્યો. વાઘણો-સિંહણો-હરણીઓ તો ઈર્ષ્યાથી બળી મરી.

સોશિયલ મીડિયામાં ચિત્તરંજક ચિત્તીઓ હેશટેગ સાથે અસંખ્ય પોસ્ટ થવા માંડી. સાંજ સુધીમાં તો જંગલદાઝ, જંગલતંત્રનો ટ્રેન્ડ ઓસરી ગયો હતો.


Gujarat