Get The App

સસલાના રાજમાં પક્ષીઓને જ ફાયદો થશે, પ્રાણીઓનો ભાવ નહીં પૂછાય: રાજા સિંહ

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
સસલાના રાજમાં પક્ષીઓને જ ફાયદો થશે, પ્રાણીઓનો ભાવ નહીં પૂછાય: રાજા સિંહ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- 'કબૂતરો ચારેબાજુ ઘુઘુઘુ કરે છે એનાથી મને વાંધો છે. એના કરતાં તો કોયલો સારી. કેટલું મીઠું બોલે!' ચૂંટણી પ્રચાર વખતે સાંસદ ગેંડાભાઈ ગુમાનીના નિવેદનથી હોબાળો

'આકરા તાપથી પાણી એવું ગરમ થાય છે કે મોડી રાત્રે ઠંડું થાય ત્યારે માંડ ઊંઘ આવે છે.' મંગળા માછલીએ વોટ્સએપ ગુ્રપમાં ઉનાળાની પરેેશાની જણાવી.

'બેન અમારેય એવું જ છે! મારા હસબન્ડ બાબાલાલ બકરાને આવી ગરમીમાં ઊંઘ ન આવે. ઠંડો પવન શરૂ થાય પછી છેક ઊંઘે તો ઉઠવામાં મોડું કરે. આખો દિવસ બગાડે છે.' બકુલાબેન બકરીએ મેસેજ લખ્યો.

'મને લાગે છે ચૂંટણીના કારણે ગરમાવો વધ્યો છે!' હીરજી હંસે કટાક્ષ કર્યો.

'દાદા ગરમાવાની તો વાત ન પૂછો! આકરો તાપ શરૂ થયો છે ત્યારથી નેતાઓનાં નિવેદનોય ગરમાગરમ થઈ ગયા છે.' મસ્તરામ મોરે હીરજી હંસના મેસેજને ટેગ કરીને લખ્યું.

'આપણા પૂર્વજો કહેતા કે બોલાયેલા શબ્દો અને કમાનમાંથી નીકળેલું તીર પાછું ન આવે. આજે ફરીથી આ વાક્ય સમજવું જોઈએ. પાણી અને વાણી વિચારીને વાપરો!' જ્ઞાાન પીરસતા રહેવું એ વડીલોનો જન્મસિદ્ધ અધિકાર છે એમ સમજીને હીરજી હંસે લાંબો મેસેજ ટાઈપ કર્યો. મંગળા માછલી, મસ્તરામ મોર અને કબૂતર કાનાફૂસિયાએ એમાં હાર્ટ રિએક્શન આપ્યું. તેનાથી ઉત્સાહિત થયેલા હીરજી હંસે તુરંત બીજો મેસેજ ટાઈપ કર્યોઃ 'પહેલાં જંગલના નેતાઓ ભાષણોમાં એક ગૌરવ અને સન્માન જાળવી રાખતા. હવે તો એકબીજાની વિરૂદ્ધ બોલવામાં એક મિનિટનો વિચાર નથી કરતા. જંગલનું રાજકારણ ક્યાં જશે?'

'દાદા! આજે તો નિવેદનો પાછા ખેંચવાનો અને માફી માંગવાનો ટ્રેન્ડ ચાલે છે! આ જુઓ!' મંગળાએ હીરજી હંસના મેસેજને ટેગ કરીને મેસેજ લખ્યો ને તુરંત એક વીડિયો શેર કર્યો. સાંસદ ગેંડાભાઈ ગુમાનીનાં બે નિવેદનો ભેગા કરીને એક વીડિયો બનાવાયો હતો. ગેંડાએ પહેલાં કહ્યુંઃ 'કબૂતર સમાજ ચારેબાજુ ઘુઘુઘુ કરે એનાથી મને વાંધો છે. એના કરતાં તો કોયલો સારી. કેટલું મીઠું બોલે...' કબૂતર સમાજ આ નિવેદનથી નારાજ થયો પછી ગેંડાભાઈએ માફી માગતા કહ્યુંઃ 'હું મારું નિવેદન પાછું ખેંચું છું. કબૂતર સમાજ મને માફ કરી દે. મારો ઈરાદો એવો ન હતો...'

'મને તો એ સમજાતું નથી કે નિવેદન આપ્યા પછી પાછું ખેંચી જ કેવી રીતે શકાય?' જ્ઞાાની ગાયબેનના સવાલમાં કબૂતર, મોર મંગળાએ રિએક્ટ કર્યું.

'જેમ આપ્યું હોય એમ!' બકુલેશકુમાર બળદે ફની ઈમોજી સાથે મેસેજ મૂક્યો. પાડાભાઈ પંચાતિયા એમાં ફની રિએક્ટ કરી ગયા.

'હું જ્યારે એમ સાંભળું કે કોઈએ નિવેદન પાછું ખેચ્યું ત્યારે મને સવાલ થાય કે નિવેદન પાછું ખેંચી લેવાથી તેની અસર પાછી ખેંચી શકાય?' મસ્તરામ મોરે થિંકિંગના ઈમોજી સાથે સવાલ ઉઠાવ્યો.

'નેતાઓ તો એવા જ હોય, અભી બોલા અભી ફોક...' હીરજી હંસે પહેલી વખત ટૂંકો મેસેજ લખ્યો.

'પોલિટિશિયન્સ એટલું ડીપ થોડું વિચારે. એ તો ફોર્મમાં ને ફોર્મમાં કોઈને ખુશ કરવા બોલી નાખે. એનાથી કોઈ નારાજ થાય તો માફી માગી લે. ચૂંટણી વખતે તો બધું જ કરશે.' ચક્રધર ચકલાએ ઓપિનિયન આપ્યો.

'મને તો લાગે છે નેતાઓ જાણી-જોઈને બોલે છે. એમને એ વાત બરાબર સમજાય છે કે નિવેદન પાછું ખેંચી લેવાથી અસર ઓછી નહીં થાય, પરંતુ જંગલના સમાજોમાં આવું કરવાથી ભાગલા પડે છે. તેનો લાભ તો સીધો નેતાઓને જ થવાનો છે. કબૂતરસમાજની ટીકા કરે તો એની વિરૂદ્ધમાં જેટલા સમાજો હોય એ બધાને તો ગેંડાભાઈ સારા જ લાગવાના છેને! એ સૌ ગેંડાભાઈને મત આપે એટલે એનું કામ થઈ જાય.' હીરજી હંસની વાતમાં સૂર પુરાવતા કબૂતરે કહ્યુંઃ 'ઉગ્ર નિવેદનની બરાબર અસર થઈ જાય એટલે નિવેદન પાછું ખેંચવાનું ને માફીનું નાટક કરીને નેતાજી છટકી જાય છે.'

મસ્તરામ મોરે એક વીડિયો શેર કર્યો ને કેપ્શનમાં લખ્યુંઃ 'જંગલના નેતાઓ વચ્ચે બેફામ નિવેદનો આપવાની સ્પર્ધા શરૂ થઈ છે.' વીડિયોમાં કાચબાભાઈ કકળાટિયા, વાંદરાભાઈ વટપાડુ, સસલાભાઈ, રીંછભાઈ વગેરેનાં નિવેદનો હતા. એ બધા જ નેતાઓ એકબીજાને નિશાન બનાવીને દરરોજ કંઈકનું કંઈક બોલતા હતા. એકબીજાને નીચા દેખાડવાની એક તક આ નેતાઓ જતી ન કરતા ન હતા. સસલાભાઈ મહારાજા સિંહના શાસનને વખોડતા હતા, તો રીંછભાઈ સસલાભાઈને નાદાન કહીને સભામાં ટીખળો કરતા હતા.

'ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી આવું બધું ચાલતું રહેવાનું છે. જંગલના એકતા અખંડ રહે એ મહત્ત્વનું છે.' જ્ઞાાની ગાયબેને મસ્તરામ મોરના વિડીયોમાં જવાબ આપ્યો.

'એ એકતાને જોખમ છે. આ જુઓ!' મંગળા માછલીએ 'જંગલ ન્યૂઝ'ના પ્રસારણની ફીડ મૂકી. એમાં મહારાજા સિંહનું ભાષણ લાઈવ દર્શાવાતું હતું. રાજા સિંહે વિપક્ષના નેતા સસલાભાઈ, મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાને નિશાન બનાવીને કહ્યુંઃ 'જંગલમાં વિપક્ષી નેતા સસલાભાઈ અને કાચબાભાઈનું રાજ આવશે તો બહારના જંગલોમાંથી ઉડીને આવતા પક્ષીઓ માટે જ સરકારી યોજનાઓ બનશે. પ્રાણીઓનો કોઈ ભાવ નહીં પૂછે. તમારી કમાણી પક્ષીઓના ભલા માટે કે તમારા ભલા માટે વપરાય તે જોઈને મતદાન કરજો!'

રાજા સિંહના આ નિવેદન પછી પ્રાણીઓ પક્ષીઓને શંકાની નજરે જોવા લાગ્યા હતા....


Google NewsGoogle News