Get The App

સિંહના સમર્થક વરુ વિસ્તારકનો ડોર- ટુ- ડોર ચૂંટણી પ્રચાર

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
સિંહના સમર્થક વરુ વિસ્તારકનો ડોર- ટુ- ડોર ચૂંટણી પ્રચાર 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- મહારાજા સિંહે ચૂંટણી પ્રચાર માટે જુદી જુદી ટુકડી બનાવી એમાં વરુને વિસ્તારકની જવાબદારી સોંપી. આક્રમક પ્રચાર માટે જાણીતા વરુએ આખાય જંગલમાં હાહાકાર મચાવી દીધો...

મહારાજા સિંહનો આખાય જંગલમાં દબદબો થયો એમાં સમર્પિત કાર્યકરોનો મોટો ફાળો હતો. વિપક્ષના નેતા સસલાભાઈ પાસે કાર્યકરોની અછત હતી એટલે જંગલમાં બધે પોતાની વાત પહોંચાડવા માટે સસલાભાઈએ નછૂટકે 'જંગલ જોડો યાત્રા' શરૂ કરવી પડેલી. વિપક્ષના અન્ય નેતા મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા પાસે જંગલમાં કાર્યકરો હતા એટલે પ્રચાર સામગ્રીનું વિતરણ વગેરે એ કાર્યકરો સંભાળી લેતા હતા, પરંતુ બહુ મર્યાદિત વિસ્તારોમાં જ તેમની પક્કડ હતી. કાચબાભાઈએ સમુદ્ર અને તેની આસપાસમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આવી સ્થિતિ વચ્ચે મહારાજા સિંહ પાસે કાર્યકરોની વિશાળ ફોજ હતી. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાથી લઈને પાડાકુમાર પંચાતિયા, કાગડાભાઈ કંકાસિયા, હોલો હઠીલો, બકુલેશ બળદ જેવા આ કાર્યકરોની ખાસિયત એ હતી કે રાજા સિંહ જે બોલે એનો તો પ્રચાર કરે જ કરે, પરંતુ જે બોલ્યા ન હોય એ તારવીને એનોય જોરશોરથી પ્રચાર કરે.

આ કાર્યકરોના આક્રમક પ્રચારના કારણે જ મહારાજા સિંહની જંગલમાં આગવી ઈમેજ બની હતી. આ કાર્યકરોની કામ કરવાની કોઈ શિફ્ટ ફિક્સ ન હતી. ઉઠે ત્યારથી એ મહારાજા સિંહનું કામ શરૂ કરે ને રાતે જાગે ત્યાં સુધી અવિરત કામ કરતા રહે. આવી જ ખાસિયત ધરાવતો એક અન્ય કાર્યકર પણ મહારાજા સિંહની ટીમમાં હતો - નામ એનું વરુ વિસ્તારક.

સિંહની પાર્ટી માટે દર ચૂંટણીમાં વિસ્તારકની જવાબદારી ઉપાડતો હોવાથી એને સૌ વરુ વિસ્તારકના નામથી ઓળખતા હતા. વિસ્તારક એટલે એક રીતે કાર્યકર જ, પરંતુ એની દોડધામ સામાન્ય કાર્યકર કરતાં વધારે હોય. વિસ્તારોમાં ફરી ફરીને પ્રચાર કરી શકે ને એના માટે કોઈ જ વળતર ન મેળવે એવા કાર્યકરો વિસ્તારક ગણાય.

વરુ વિસ્તારમાં સિંહભક્તિ ઠાંસી-ઠાંસીને ભરી હતી. સિંહના એક એક વાક્યને એ આખો દિવસ મમળાવતો અને રાત પડયે એમાંથી એવા અર્થો કાઢતો કે સાથી કાર્યકરો એના પર આફરીન થઈ જતા. દિવસ-રાત વરુ વિસ્તારક સિંહમય રહેતો. ચૂંટણી હોય કે ન હોય સોશિયલ મિડીયામાં સિંહની તરફેણમાં દર બે-ચાર કલાકે એની પોસ્ટ આવતી રહે. સિંહના વિરોધીઓ વિશે એવી એવી વાતો ઘડી કાઢે કે એની જાણકારી ખુદ વિરોધીઓને ન હોય. એક ઉદાહરણ: વરુ વિસ્તારકે પહેલી વખત એવી પોસ્ટ મૂકી કે સસલાભાઈના પૂર્વજો તો પક્ષીઓ હતા. સસલાભાઈ પોતે ભલે અત્યારે પ્રાણી છે. દેખાય છે પ્રાણી, પરંતુ એના પૂર્વજો પક્ષીમાંથી પ્રાણી બન્યા હતા. વરુ વિસ્તારની આ વાત પછી તો સૌ કાર્યકરોએ ઉપાડી લીધી. તે એટલે સુધી કે સસલાભાઈના સમર્થકો એને રદિયો આપતા થાકી ગયા.

વરુને મહારાજા સિંહની સૂચનાથી વધુ એક ચૂંટણીમાં વિસ્તારકની જવાબદારી સોંપાઈ હતી. સિંહ પસંદગીના કાર્યકરોને જ વિસ્તારક બનાવતા હતા. વિસ્તારક એટલે ગૌરવપૂર્ણ કામ - એવો પ્રચાર કરીને રાજા સિંહ વરુ જેવા કાર્યકરો પાસેથી તનતોડ મહેનત કરી લેતા. વરુ વિસ્તારક મહારાજા સિંહનો ચૂંટણી સંદેશો લઈને આખાય જંગલમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરવા લાગ્યો. વરુની એક ખાસિયત એવીય હતી કે વિરોધ પક્ષના કાર્યકરો એની સામે મળી જાય તો એને પોતાના તીક્ષ્ણ દાંતથી ઈજાગ્રસ્ત કરી નાખે. મતદારો સિંહના શાસનની વિરૂદ્ધમાં કંઈ બોલે તો એની સામે લાલ આંખ બતાવીને ડરાવે. તેની આ આક્રમકતા, ડરાવી શકવાની ક્ષમતાના કારણે જ રાજા સિંહ દરેક ચૂંટણીમાં એને વિસ્તારક બનાવતા હતા.

વરુ વિસ્તારકનું રિપોર્ટિંગ સીધું મહારાજા સિંહના અંગત વિશ્વાસુ રીંછભાઈને રહેતું. જંગલમાં જુદા જુદા સમાજોમાં રાજા સિંહ વિશે કેવી વાતો ચાલે છે? નેતાઓ સિંહ વિશે શું વાતો કરે છે? કયા કાર્યકરો કેટલું કામ કરે છે? કેટલા નેતાઓ કામચોરી કરે છે? આ બધા સવાલોના જવાબો વરુ વિસ્તારક રીંછભાઈને આપતો. બદલામાં રીંછભાઈ એ દિવસે એનું ભાવતું ભોજન મંગાવીને એને પેટ ભરીને જમાડતા. પાનો ચડાવીને કહેતા: 'તારા જેવા વિસ્તારકો જ પાર્ટીનું ભવિષ્ય છે. તારા જેવા વિસ્તારક જ ભવિષ્યમાં પાર્ટીનું સુકાન સંભાળશે. તમે જ રાજા સિંહની ઉજળી પરંપરાને આગળ લઈ જશો. તમે જ આ જંગલને મહાનતાના નવા શિખરે પહોંચાડશો. તમારા પર જ બધો આધાર છે.'

વરુ વિસ્તારને આ સાંભળવામાં બહુ આનંદ આવતો. દર ચૂંટણીમાં આ શબ્દો સાંભળવા માટે જ તો એ દિવસ-રાત જંગલમાં ઠેર-ઠેર રઝળીને પ્રચાર કરતો. દર ચૂંટણી પછી એને આશા રહેતી કે વિસ્તારકનું કામ કર્યું છે અને પાર્ટી એનામાં જ ભવિષ્ય જુએ છે તો કંઈક ચાવીરૂપ જવાબદારી સોંપશે.

પણ ટિકિટની વહેંચણી હોય કે સંગઠનનો હોદ્દો હોય, વરુ વિસ્તારને એમાં કોઈ જવાબદારી મળતી નહીં. એ વખતે તો નેતાઓના સંતાનોના નામનું લિસ્ટ જ બહાર પડતું. તેમ છતાં વરુ વિસ્તારકને ક્યારેય અસંતોષ ન થયો. અગાઉ એણે ખૂબ હોંશથી વિસ્તારકની જવાબદારી ઉપાડી હતી, આગળ પણ એટલા જ હોંશથી જવાબદારી ઉપાડશે. કારણ કે ભવિષ્ય ઉજળું છે એ નક્કી હોય ત્યારે વર્તમાનમાં ચિલ્લર-છુલ્લર પદ-પ્રતિષ્ઠા મેળવીને કરવાનું શું?

વિસ્તારકોનું આ સમર્પણ જ મહારાજા સિંહને કાયમ ગમતું હતું.


Google NewsGoogle News