FOLLOW US

જંગલમાં યોગ દિવસ ઉજવાયો: 'જંગલ ન્યૂઝ'નો વિશેષ અહેવાલ

Updated: Jun 23rd, 2022


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- મહારાજા સિંહે ટ્વીટ કર્યું: 'પ્યારા જંગલવાસીઓ! આપણે સૌ યોગ દિવસે સાથે મળીને યોગાસનો કરીશું. હું આપ સૌને અપીલ કરીશ કે મારા નિવાસસ્થાનની સામે જે વિશાળ મેદાનમાં છે એમાં પધારો અને યોગાસનોમાં સહભાગી બનો. વંદે જંગલમ્, જંગલ માતા કી જય...'

- મહારાજા સિંહની જાહેર અપીલ પછી યોગ દિવસે જંગલવાસીઓ મેદાનમાં યોગાસનો માટે ઉમટી પડયા.

જંગલમાં યોગ દિવસની ઉજવણી માટે કેટલાય દિવસથી તડામાર તૈયારીઓ થઈ રહી હતી. મહારાજા સિંહ ખુદ યોગાસનો કરવાના હોય ત્યારે એમાં કોઈ કસર રહી ન જાય એ માટે જંગલનું બધું વહીવટી કામ થોડા દિવસ માટે બાજુ પર મૂકીને બધા જ દરબારીઓ તૈયારીમાં લાગી ગયા હતા. આમેય ઑડિયન્સ ઓછું હોય તો મહારાજા સિંહ કોઈ કાર્યક્રમને એન્જોય કરી શકતા ન હતા. કાર્યક્રમ પછી દરબારીઓનો ક્લાસ લઈ નાખતા. આ સ્થિતિ ન સર્જાય તે માટે જંગલની સરકારનું તંત્ર ઑડિયન્સ એકઠું કરવામાં લાગી ગયું હતું. જંગલના બધા જ સમાજોના નેતાઓને મળીને વિશેષ આમંત્રણો પાઠવાયા હતા અને ખાસ પ્રલોભનો પણ અપાયા હતા.

ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુને વાંદરા-કૂતરા-બકરા-ઘેટાસમાજનો હવાલો સોંપાયો હતો. આ સમાજો વાંદરાભાઈ વટપાડુની પરંપરાગત વોટબેંક હતી. સાંસદ ગેંડાભાઈ ગુમાનીને ગેંડાસમાજ ઉપરાંત હાથીસમાજ અને હરણસમાજ વગેરેની જવાબદારી આપવામાં આવી હતી. આ બંને નેતાઓ ઉદ્ધાટન સમારોહો સિવાય ભાગ્યે જ બહાર નીકળતા હતા, પરંતુ હાઈકમાન્ડમાંથી (કમાન્ડ હાઈ ટોન એટલે કે ઊંચા અવાજે આપી શકવાની ક્ષમતા ગણ્યા-ગાંઠયા નેતાઓ પાસે હોવાથી જંગલનું મીડિયા મહારાજા સિંહ અને દરબારીઓને હાઈકમાન્ડ કહેતું હતું) આદેશ છૂટયો હતો એટલે યોગયાત્રાએ નીકળ્યા હતા.

મહારાજા સિંહના મુખ્ય સચિવ બનેલા મગરભાઈ માથાભારેએ બધા જ માથાભારે સરીસૃપોને હાજર રાખવાની જવાબદારી માથે લીધી હતી. જંગલમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જેમની નિયુક્તિ થઈ હતી એવા બબ્બનકુમાર બિલાડાને બિલાડા ઉપરાંત ઉંદર-ખીસકોલી-ગરોળી-દેડકા જેવા લોપ્રોફાઈલ સમાજોનું કામ મળ્યું હતું. જંગલની આ એક અનોખી ખાસિયત હતી. નેતાઓએ દીર્ઘદૃષ્ટિ વાપરીને જંગલની તમામ બાબતોમાં સમાજો પ્રમાણે (જેને ઘણાં જ્ઞાાતિ કે જાતિ પણ કહેતા હતા) વહેંચણી કરી હતી. ચૂંટણી ટિકિટની વહેંચણીથી લઈને યોજનાઓ સુધીમાં આ ગણિત લાગુ પાડવાથી સરળતા રહેતી હતી એવો તર્ક દાયકાઓથી અપાતો હતો. જંગલવાસીઓ પણ એ વાતે ખાસ્સા કન્વિન્સ્ડ જણાતા હતા.

***

આ તૈયારી વચ્ચે જંગલના મીડિયામાં અગાઉ યોગ દિવસની ઉજવણીઓ થઈ તેના અહેવાલો પ્રસિદ્ધ થવા લાગ્યા હતા. આમ તો જંગલની બધી જ ચેનલો નંબર વન ગણાતી હતી, પરંતુ 'તિકડમ રેટિંગ પદ્ધતિ' કે એવું કંઈક ફૂલફોર્મ ધરાવતી સિસ્ટમ ટીઆરપીના આધારે નંબર વન ગણાતી ચેનલ 'જંગલ ન્યૂઝ'માં અગાઉનાં આસનોની ટૂંકમાં સમજ આપતો એક કાર્યક્રમ ચાલતો હતોઃ 'નમસ્કાર હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો જંગલની એકમાત્ર નંબર વન ચેનલ - 'જંગલ ન્યૂઝ'... અમારી યોગ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. મહારાજા સિંહની આગેવાનીમાં વધુ એક યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે અગાઉના આસનોનો ટૂંકમાં પરિચય કરી લઈએ...

મહારાજા સિંહના પાવરયોગા આખાય જંગલમાં વિખ્યાત છે. 'પાવરયોગા'ની મદદથી સિંહ વિપક્ષોને ઠીક દરબારીઓને ય ધમકાવી નાખે છે. મહારાજાના નજીકના સૂત્રો દાવો કરે છે કે આજકાલ રાજા સિંહ 'નિષ્ક્રિય યોગ' અને 'મૌનાસન' પણ શીખી ગયા છે. બીજી તરફ વિરોધપક્ષના નેતા સસલાભાઈ 'બફાટાસન', 'ગઠબંધનાસન', 'નિંદાસન', 'રોષાસન', 'વાંધાસન' જેવા આસનોમાં કુશળ થયા છે. મહારાજ સિંહના અંગત રાજકીય સલાહકાર અને ટોચના દરબારી એવા રીંછભાઈને યોગાસનો કરવામાં ભારેખમ શરીરના કારણે મુશ્કેલી પડે છે, છતાં સલાહાસન, પ્રશંસાસન, ધમકીઆસન વગેરેની નિયમિત પ્રેક્ટિસ કરે છે. આ બધા આસનો વચ્ચે સામાન્ય જંગલવાસીઓ દરરોજ વેઠયોગ કરે છે. 'વેઠયોગ'માં ઉપરના બધા જ આસનો કરતાં વધારે શારીરિક-માનસિક શ્રમ પડે છે, તેથી ઘણાં નિષ્ણાતો એને 'શ્રમયોગ' પણ ગણાવે છે. 

...તો આ હતી અમારી વિશેષ રજૂઆત. મહારાજા સિંહ યોગમેદાનમાં હાજર થઈ ગયા છે. ટૂંક સમયમાં ઉજવણી શરૂ થશે. અમે તમને લઈ જઈશું સીધા યોગના મેદાનમાં... પણ એ પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો.. વિરામ પછી જોઈશું મહારાજા સિંહનો લાઈવ કાર્યક્રમ... જોતા રહો 'જંગલ ન્યૂઝ'...'

***

બધી જ તૈયારી પછી આખરે વહેલી સવારે જંગલમાં યોગ દિવસની ઉજવણી શરૂ થઈ. મહારાજા સિંહ આવ્યા તે પહેલાં જ દરબારીઓ અને ચૂંટાયેલા જંગલપ્રતિનિધિઓ સ્ટેજની સામે હરોળબદ્ધ ગોઠવાઈ ગયા હતા. સ્ટેજની એક તરફ માદા નેતાઓને સ્થાન મળ્યું હતું, જેમાં જ્ઞાાની ગાયબેન, ભટકેલી ભેંસબેન, ખિસકોલીબેન ખીસ્સાકાતરું, પ્રેમા પારેવડી, મંગળા માછલી, ગુલાલીબેન ગધેડી, બકુલાબેન બકરી વગેરેનો સમાવેશ થતો હતો. જંગલમાં માદાસશક્તિકરણની ઝુંબેશ પૂરજોશમાં ચાલતી હતી, મહારાજા સિંહે માદાઓને યોગ દિવસની ઉજવણીમાં આદરભર્યું સ્થાન આપીને વૉટબેંક મજબૂત કરવાનો માસ્ટરસ્ટ્રોક માર્યો હોવાના મીડિયા અહેવાલો રજૂ થઈ રહ્યા હતા.

સ્ટેજની બીજી તરફ જંગલના અલગ અલગ સમાજોના પ્રમુખોને અને વિશેષ આમંત્રિતોને સ્થાન અપાયું હતું. 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ના માલિક અને અખિલ જંગલીય ગધેડાસમાજના પ્રમુખ ગુલામદાસ ગધેડા, 'ભજિયા એન્ડ પકોડા ઈન્ડસ્ટ્રી'ના સીઈઓ પપ્પુ પોપટ, કૂતરાસમાજના પ્રમુખ કૂતરાભાઈ કડકા, બકરાસમાજના એક્ટિંગ પ્રેસિડેન્ટ બાબાલાલ બકરા, ઊંટસમાજના મહાસચિવ ઊંટભાઈ ઉઠાવગીર, ઉંદરસમાજના અધ્યક્ષ ઉંદરભાઈ ઉત્પાતિયા, ઘેટાસમાજના યુવાનેતા ઘેટાભાઈ ઘાસફૂસિયા, જામીન પર છૂટીને જંગલસેવાની પ્રવૃત્તિ કરી રહેલા ચોરસમાજના પ્રમુખ ઘુવડભાઈ ઘરફોડ, ટિકટોક સ્ટાર વાંદરાભાઈ વૉટરસેવર, જંગલના વિખ્યાત ચિંતક-વક્તા અને કવિ ઘુવડકુમાર ઘાંટાપાડુ, વયોવૃદ્ધ નાગરિક હીરજીભાઈ હંસ, ઉમદા કલાકાર મસ્તરામ મોર અને મીડિયા પ્રતિનિધિ કબૂતર કાનાફૂસિયાએ મહારાજા સિંહનું આમંત્રણ સ્વીકારીને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

ટૂંકા ભાષણમાં વિપક્ષી નેતાઓની આકરી ઝાટકણી કાઢ્યા બાદ મહારાજા સિંહ વિશાળ સ્ટેજની વચ્ચોવચ આવી પહોંચ્યા. સિંહે આંખો બંધ કરીને પગ લાંબા કર્યા એ સાથે યોગાસનોની શરૂઆત થઈ. સિંહે અર્ધવજ્રાસન કર્યું, એ પછી મોટું બગાસું ખાઈને બગાસાસન કર્યું. મહારાજાએ આસનો શરૂ કર્યા એટલે તેમની સામે હાજર દરબારીઓ પણ આવડે એવા આસનો કરવા લાગ્યા. સ્ટેજની એક તરફ માદાઓએ યોગાસનો આદર્યા. બીજી તરફ સમાજના આગેવાનો અને વિશેષ આમંત્રિતોએે પણ આસનો શરૂ કર્યા. યોગાસનો હજુ તો માંડ શરૂ જ થયા હતા ત્યાં મહારાજા સિંહે સોશિયલ મીડિયામાં કરેલી અપીલને ધ્યાનમાં રાખીને ઉમટી પડેલા કૂતરાસમાજના યુવા શ્વાનોની 'ભસમભસા ટૂકડી' આવી પહોંચી અને જોરજોરથી તેમણે ભસાસન શરૂ કર્યું. તેની પાછળ 'રોતલ રેજિમેન્ટ' સંગઠનના પ્રતિનિધિઓ આવ્યા અને તેમણે રોતલાસનનું પ્રદર્શન કર્યું. તેમના કોલાહલથી જંગલની યોગસભામાં ભારે અવરોધ આવ્યો. કાર્યક્રમના સંચાલક મંકી મંદમતિએ માઈક હાથમાં લઈને તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યોઃ 'મારા યુવાશ્વાન વીરો! આપણે સૌ આ કાર્યક્રમની શાંતિ જાળવી રાખીશું. મહેરબાની કરીને શાંતિથી આસનો કરો!' 

હજુ તો આ હોલાહલ શાંત થયો ન હતો ત્યાં જંગલના સુરક્ષા અધિકારી બબ્બનકુમાર બિલાડાની દોરવણી હેઠળ ઉંદરો, ખીસકોલીઓ, ગરોળીઓ અને દેડકાઓએ જ્યાં જગ્યા મળે ત્યાં મનફાવે તેવાં આસનો કરવા માંડયાં. મહારાજા સિંહને ખુશ કરીને પ્રમોશન મેળવવાની વેતરણમાં રહેલા બબ્બનકુમાર બિલાડાને એમ હતું કે આટલી મોટી સંખ્યામાં આ સમાજોની હાજરીથી મહારાજા સિંહ ખુશ થશે, પરંતુ મહારાજા સિંહ અને રીંછભાઈએ રોષભેર એના સામું જોયું એ પરથી જ બબ્બનકુમારે બદલીનો અંદાજ લગાવી લીધો.

પણ મહારાજા સિંહ, દરબારીઓ અને હાજર રહેલા મહાનુભાવો માટે મોટું સરપ્રાઈઝ તો બાકી હતું. કૂતરા-બિલાડાં, ઉંદરો, ખિસકોલીઓ, દેડકાઓના કોલાહલ વચ્ચે એડજસ્ટ કરીને જંગલવાસીઓ જેમ તેમ યોગાસનો કરતા હતા. મહારાજા સિંહ સામે બેઠા હોય ત્યારે નિષ્ક્રિય રહી શકાય તેમ હતું નહીં. હાથીઓનું ટોળું કપાલભાતીમાં વ્યસ્ત હતું. ઘોડાઓ અનુલોમ-વિલોમની માથાકૂટમાં પડયા હતા. ઘેડાઓ સુપ્ત વજ્રાસનની મથામણમાં પડયા હતા. ગાયો ગૌમુખાસન કરતી હતી. ઊંટો શવાસનના પ્રયાસમાં હતા.

બરાબર એ જ સમયે મગરભાઈ માથાભારે સરીસૃપોના ટોળા સાથે પ્રવેશ્યા. કોઈ કંઈ સમજે, વિચારે એ પહેલાં મગરો, વિવિધ પેટા જાતિના સાપો, અજગરો, કાચબાઓએ યોગાસનો કરતા જંગલવાસીઓની વચ્ચે આવીને યોગાસનો કરવા લાગ્યા. કેટલાય સાપો હાથીઓની સૂંઢમાં ચીપકી ગયા. કેટલાકે ઘોડાઓના પગ ફરતે વળ લીધો. કેટલાક અજગરોએ ઘેટા, બકરાઓ ફરતે ભરડો લીધો. આ સ્થિતિ જોઈને મહારાજા સિંહ સહિત જંગલવાસીઓ હેબતાઈ ગયા. મેદાનમાં ભાગદોડ મચી ગઈ. રાડારાડ અને ચીસાચીસથી વાતાવરણ બિહામણું બની ગયું.

મહારાજા સિંહના સ્ટેજ પર ચડીને થોડાંક અળવીતરા સાપો યોગાસનના કરતબો બતાવવાની પેરવીમાં હતા, પણ નોળિયાઓની બનેલી વિશેષ કમાન્ડોની ટીમે બધા જ સાપોને દૂર હડસેલી દીધા. મહારાજા સિંહનો ગુસ્સો ફૂટયો. સરકારી અધિકારી મગર માથાભારેને સામે ઊભો રાખીને બરાબર તતડાવ્યો. મગર માથાભારે આંસુ પાડતા પાડતા એટલું જ બોલી શક્યોઃ 'હું તો તમારી યોજનાઓથી પ્રેરિત થઈને સરીસૃપોને જંગલના મુખ્ય પ્રવાહમાં ભેળવવાની કોશિશ કરતો હતો'

મગરને તાત્કાલિક સસ્પેન્ડ કરીને મહારાજા સિંહે યોગ દિવસની ઉજવણી પૂરી થયાની જાહેરાત કરી અને પોતે ગુફામાં ચાલ્યા ગયા. એ પછીય મેદાનમાંથી બિહામણા અવાજો આવતા રહ્યા. ઉજવણી પછી ડોગ બાઈટ, સર્પદંશ, સ્નાયુઓ જડકાઈ જવા સહિતની ફરિયાદો સાથે કેટલાય જંગલવાસીઓ ડૉ. અષ્ટબાહુ ઓક્ટોપસની હોસ્પિટલે ઉમટી પડતા હતા એના કાર્યક્રમો દિવસો સુધી 'જંગલ ન્યૂઝ'માં ચાલતા રહ્યા હતા...

Gujarat
English
Magazines