FOLLOW US

ટ્રાફિક અધિકારી બબ્બન બિલાડાના બેવડાં ધોરણો

Updated: Feb 23rd, 2023


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- બબ્બન બિલાડાને 'ઉપરથી' સૂચના આવી: 'ઉઘરાણું શરૂ કરો, ટાર્ગેટ પૂરો કરો!' થોડાંમાં ઘણું સમજી જવાની અજબ આવડત ધરાવતા ટ્રાફિક અધિકારી બબ્બન બિલાડાએ અધવચ્ચે ડંડા પછાડવાનું શરૂ કર્યું અને...

જંગલમાં શિયાળાની વિદાય થઈ ચૂકી હતી. ઉનાળો તપવા લાગ્યો હતો. જંગલના પેરેન્ટ્સ સંતાનોની પરીક્ષાની ચિંતામાં હતા. કોલેજના સ્ટુડન્ટ્સ પરીક્ષા પહેલાં છેલ્લી ઘડીએ ચોપડીનાં પાનાં ફેરવવામાં પડયા હતા. નોકરિયાત વર્ગ તાપથી બચવા ઝટપટ ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે પહોંચવાની મથામણમાં પડયો હતો. મજૂરો અને ખેડૂતોમાં આકરા તાપમાં તપ્યા પછી વિરોધોમાં પડવાની કોઈ હોંશ બચી નહોતી. ચૂંટણીઓ પૂરી થઈ ગઈ હતી એટલે જંગલની સરકારને મતદારોની ચિંતા કરવામાંથી મુક્તિ મળી હતી. આ એવો સમય હતો જ્યારે જંગલની સરકાર તિજોરી છલકાય એવા આદેશો આપતી હોય છે. 

એવો જ આદેશ ટ્રાફિક અધિકારી બબ્બન બિલાડાને મળ્યો: 'ઉઘરાણું શરૂ કરો, ટાર્ગેટ પૂરો કરો!' આદેશ મળતાની સાથે જ બબ્બન બિલાડો ડંડો લઈને રસ્તા વચ્ચે ઊભો રહી ગયો. સરકારના ટ્રાફિક અધિકારીઓ પાસે જંગલવાસીઓને પરેશાન કરવાનો વિશેષ પરવાનો હતો. ગમે ત્યારે, ગમે તેને, ગમે તે રીતે અધવચ્ચે અટકાવીને ટ્રાફિક અધિકારીઓ પૂછપરછ કરે, વિવિધ દસ્તાવેજો માગે અને એકાદ દસ્તાવેજ ન હોય એવા કિસ્સામાં રોકમ રકમ વસૂલે. એમાંય આકરી ગરમીમાં આવો ત્રાસ વર્તાવવાનું બબ્બન બિલાડાને બહુ ગમતું.

બબ્બન બિલાડાએ બકુલેશકુમાર બળદને રોકીને કડપથી કહ્યું: 'લાઇસન્સ!'

બકુલેશે લાઇસન્સ બતાવ્યું અને ગાડી ચાલુ કરી ત્યાં બબ્બન બિલાડો ફરી તાડૂક્યો: 'પીયુસી?'

બકુલેશ સમજી ગયો કે બબ્બન ટાર્ગેટ પૂરો કરવા અધવચ્ચે ઊભો છે, પ્રસાદ વગર જવા નહીં દે. ગમે એટલે ડોક્યુમેન્ટ હશે તોય એકાદ મુદ્દે તો વસૂલી કરશે. બકુલેશે નરમ અવાજે કહ્યું: 'સાય્બ! ૧૦૦મા પતાવી નાખોને?' વળતી પળે બકુલેશ મુક્ત થઈ ગયો હતો.

બાબાલાલ બકરાના બાઈકની પીયુસી હજુ એકાદ સપ્તાહ પહેલાં જ પૂરી થઈ હતી. બાબાલાલ ટ્રાફિકના બધા જ નિયમો પાળતા. હેલમેટ પહેરતા, લાઈસન્સની કોપી સાથે રાખતા. ક્યારેય રોંગ સાઈડ બાઈક ન ચલાવે, ક્યારેય રેડ સિગ્નલ ન તોડે. બકુલાબહેનનો મૂડ સ્વિંગ થયા રાખતો એટલે હમણાં પીયુસી કઢાવવાનો સમય રહેતો ન હતો. બબ્બન બિલાડાએ બધા ડોક્યુમેન્ટ જોયા. પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટની તારીખ પૂરી થઈ એ મુદ્દે બાબાલાલ પાસેથી એણે વસૂલી કરી લીધી.

ગર્લફ્રેન્ડ પ્રેમા પારેવડી સાથે ફરવા નીકળેલો કબૂતર કાનાફૂસિયો પણ બબ્બન બિલાડાની નજરથી બચી ન શક્યો. પ્રેમાની હાજરીમાં 'સીન' ન થાય એ માટે કમને કબૂતર કાનાફૂસિયાએ પહોંચ મેળવી, પણ મનોમન બબડયો: 'આને એક દિવસ પાઠ ભણાવવો પડશે!'

*

'લાઈસન્સ, પીયુસી...' ટ્રાફિક પોલીસમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા ચતુરકુમાર શિયાળે બબલુ બંદરને રોકીને પૂછ્યું, 'હેલમેટ?'

'નવો જોડાયો છો?' બબલુના સામા સવાલથી ચતુરકુમાર શિયાળ મૂંઝાયો. ચતુરકુમાર ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટથી ટ્રાફિક પોલીસમાં જોડાયો હતો. ચતુરકુમારને પોલીસમાં ભરતી થવું હતું અને કોન્સ્ટેબલની પરીક્ષા આપવા ફોર્મ ભર્યું હતું, પરંતુ પરીક્ષા પહેલાં વારંવાર પેપર ફૂટી જતાં આખરે ટ્રાફિક પોલીસમાં બબ્બન બિલાડાની અંડરમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો.

'હેલમેટનું પૂછ્યું એ સંભળાયું નહીં?' ચતુરકુમાર શિયાળે કોન્ટ્રાક્ટની વરદીનો ઉછીનો પાવર બતાવવાની કોશિશ કરી.

'તને ખબર છે હું કોણ છું?' બબલુ બંદરે ગુસ્સામાં ઉમેર્યું, 'હું બંદરસમાજની 'તોફાની ટોળી' સંગઠનનો પ્રમુખ છું. મારી પાસેથી તું લાઈસન્સ માગે છે?' 

વળતી જ મિનિટે બબલુ બંદરે ટ્રાફિકપોલીસ અધિકારી મગરભાઈ માથાકૂટિયાને ફોન જોડયો. થોડી વાતો કર્યા પછી ફોન ચતુરકુમાર શિયાળને આપ્યો. મગરભાઈ માથાકૂટિયાએ ચતુરકુમારને કંઈક સમજાવ્યું. એ દરમિયાન ચતુર માત્ર માથું હલાવતો જ જોવા મળતો હતો.

'ઓકે. જવા દો,' ચતુરકુમાર શિયાળે નરમ અવાજમાં કહ્યું.

'ફરી ધ્યાન રાખજે, આ મારો દરરોજનો રસ્તો છે' બબલુ બંદરે ચહેરા સામે પંજો ચીંધીને છેલ્લી સૂચના આપતા કહ્યું, 'આ ચહેરો યાદ રાખજે. ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ પણ મારા સગામાં થાય છે.'

'ઓકે સર!' ચતુરકુમાર શિયાળ ઉપર આ ઓળખાણની ઊંડી અસર થઈ હોય એમ લાગતું હતું

*

'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'નો માલિક ગુલામદાસ ગધેડો તેના ઉદ્યોગપતિ મિત્ર પપ્પુ પોપટની સાથે ઘરેથી નીકળતો હતો ત્યાં જ વાઈફ ગુલાલીબેન ગધેડીએ કહ્યું, 'હમણા ટ્રાફિકના નિયમો કડક થયાનંટ સંભળાય છે. તમે લાઈસન્સ ને કારનાં કાગળિયા ભેગા રાખો છોને?'

ગુલાલીબેનની વાત સાંભળીને ગુલામદાસ અને પપ્પુ તો જોરજોરથી હસવા લાગ્યા. પપ્પુ પોપટ હસતા હસતા જ બોલ્યો : 'ભાભીજી! જંગલમાં ઉદ્યોગપતિઓને નિયમો પાળવાના નથી હોતા.'

'પૈસાદારો માટે જંગલની સરકાર બહુ સારું વર્તન કરે છે. આ બધા નિયમો તો સાધારણ જંગલવાસીઓ માટે હોય. તું ચિંતા ન કર,' ગુલામદાસે પપ્પુની વાતમાં સૂર પુરાવ્યો.

જતાં જતાં પપ્પુ પોપટ બોલતો સંભળાયો : 'ભાભીજી, 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ' અને 'પપ્પુ પકોડા એન્ડ ભજિયા ઈન્ડસ્ટ્રી'ને જ પીયુસી, થર્ડ પાર્ટી વીમો વગેરે બનાવવાની પરવાનગી મળી છે. અને હા, માર્કેટમાં મળતાં હેલમેટ પણ આપણી કંપનીના જ છે હોં... તમે ચિંતા ન કરો. આપણે દંડ ચૂકવવાનો નહીં, પૈસા કમાવાનો સમય છે!'

*

બબ્બન બિલાડો પીયુસી સર્ટિફિકેટ ન હોય એને દંડ ફટકારતો હતો ને એનાથી થોડે દૂર ગુલામદાસ ગધેડાના કારખાનામાંથી ધુમાડાના ગોટેગોટા ઉડીને આકાશમાં ભળતા હતા!

Gujarat
News
News
News
Magazines