For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાઘભાઈ વનરક્ષકની પર્યાવરણ બચાવો કેમ્પેઈનનો વિડીયો વાઇરલ

Updated: Feb 22nd, 2024

વાઘભાઈ વનરક્ષકની પર્યાવરણ બચાવો કેમ્પેઈનનો વિડીયો વાઇરલ

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- પ્લાસ્ટિકની બોટલ દાંતમાં દબાવીને પાણીમાંથી બહાર કાઢનારા વાઘભાઈ વનરક્ષકની પોપ્યુલારિટી રાતોરાત એટલી વધી ગઈ કે રાજા સિંહે તેમને આગામી ચૂંટણીમાં સાંસદ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો

'વોટ અ સ્ટોરી! ફેન્ટાસ્ટિક કેમ્પેઈન!' જંગલના વિખ્યાત વિડીયોક્રિટિક ઉલ્લુભાઈ અવળચંડાએ એક વિડીયો શેર કરીને કેપ્શનમાં આટલું લખ્યું ત્યાં તો એ વિડીયો વાઈરલ થઈ ગયો. વિડીયોક્રિટિક ઉલ્લુભાઈએ એ ક્ષેત્રમાં આગવું નામ કાઢ્યું હતું. બધા જેના વખાણ કરે એને ઉલ્લુભાઈ વખોડી કાઢે અને બધા જેને વખોડી કાઢે એને ઉલ્લુભાઈ વખાણે. તેમની આ આગવી અવળચંડાઈને ધ્યાનમાં રાખીને જંગલમાં તેઓ ઉલ્લુભાઈ અવળચંડાના નામે ઓળખાતા.

આ ઉલ્લુભાઈએ જે વિડીયો શેર કર્યો હતો એ વાઘભાઈ વનરક્ષકનો હતો. વાઘભાઈ પાણી પીવા ગયા ત્યારે પાણીમાં પ્લાસ્ટિકની બોટલ જોવા મળી. જો કોઈ નાનકડું સજીવ હોત તો વાઘભાઈ પર્યાવરણના સંતુલનની અને ઈકોસિસ્ટમની સહેજેય પરવા કર્યા વગર એનો નાસ્તો કરી જાત, પણ આ વાત બોટલની હતી. તેમને ભારે ગુસ્સો આવ્યો. તેમણે એ જ પળે બોટલમાં દાંત ભરાવ્યો અને પ્લાસ્ટિકની બોટલને દૂર હડસેલી દીધી. આમ તો આ ઘટના સાવ સાધારણ હતી. કેટલાય જંગલવાસીઓ દિવસ-રાત જંગલમાં બોટલો એકઠી કરીને સ્વચ્છતા જાળવવાનું કામ કરતા જ હોય છે. જંગલવાસીઓ જે બોટલો જેમ તેમ બેજવાદારીથી વેરે છે એ ઉપાડીને કચરામાં ઠાલવવાનું કામ કરતા આવા જંગલવાસીઓના વિડીયો દરરોજ બને તો સેંકડો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થાય ને એ જોવાનો ક્યાં જંગલવાસીઓને સમય છે? 

આ વિડીયો ખાસ હતો, કારણ કે વાઘ સમાજના કોઈ સભ્યએ સેંકડો બોટલોમાંથી એક બોટલ ઉપાડીને તેને દૂર ખસેડી હતી અને એનાથીય ખાસ વાત એ હતી કે વિડીયોક્રિટિક ઉલ્લુભાઈ અવળચંડાએ એ વિડીયોના મોંફાટ વખાણ કર્યા હતા. ઉલ્લુભાઈ અવળચંડાએ વાઘભાઈને 'વનરક્ષક' ગણાવ્યા હતા. પર્યાવરણને બચાવવા સૌ જંગલવાસીઓએ વાઘભાઈની જેમ સક્રિય થવું જોઈએ એવી સલાહ ઉલ્લુભાઈએ આપી હતી. ઉલ્લુભાઈ સોશિયલ મીડિયામાં મોટું ફેન-ફોલોવિંગ ધરાવતા હતા. વિડીયો વાયરલ થયો એ પછી તો વાઘભાઈ વનરક્ષકના ઈન્ટરવ્યૂ થયા. પ્લાસ્ટિકની બોટલ પાણીમાંથી દૂર કરવાનો આવો અદ્ભુત વિચાર તેમને ક્યાંથી આવ્યો એવા સવાલો પૂછાયા અને એના જવાબમાં વાઘભાઈ વનરક્ષકે જે સ્ટેટમેન્ટ આપ્યું એ સેંકડો જંગલવાસીઓના વોટ્સએપ સ્ટેટસમાં સેટ થયું.

વાઘભાઈ વનરક્ષક વારંવાર કહેતા દેખાતા હતા: 'હું બાળપણથી જ જંગલના રક્ષણ માટે કંઈક કરવા ઈચ્છતો હતો. મને આ તક આખરે મળી ગઈ. એક પ્લાસ્ટિકની બોટલ જોઈ અને મેં એને પાણીમાંથી દૂર કરીને પર્યાવરણ સુરક્ષાનું મોટું કામ કર્યું.'

વાઘભાઈ ક્લાઈમેટ ચેન્જ, ક્લાઈમેટ ક્રાઈસિસ, સેવ વોટર, સેવ ટ્રી જેવા શબ્દો વારંવાર બોલતા એટલે તેમનું કેમ્પેઈનિંગ બરાબર જામી ગયું. જે દરરોજ બોટલો એકઠી કરતાં તેમને ક્લાઈમેટ ચેન્જ, ક્લાઈમેટ ક્રાઈસિસ, ગ્લોબલ વૉર્મિંગ જેવા શબ્દો આવડતા ન હતા એટલે તેમને વાઘભાઈને 'વનરક્ષક'ની જે ઓળખ મળી તે ઓળખ મળતી ન હતી. અખિલ જંગલીય વાઘસમાજના અધ્યક્ષ ટાઈગરભાઈ ત્રાસદાયકે પોપ્યુલર ટ્રેન્ડ જોઈને તુરંત વાઘભાઈ વનરક્ષકનો સમ્માન સમારોહ યોજ્યો. મહારાજા સિંહ તો ચૂંટણીસભાઓમાં વ્યસ્ત હતા એટલે આવી શકે તેમ ન હતા એટલે તેમની વિડીયો બાઈટ અરેન્જ થઈ.

મહારાજા સિંહને તો ચૂંટણી પહેલાં વાઘસમાજને ખુશ કરવાની તક મળી ગઈ. તેમણે તો બહુ જ લાંબો વિડીયો મોકલ્યો. જેનો અર્થ કંઈક આવો થતો હતો: 'સાથીઓ! જંગલના સર્વાંગી વિકાસમાં વાઘસમાજનો બહુ મોટો ફાળો છે. વાઘસમાજની શિકારની ક્ષમતા અદ્વિતીય છે. તેમના કારણે જ જંગલમાં સંતુલન જળવાતું આવ્યું છે. સમયની સાથે વાઘસમાજ બદલાયો છે અને તેનું લેટેસ્ટ ઉદાહરણ છે, વાઘભાઈ વનરક્ષક. આ યુવા વાઘે આખાય જંગલને બતાવી આપ્યું છે કે એક વાઘ ધારે તો જંગલમાંથી પ્લાસ્ટિકનો નાશ કરી શકે. મને ગૌરવ છે કે આવો યુવા વાઘ આપણા જંગલમાં છે અને એ વખતે હું આ જંગલનો રાજા છું. વંદે જંગલમ્, જંગલ માતા કી જય!'

વાઘભાઈ વનરક્ષકની પોપ્યુલારિટી વધી ગઈ. સોશિયલ મીડિયામાં ફોલોવર્સ સતત વધતા જતા હતા. રાજા સિંહે વિસ્તારકોને સર્વેક્ષણનું કામ સોંપ્યું હતું તેમણે એવો ઓપિનિયન આપ્યો કે વાઘભાઈ વનરક્ષકને વાઘોના વિસ્તારમાંથી લડાવીએ તો એ જીતી શકે તેમ છે. રાજા સિંહને એ વાત ગમી ગઈ. જંગલમાં વસતિ પ્રમાણે સમીકરણને ખાસ ધ્યાનમાં રાખવાની પરંપરા તો હતી જ એટલે વાઘોના વિસ્તારમાંથી વાઘને જ ટિકિટ મળે તો એ બેઠક પાકી થઈ જાય - એમ વિચારીને મહારાજા સિંહે વાઘભાઈ વનરક્ષકને ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો.

આખા ઘટનાક્રમનું બરાબર નિરીક્ષણ કરનારા કેટલાકને સમજાયું કે વાઘભાઈ વનરક્ષકે પાણીમાંથી પ્લાસ્ટિકની બોટલ બહાર કાઢી એ આયોજનના ભાગરૂપે હોવું જોઈએ, કારણ કે જે વિડીયો વાયરલ થયો એ આવ્યો ક્યાંથી? કોણે બનાવ્યો હતો?

Gujarat