For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જંગલમાં પાર્લામેન્ટ સત્ર : માથાકૂટ અને વિવાદો કરીને વળતર મેળવવાનો અવસર

Updated: Dec 22nd, 2022

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલની સરકારનું સંસદીય સત્ર એટલે નેતાઓને ઝઘડા કરવાનો સત્તાવાર પરવાનો. જંગલમાં નેતાઓ જ એક એવાં પ્રાણીઓ હતા, જેમને માથાકૂટ કરવાનું વળતર મળતું હતું...

જંગલમાં સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે આમ તો આખું વર્ષ શાબ્દિક યુદ્ધ ચાલતું રહે છે, પણ બે સ્થિતિમાં એ યુદ્ધ વધારે ભયાનક અને વિવાદાસ્પદ બને છે. એક, ચૂંટણી હોય ત્યારે. બે, સંસદીય સત્ર ચાલતું હોય ત્યારે. આ બે સ્થિતિમાં નેતાઓને ઝઘડવાનો સત્તાવાર પરવાનો મળે છે. આ બે સ્થિતિમાં સત્તાપક્ષ-વિપક્ષ એકબીજાને ઘેરવાની વિવિધ પેરવીઓ કરે છે. રાજકીય દાવપેચ કરીને એકબીજાને પાડી દેવાની ભરપૂર કોશિશો આ ગાળામાં થાય છે.

જંગલમાં ચૂંટણીઓ સતત આવતી રહે છે એટલે નેતાઓને એકબીજા ઉપર દોષારોપણ કરવાની તક અવિરત મળતી રહે છે. જંગલ ઘણું મોટું હોવાથી ક્યાંકને ક્યાંક ચૂંટણી આવે છે. એ જ રીતે જંગલના કાયદા પ્રમાણે ચૂંટાયેલા સંસદસભ્યો વર્ષભર ત્રણેક વખત સત્તાવાર કામકાજ માટે એકઠા થાય છે. તેને જંગલવાસીઓ સંસદીય સત્ર કહીને ઓળખે છે. 

આ સત્ર દરમિયાન જેટલા કામો ન થાય એટલા ઝઘડા થાય. જેટલા ઝઘડા ન થાય એટલા પગાર-ભથ્થાં મળે. કામ ન કરીને, વિવાદો ઊભા કરીને તોતિંગ વળતર મેળવતા નેતાઓ માટે ઘણાં જંગલવાસીઓને ભારે આશ્વર્ય થતું. મહારાજા સિંહની સરકારનું શિયાળુ સંસદીય સત્ર ચાલતું હતું ત્યારે સોશિયલ મીડિયામાં જંગલવાસીઓએ એની ચર્ચા છેડી હતી

'કામ કંઈ નહીં કરે, પણ પગાર-ભથ્થામાં એક રૂપિયો છોડશે નહીં!' 'જંગલ ન્યૂઝ'ની એક વીડિયો ક્લિપ શેર કરીને કબૂતર કાનાફૂસિયાએ હેશટેગ પાર્લામેન્ટ સેશનથી ટ્વીટ કરી.

'વિવાદો કરવાનો આ તો સત્તાવાર સરકારી પરવાનો છે, આ તક ક્યો નેતા છોડે?' મસ્તરામ મોરે કબૂતર કાનાફૂસિયા રીટ્વીટ કરીને હેશટેગ પાર્લામેન્ટ સેશન ઉપરાંત તેના વિસ્તારના સાંસદ ગેંડાભાઈ ગુમાનીને ટેગ કર્યા.

'ઘણી વખત તો એવું લાગે છે કે જંગલના નેતાઓ શાળાઓનાં બાળકો કરતાં પણ વધુ ઝઘડા કરીને સમય બરબાદ કરે છે'. ગાયબહેન જ્ઞાાનીએ કમેન્ટ કરી.

'ઓહ પ્લીઝ! બાળકો તો શિક્ષકોનું કહ્યું કરીને એટલિસ્ટ હોમવર્ક કરે છે, નવું શીખે છે. શિક્ષકોથી ડરે છે. સંસદીય સત્રમાં હાજર રહેતા આ નેતાઓ તો કોઈનાથી ડરતા નથી કે નથી કંઈ કામ કરતા'. મંગળા માછલીએ ગાયબહેન જ્ઞાાનીની કમેન્ટનો સ્ક્રીનશોટ મૂકીને ફેસબુક પોસ્ટમાં લખ્યું: 'બાળકો તોફાન કરે તોય ચલાવી શકાય, એ બાળકો છે. આપણા

 નેતાઓ તો ઘરડા થાય એમ વધુને વધુ બેજવાબદાર અને તોફાની બને છે!'

'જંગલમાં નેતાઓ એવા ભાગ્યશાળી પ્રાણીઓ છે, જેમને ઝઘડા, વિવાદ, બેફામ નિવેદનો કરવાનું વળતર મળે છે. જો એવું બીજા પશુ-પક્ષીઓ કરતા હોય તો તેમની પાસે કેસ થાય!' કબૂતર કાનાફૂસિયાએ મંગળાની ફેસબુક પોસ્ટમાં કમેન્ટ લખી.

'મહારાજા સિંહ આમ એટલાં ભાષણો આપતા હોય છે, પણ સંસદીય સત્રમાં જબ્બર મૌન રાખી જાણે છે. જાણે સંસદગૃહમાં બેસીને જીભ ભાષણ માટે સજાવતા ન હોય!' ફની ઈમોજી મૂકીને બાબાલાલ બકરાએ નવો મુદ્દો છેડયો. બાબાલાલ બકરાની પોસ્ટથી વિવાદ થયો. મહારાજા સિંહ વિશે એક શબ્દ પણ સાંભળી ન શકતા ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘનચક્કરે બાબાલાલને ટ્રોલ કર્યા.

મહારાજા સિંહના સમર્થકોની એક ખાસિયત એ હતી કે એક સાથે સિંહના વિરોધી પર એવી રીતે તૂટી પડતા કે વિરોધ કરનારો બીજી વખત હિંમત ન કરે. આમાં પણ એવું જ થયું. ઘેટાભાઈ ઘનચક્કરે બાબાલાલને ટ્રોલ કર્યા એટલે હોલાજી હઠીલાએ પણ ઝાટકણી કાઢી. કાગડાભાઈ કંકાસિયાએ તો ઉપરા-છાપરી પોસ્ટ લખીને બાબાલાલ બકરાને જવાબ આપવાની તક પણ ન આપી. પાડાકુમાર પંચાતિયા અને બકુલેશ બળદ પણ મેદાનમાં આવ્યા.

આ સ્થિતિ જોઈને મસ્તરામ મોરે ફેસબુકમાં લાંબી પોસ્ટ લખીને કહ્યું: 'બસ, મહારાજા સિંહની આ જ ખાસિયત છે. સોશિયલ મીડિયાથી સંસદીય સત્ર સુધી એક જ પેટર્નમાં કામ કરે છે. વિરોધીઓના નિવેદનોનો પોતાને અનુકૂળ અર્થ કાઢીને એવો માહોલ બનાવી દેવામાં આવે છે કે ચર્ચાનો મૂળ મુદ્દો જ ભૂલાઈ જાય!'

ઘેટા-હોલા-કાગડા-બળદની ટોળીએ મસ્તરામ મોરને જંગલદ્રોહી ગણાવીને એનેય આડે પંજે લીધો! સંસદના સત્રમાં નેતાઓ કંઈ કામ કરતા ન હોવાના મુદ્દે શરૂ થયેલી ચર્ચા બીજા મુદ્દે ફંટાઈ ગઈ હતી. મુદ્દો ફંગોળાતો જોઈને હીરજી હંસે કમેન્ટમાં લખ્યું: 'આપણે મૂળ ચર્ચા સંસદીય સત્રની કરતા હતા. મને એમ લાગે છે કે જે સત્રમાં કામ ન થાય એ સત્રનો સાંસદોનો પગાર કાપી લેવો જોઈએ!'

'એકદમ બરાબર. હું તો કહું છું કે સાંસદો-ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડના આધારે પગાર-ભથ્થાં મળવા જોઈએ. આખા જંગલમાં પર્ફોર્મન્સના આધારે વળતર ચૂકવાતું હોય ત્યારે નેતાઓને ઝઘડા કરવાનો, વિવાદો સર્જવાનો પગાર કેમ અપાય છે? આ નેતાઓ કોઈ મુદ્દે ક્યારેય સહમત થતા જ નથી, માત્ર વિરોધો જ કર્યા કરે છે'. કબૂતર કાનાફૂસિયાની પોસ્ટમાં મસ્તરામ મોરે કટાક્ષ કરતા લખ્યું: 'ના. ના. સાવ એવુંય નથી. પગાર-ભથ્થાં વધારવાના પ્રસ્તાવો સર્વસંમતિથી પસાર થઈ જાય છે ને જંગલવાસીઓને ખબરેય નથી પડતી...'

Gujarat