For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંહની ટિકિટ મેળવવા પડાપડી : ઉમેદવારો શોધવા સસલાભાઈની દોડધામ

Updated: Mar 21st, 2024

સિંહની ટિકિટ મેળવવા પડાપડી : ઉમેદવારો શોધવા સસલાભાઈની દોડધામ

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- રાજા સિંહ પાસે એક બેઠક માટે અનેક ઓપ્શન્સ હતા, પરંતુ વિપક્ષના નેતા સસલાભાઈની મુશ્કેલી એ હતી કે તેમને અનેક બેઠકો માટે એક સારો ઉમેદવાર મળતો ન હતો

એક નેતાની લાઈફમાં ચૂંટણી લડવાની ટિકિટ મેળવવાથી વિશેષ કંઈ જ હોતું નથી. ટિકિટ માટે નેતા વર્ષો સુધી પરસેવો પાડે છે. લાગે એટલી લાગવગો લગાડે છે. થાય એટલું લોબિંગ કરે છે. જાત ઘસી નાખે છે. કારણ કે નેતા જાણે છે કે જો યોગ્ય પક્ષની ટિકિટ મળી ગઈ અને જીતી ગયા તો ઘસેલું બધું જ થોડા વર્ષોમાં વસૂલ થઈ જશે. મહારાજા સિંહનો પક્ષ અત્યારે એવો જ યોગ્ય પક્ષ હતો. બધા નેતા મહારાજા સિંહની પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડવા ઈચ્છતા હતા. રાજા સિંહના નામે જીતવાનું સરળ હતું એટલે લાખો કરોડો ઉભરતા નેતાઓ ટિકિટ મેળવવા માટે પ્રોફાઈલો બનાવીને 'હાઈકમાન્ડ'ને મોકલતા હતા.

રાજા સિંહે ટિકિટોની ફાળવણીથી લઈને પાર્ટીના બધા જ નિર્ણયો કરવા માટે 'હાઈકમાન્ડ' નામનું એક ગુ્રપ બનાવ્યું હતું. એમાં રાજા સિંહ, તેમના અંગત સલાહકાર રીંછભાઈ મુખ્ય હતા. જંગલના રસ્તાઓ અને રેલવેની જવાબદારી સંભાળતા હાથીભાઈ હરખપદૂડા, ઉત્સાહથી દોડીને જંગલની સરહદો પર નજર રાખતા હરણભાઈ હોંશીલા જેવા થોડા નેતાઓ પણ ગુ્રપમાં હતા, પરંતુ તેમણે તો રાજા સિંહનો આદેશ થાય ત્યારે માત્ર હાજરી આપવાની રહેતી.

સિંહ-રીંછની જોડી નક્કી કરે એ નિર્ણય લેવાતો પછી રાજા સિંહ કહેતા: 'આ નિર્ણયમાં આપ સૌનો સહયોગ છે. બરાબર?'

જવાબમાં 'હાઈકમાન્ડ'ના નેતાઓ ગરદન ઉપરથીને નીચે ધુણાવીને એક સૂરમાં બોલતા: 'જી મહારાજ! જી મહારાજ!' 

સામાન્ય રીતે 'હાઈકમાન્ડ'ના નેતાઓને ભાગમાં આટલું કામ આવતું: નિર્ણયો લેવાતા હોય ત્યારે ગરદન નીચી રાખવાની અને નિર્ણયો લેવાયા બાદ ગરદન હકારમાં ધુણાવીને ચાલતી પકડવી.

તો ટિકિટ આપવા માટે ભેગા થયેલા હાઈકમાન્ડે ટિકિટ આપતા પહેલાં રીંછભાઈએ બનાવેલા આ માપદંડો ધ્યાનમાં લેવાના હતા : સૌથી પહેલી શરત હતી - ઉમેદવાર કહ્યાગરો હોવો જોઈએ. બીજી શરત હતી - ટિકિટ આપવાથી રાજા સિંહની વોટબેંકમાં ફાયદો થવો જોઈએ. ત્રીજી શરત હતી - જે બેઠક પરથી નામ આવ્યું હોય ત્યાં જાતિ-જ્ઞાાતિનાં સમીકરણો સેટ થતાં હોવા જોઈએ. જેમ કે, કાગડાની બહુમતી હોય એ વિસ્તારમાંથી કબૂતર બીજા બધા માપદંડોમાં ફિટ બેસતો હોય તો પણ ટિકિટ ન આપવી, કારણ કે જો વિપક્ષના સસલાભાઈ એ જ વિસ્તારમાંથી કોઈ કાગડાને મેદાનમાં ઉતારે તો એનો વિજય નક્કી થઈ જાય. રાજા સિંહ એ જોખમ ખેડવા તૈયાર ન હતા. ટિકિટ મેળવવા માટે ચોથું ફેક્ટર પણ મહત્ત્વનું હતું - સસલાભાઈની પાર્ટીમાંથી અગાઉ ચૂંટાયો હોય ને જાતિનાં સમીકરણો સેટ થતાં હોય તો તુરંત ટિકિટ આપી દેવી.

પણ સિંહ-રીંછ માટે ઉમેદવારોની પસંદગી સહેલી ન હતી. વિપક્ષના નેતાઓ પણ રાજા સિંહની પાર્ટીની ટિકિટ મેળવવા પડાપડી કરતા હતા. રાજા સિંહના ખુદના નેતાઓ ટિકિટ માટે લાઈનમાં હતા. એમાં ઘણા તો વર્ષોથી વફાદારીપૂર્વક મહેનત કરતા હતા ને તેમને રાજા સિંહ પર વિશ્વાસ હતો.

 રાજા સિંહને વળી બીજું એક ફેક્ટર બટકબોલા બગલાભાઈનું પણ ધ્યાનમાં લેવાનું હતું. જંગલમાં સામાજિક સંગઠન ચલાવીને બહુમતી જંગલવાસીઓમાં એક ઈમેજ ઉભી કરનારા બટકબોલા બગલાભાઈ જંગલવાસીઓમાં સંસ્કારોનું સિંચન કરતા હતા. કેટલીય બેઠકો પર પોતાની પાઠશાળામાંથી તૈયાર થયેલા હોનહાર ઉમેદવારોને ઉતારવાનો બગલાભાઈનો આગ્રહ હતો.

આ બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખ્યા બાદ રાજા સિંહ અને રીંછભાઈએ એક પછી એક ઉમેદવારો જાહેર કરી દીધા. ઘણી બેઠકોના ઉમેદવારોનું નામ જાહેર થયું ન હતું. એ માટે ગુલામદાસ ગધેડાની કંપની 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ' કામે લાગી હતી. વિપક્ષના નેતા સસલાભાઈના પક્ષમાંથી મોટા નેતાઓ આવે તેમ હોય તો તેમને આવતાંની સાથે જ ટિકિટ આપી દેવાનો રાજા સિંહનો વ્યૂહ હતો. એ માટે ગધેડાએ જંગલમાં 'પાર્ટી બદલો મેળો' યોજ્યો હતો અને એ સિવાય પણ અંદરખાને વાટાઘાટો ચાલતી હતી. એના કારણે વિપક્ષના ઘણા નેતાઓ રાજા સિંહની પાર્ટીમાં આવી ગયા હતા અને ટિકિટ મેળવવામાં સફળ પણ થયા હતા.

આ બધું જોઈને વિપક્ષના નેતા સસલાભાઈ ટેન્શનમાં હતા. ના. તેમની પાર્ટી હારી જશે એ ડરથી નહીં. હાર તો સસલાભાઈને કોઠે પડી ચૂકી હતી એટલે એવો કોઈ ભય ન હતો. ટેન્શન એ વાતે હતું કે તેમની પાસે રાજા સિંહ પાસે હતા એટલા વિકલ્પો ન હતા. ઉમેદવારોની પસંદગી માટે બે-પાંચ ઉમેદવારો હોવા જોઈએ. સસલાભાઈ પાસે તો એટલા ઉમેદવારો જ ન હતા. પરિણામે રાજા સિંહ જે વખતે ઉમેદવારો જાહેર કરતા હતા બરાબર એ જ વખતે સસલાભાઈ ઉમેદવારો શોધવા જંગલમાં આમથી તેમ દોડાદોડી કરતા હતા.

સસલાભાઈ તેમના ગણ્યાગાંઠયા સલાહકારોને કહેતા સંભળાતા હતા: 'રાજા સિંહ પક્ષ પલટાનું મિશન સંપૂર્ણ પાર પાડી દે પછી કેટલા નેતાઓ મારી પાસે વધશે તેના આધારે હું લિસ્ટ જાહેર કરીશ.'

એમાંથી કોઈ એકે કહ્યું: 'ત્યાં સુધીમાં ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવાની તારીખ નીકળી જશે તો?'

સસલાભાઈ જતા જતા ઠંડકથી બોલ્યા: 'તો કંઈ નહીં. આમેય આપણે ક્યાં જીતવાના છીએ!'

Gujarat