ઉંદર ઉદર ભરો યોજના શરૂ કરો! : ગણેશ મહોત્સવ પછી ભૂખ્યા ઉંદરોની માગણી

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
ઉંદર ઉદર ભરો યોજના શરૂ કરો! : ગણેશ મહોત્સવ પછી ભૂખ્યા ઉંદરોની માગણી 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ગણેશ ચતુર્થીના દિવસોમાં ઉંદરો પ્રસાદ ખાય તેને જંગલવાસીઓ શુભ માનતા એટલે આ દિવસોમાં ઉંદરોને સાહ્યબી આવી જતી, પરંતુ એ પછી દરરોજ નકોરડા ઉપવાસ કરવા પડતા...

'જય ગણેશ!' ગણેશ મહોત્સવ પૂરો થયા બાદ એ જ રાતે એકઠા થયેલા ઉંદરોએ ઉદાસ ચહેરે યંત્રવત્ એકબીજાને જય ગણેશ કર્યા.

'મિષ્ટાન્નના ટૂંકા દિવસો ગયા, હવે તો ઉપવાસના દિવસો આવ્યા.' ઉંદરભાઈ ઉર્ફે ઉદાસના અવાજમાં ગમગીની કળાતી હતી. આ ઉંદરભાઈ વર્ષો પહેલાં પ્રેમમાં પડયા હતા. પછી ઉંદરડીએ બેવફાઈ કરી ને ગોડાઉનમાં કામ કરતાં ખાધે-પીધે સુખી ઉંદર બારદાની સાથે લગન કરી લીધાં ત્યારથી પ્રેમી ઉંદરભાઈ ભારે ઉદાસ રહેતા હતા. કાયમ સેડ સોંગના ઝોનમાં જ રહેતા હતા. એણે ઉદાસી એટલી આત્મસાત કરી લીધેલી કે એના અવાજમાં એનો પડઘો પડતો.

'તમારા બધાનો આ જ વાંધો છે. જંગલવાસીઓના ભરોસે રહો તો ભૂખ્યા જ મરો!' ઉંદરડીબહેન ઉપદ્રવીએ આવતાંવેંત મિજાજ બતાવ્યો, 'આ જમાનામાં ચીઝ ન મળે તો છીનવી લેતા શીખો!'

'ઉંદરડીબહેનની વાત એકદમ સાચી છે. આપણે વર્ષમાં એકાદ વખત મળતા લાડુના ભરોસે રહેવા કરતાં ચીઝ મેળવવાનું શરૂ કરવું જોઈએ.' મૂષકકુમાર મોંફાટે એના આગવા તીણા અવાજમાં સૂર પુરાવ્યો.

'એમાં ફરક છે, દોસ્ત. પરસાદ મળે ત્યારે જીવનું જોખમ નથી હોતું. એ દિવસોમાં તો આપણા ઈષ્ટદેવ ગણેશ ભગવાનની સાથે આપણને ય માન મળે છે. ને ચીઝની દુકાનોમાં પકડાયા પછી હાલત ખરાબ થાય છે. મારો જાતઅનુભવ છે. એક વખત માંડ બચ્યો છું.' મંદિરોમાં પ્રસાદ આરોગવાથી માંડીને ડેરીઓમાં ચીઝ ખાવા સુધીના બહોળા અનુભવોમાંથી પસાર થયેલા વયોવૃદ્ધ મૂષકલાલ મોદકિયાએ આગળ ચલાવ્યું, 'જીભના બહુ ચટાકા શરીર માટેય સારા થોડા છે? આ તમે આજકાલના ઉંદરડાઓ જાતભાતનું દુકાનોનું ખાવ છો. અમારા જમાનામાં તો ચોખ્ખા ઘીમાંથી બનેલા લાડુ....'

'એકની એક વાત ન કરો, આ વાત તમે અગાઉ પણ કરી છે. જમાના પ્રમાણે થોડો સ્વભાવ સુધારો! નહીં તો ભૂખે મરશો!' ઉંદરકુમાર ઉદ્ધતે એના સ્વભાવ પ્રમાણે ઉદ્ધતાઈથી મૂષકલાલનું મોઢું તોડી લીધું.

'તમને મન પડે એમ કરો. આજની પેઢીમાં કોઈ સંસ્કાર જ નથી.' મૂષકલાલ બબડતા હતા, પણ એને સાંભળ્યું - ન સાંભળ્યું કરીને નવી પેઢીમાં નામના કમાયેલા મોટિવેશનલ સ્પીકર આફતકુમાર ઉંદરે ચર્ચામાં વચ્ચે ઝૂકાવતા કહ્યું, 'કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો, મિત્રો! એ વગર ઉદ્ધાર નથી. જૂની પેઢીના ઉંદરો એક-બે ઘરમાં આખી જિંદગી કાઢી નાખતા. ને એમાં જ ભૂખ્યા મરી જતા. હું તો આખાય જંગલના ખૂણે ખૂણે જોખમ લઈને ફરું છું. તમે જરાક બહાર નીકળો તો ખબર પડે કે જંગલ કેટલું મોટું છે. ક્યાંક ચીઝ ખાવા મળે, ક્યાંક પિઝા ખાવા મળે, ક્યાંક બિસ્કિટનાં પેકેટ કાતરવા મળે... હું તો વિદેશી જંગલોમાં પણ ભાષણો આપવા ગયો છું. ત્યાં કોઈ લાડુ ખાતા જ નથી.'

'હમ્મમમમ... એટલે જ એ કેટલા ગોરા હોય છે નહીં?' આફતકુમાર ઉંદરની વાતથી અંજાઈ ગયેલો એક યુવા ઉંદરડો ઉત્સાહથી બે-ચાર વખત કૂદ્યો.

'જો એમાં એવું છે કે ખમે એ ખાય!' ઉંદર સમાજના પ્રમુખ ઉંદરભાઈ ઉત્પાતિયા કહેલી કહેવત મોટાભાગના યુવા ઉંદરોને ઉપરથી ગઈ.

'દાંત દૈત્ય જેવા હોય ને હૈયામાં હામ હોય તો બારેમાસ ઉત્સવ જ છે.' મીટિંગમાં મોડેથી આવેલો મૂષક બારદાની બોલ્યો. સૌએ તેની સામે જોયું. મૂષક બારદાનીના પરિવારનું બારદાન કાતરવામાં મોટું નામ હતું. આખાય ઉંદર સમાજમાં એને રિસ્પેક્ટ મળતું. કેટલાક ઉંદરોને બારદાન કાતરવાની ટ્રેનિંગ મૂષક બારદાનીએ આપી હતી. ગોડાઉન ભૂષણનો પ્રતિષ્ઠિત એવોર્ડ પણ ઉંદર સમાજે મૂષક બારદાનીને આપ્યો હતો.

'બારદાનીભાઈની વાત સાચી છે.' ઉંદર સમાજની મહિલા પાંખનાં વડાં ઉંદરડીબહેન ઉપદ્રવી બોલ્યાં. તેમાં સહમત થતા આફતકુમારે ઉમેર્યું, 'સાહસ વગર સફળતા નથી.'

'એ તો ઘણાને સારી જગ્યા મળી ગઈ છે એટલે વાતો થાય. ક્યાંય મેળ ન પડતો હોય એણે તો બિચારાએ ગણેશ મહોત્સવ પછી નકોરડા ઉપવાસ કરવા પડે છે.' ઉંદરકુમાર નસીબદારે કટાક્ષ કર્યો, 'અહીં અડધો લાડુ મળતો હોય તો બારદાનો કાતરવા ન જવાય. હું ક્લિનિકલ ટ્રાયલમાંથી ઘણું કમાયો, પણ હવે એની સાઈડ ઈફેક્ટ થયા પછી વતનમાં આવીને વસી ગયો છું.'

'આપણા સમાજ સાથે અન્યાય થયો છે. પ્રમુખ ઉંદરભાઈ ઉત્પાતિયાએ 'ઉંદર ઉદર ભરો યોજના' શરૂ કરાવવા માટે રજૂઆત કરવી જોઈએ.' બધી વાતો વચ્ચે અચાનક ઉંદર ઉદાસે જુદી જ માગણી કરી. એમાં બહુમતી ઉંદરો સહમત થયા. 'ઉંદર ઉદર ભરો યોજનાની માગ કરો... ઉંદર ઉદર ભરો યોજનાની માગ કરો!' એવા સૂત્રોચ્ચાર શરૂ થયા.

'કોને રજૂઆત કરવી છે?' ઉંદર સમાજના પ્રમુખ ઉંદરભાઈ ઉત્પાતિયાએ પૂછ્યું.

'મહારાજા સિંહને... બીજા કોને?' ઉંદરોએ ઉંચા અવાજે કહ્યું.

પ્રમુખે કટાક્ષમાં સવાલ કર્યો, 'યોજના શરૂ કરાવી દઈશ, ફંડ નહીં આવે. બોલો, મંજૂર છે?'

સવાલ સાંભળીને ઉંદરોમાં સોંપો પડી ગયો.

'સામાન્ય ઉંદરોને તો કાયમ ઉપવાસો જ છે.' ઉંદર ઉદાસ નિસાસો નાખીને બોલ્યો. તેના અવાજની ગમગીનીથી સૌ દુખી દુખી થઈ ગયા. સવાર થવામાં હતી. કોઈ પકડી લે તે તે પહેલાં બધા ઉંદરો એક પછી એક વિખેરાઈ ગયા.


Google NewsGoogle News