For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જંગલમાં કાતિલ કોલ્ડ વેવ : સોશિયલ મીડિયામાં હોટ વેવ!

Updated: Jan 19th, 2023

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- 'જંગલ ન્યૂઝ'ની એન્કર હસીના હરણીએ કોલ્ડ વેવનો અહેવાલ આપ્યો, સાથે સાથે સોશિયલ મીડિયામાં ચાલતો ટ્રેન્ડ પણ બતાવ્યો...

સ્વેટ ટી-શર્ટમાં સજ્જ થઈને 'જંગલ ન્યૂઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણીએ બુલેટિન શરૂ કર્યું: 'નમસ્કાર! હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો જંગલ ન્યૂઝ... આપણે સૌ અત્યારે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છીએ. આજે અમારી વિશેષ રજૂઆતમાં આપને જંગલની ઠંડીનો વિગતવાર અહેવાલ આપીશું.'

ન્યૂઝ ચેનલમાં સ્વેટર-જેકેટ્સ પહેરેલા જંગલવાસીઓનાં દૃશ્યો અને ગરમ કપડાંના માર્કેટના ફૂટેજ પ્લે થયા, હસીના હરણીનો વોઈસઓવર સંભળાવા લાગ્યો: 'એક તરફ ઠંડીનો માહોલ જામ્યો હોવાથી જૂનાં સ્વેટર-જેકેટ્સ બહાર નીકળી રહ્યાં છે... બીજી તરફ નવા ગરમ કપડાં ખરીદવા માટે પણ જંગલવાસીઓ ઉત્સાહ બતાવી રહ્યા છે. એટલે ગરમ કપડાંના માર્કેટમાં તેજી છે. તક જોઈને વેપારીઓએ ભાવમાં વધારો ઝીંકી દીધો હોવાની ફરિયાદ પણ ઉઠી છે.... ત્રીજી તરફ વિન્ટરની વાનગીઓ આરોગવાના શોખીન જંગલવાસીઓનું વજન ઝડપભેર વધી રહ્યું છે. જંગલમાંથી અડદિયા, ચિકી, ખજૂરપાક, તલસાંકળી, ગોળપાપડી સોડમો આવતી રહે છે... ફિટનેસ કોન્શિયસ કેટલાક જંગલવાસીઓ જીમમાં જઈને ફિટ રહેવાની મથામણમાં પડયા છે. આવા જંગલવાસીઓ શિયાળુ વાનગીઓથી દૂર રહીને ત્યાગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે... જંગલમાં આ સીઝનની ઠંડી નવા વિક્રમો સર્જી રહી છે...'

ટીવી સ્ક્રીનમાં હસીના હરણી હાજર થઈ અને અહેવાલ આગળ વધારતા બોલી: 'હવે તમને સીધા જ લઈ જઈશ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર... જ્યાં તમે જોઈ શકશો, જંગલવાસીઓ ઠંડીના માહોલમાં કેવાં કેવાં રિએક્શન આપી રહ્યાં છે.. પાર્ટનર રિસાવાથી કોઈ માટે ઠંડી અસહ્ય થઈ પડી છે, તો કોઈએ બાથ લેવાનું જ સાવ મૂકી દીધું છે...'

આવું કહીને હસીના હરણીએ હેશટેગ કોલ્ડવેવ, હેશટેગ વેધર, હેશટેગ વિન્ટરથી જેટલી પોસ્ટ થઈ હતી એ બતાવી. એમાંથી કેટલીક પોસ્ટ પર નજર કરીએ...

***

એ મારાથી રિસાયા છે એવા સમયે

અસહ્ય ઠંડી પડી રહી છે તેવા સમયે

અછાંદસ કવિતામાં નામ કાઢી ચૂકેલા યુવાકવિ ઘુવડ ઘાંટાપાડુએ ફેસબુકમાં માત્રા-છંદના મેળ વગરની એક પંક્તિ મૂકી ને એ પ્રેમીઓમાં ભારે 'ક્લિક' થઈ ગઈ. ગર્લફ્રેન્ડ કે પત્ની રિસાણી હતી એવા મોટાભાગના પ્રેમીઓને એ વેદના પોતાની લાગી. કબૂતર કાનાફૂસિયાએ ગર્લફ્રેન્ડ પ્રેમા પારેવડીને ટેગ કરીને આ પોસ્ટ શેર કરતા શાયરાના અંદાજમાં ઉમેર્યું: 'અપને તો તબ રૂઠે, જબ ઠંડ જ્યાદા થી!'

કબૂતરની પોસ્ટમાં ધડાધડ નરોની લાઈક્સ મળવા માંડી. 

'આવા કોલ્ડ વેવમાં પાર્ટનર સાથે હોય તો એની પાસે બેસીને કોફી પીવાની કેવી મજા આવે. પાર્ટનરની હાજરીથી જ ઠંડી ઉડી જાય' એવી ફિલોસોફી મસ્તરામ મોરે લખી. 

બાબાલાલ બકરા, પાડો પંચાતિયો, મહાસીર માછલો, પપ્પુ પોપટ, ચક્રધર ચકલાથી લઈને વાંદરો વોટરસેવર, ઘેટો ઘનચક્કર જેવાએ ટૂંકી કમેન્ટ્સ કરીને કબૂતરનો પાનો ચડાવ્યો. કબૂતરે તો દર્દ અને વિરહની બીજી ત્રણ-ચાર શાયરીઓ ઠપકારી દીધી.

*

ચાંચથી ઈજા પામશે તેઓ એવા સમયે

જ્યારે કાતિલ ઠંડી પડી

 રહી છે તેવા સમયે

પ્રેમા પારેવડીએ કોઈનેય ટેગ કર્યા વગર પોસ્ટ મૂકી દીધી. સૌથી પહેલાં મંગળા માછલીએ કમેન્ટ કરી, 'વેલ સેઈડ.. ક્યા ખૂબ ધોયા હૈ! આમ જ કરવું જોઈએ!' મંગળાએ એમાં બોયફ્રેન્ડ મહાસીરને ય ટેગ કર્યો. પછી તો ચક્રી ચકલી, બકુલા બકરી, બુલ્લી બકરી, ભટકેલી ભેંસ, ગુલાલી ગધેડી જેવી માદાઓએ પણ આ પોસ્ટમાં લાઈક કરીને પ્રેમાને સમર્થન જાહેર કર્યું.

કબૂતર તો હજુય દર્દની શાયરીઓ શોધવામાં પડયો હતો. મસ્તરામ મોરે સ્ક્રીનશોટ મોકલીને ધ્યાન દોર્યું ત્યારે એને ખબર પડી. પ્રેમાની આવી પોસ્ટ જોઈને એ તો હેબતાઈ ગયો. ગર્લફ્રેન્ડ રિસાયેલી હતી એટલે મનાવવા એણે ઘુવડ ઘાંટાપાડુની કવિતા શેર કરી હતી, આમાં તો દાવ ઉલટો પડયો.

થોડીવાર પછી કબૂતર કાનાફૂસિયાની વોટ્સએપ સ્ટોરીમાં એક શબ્દ અપડેટ થયો: 'સોરી!'

*

'અસહ્ય ઠંડી પડી રહી છે. ગરમાવો ફીલ કરવા વારંવાર પાણીમાંથી બહાર નીકળવું પડે છે.' મંગળા માછલીએ સવારના પહોરમાં ફેસબુકમાં પોસ્ટ મૂકી. મંગળાના બોયફ્રેન્ડ મહાસીર માછલાએ પોસ્ટને હાર્ટના ઈમોજીથી લાઈક કરીને કમેન્ટમાં તાપણા અને રજાઈનો સિમ્બોલ મૂક્યો. પ્રેમા પારેવડી, ચક્રી ચકલી વગેરેને મંગળાની પોસ્ટ કરતા મહાસીરની કમેન્ટમાં વધારે રસ પડયો. બધાએ વળતા જવાબમાં ચિત્ર-વિચિત્ર ઈમોજી મૂક્યાં.

બકુલાબહેન બકરીએ લખ્યું: 'આવી ઠંડીમાં પાણીમાં રહેવું એ જ મોટી વાત છે, તમને ધન્યવાદ છે. મારા હસબન્ડ બાબાલાલ બકરા તો કેટલાય દિવસથી નહાવાનું ટાળે છે. કહે છે, ઠંડી ઓછી થાય પછી વાત!'

બાબાલાલની ઓફિસમાં કામ કરતી બુલ્લી બકરીએ બકુલાબહેનની કમેન્ટમાં બાબાલાલને ટેગ કરીને આશ્વર્ય અને હાસ્યનું ઈમોજી મૂકીને વળતા જવાબમાં લખ્યું: 'એટલે જ આજકાલ ઓફિસમાં ડીઓની સુગંધ વધારે આવે છે...'

બાબાલાલે બચાવ કર્યો: 'વેરી ફની! બકુલાને મજાકની આદત છે.'

બુલ્લી બકરીની કમેન્ટથી બકુલાબહેન નારાજ થયાં, ગુસ્સાનું ઈમોજી મૂકીને એણે બાબાલાલને ટેગ કર્યા. અસહ્ય ઠંડી વચ્ચે ઘરમાં આગ લાગવાની ભીતિ પારખીને બાબાલાલ સમયસર ઓફલાઈન થઈ ગયા.

Gujarat