સાંસદ ગેંડાભાઈ ગુમાનીનો જંગલ દરબાર
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- સાડા ચાર વર્ષે નિષ્ક્રિય રહ્યા બાદ અચાનક સાંસદ ગેંડાભાઈ ગુમાની મતવિસ્તારમાં સક્રિય થઈ ગયા. તેમણે મતદારોના પડતર પ્રશ્નો ઉકેલવાનું બીડું ઝડપ્યુ
સાંસદ ગેંડાભાઈ ગુમાની સતત સાડા ચાર વર્ષ નિષ્ક્રિય રહ્યા બાદ અચાનક મતવિસ્તારમાં દેખાયા. બજારમાં જે સામે મળે તે બધાના ખબર-અંતર પૂછવા માંડયા. ગેંડાભાઈને પરસેવો પાડતા જોઈને જ ઘણાં જંગલવાસીઓને સમજાઈ ગયું કે વળી ચૂંટણી નજીક આવી લાગે છે. ગેંડાભાઈ ગુમાનીએ દરેક જંગલવાસીની નાનામાં નાની સમસ્યા તરફ ધ્યાન દેવાનું શરૂ કર્યું. તેમને થયું કે જંગલવાસીઓના પ્રશ્નો સાંભળવા માટે જંગલ-દરબાર યોજવા જોઈએ. તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી ઃ 'હવેથી દર સપ્તાહે એક જંગલ-દરબાર યોજાશે. આપ સૌ એમાં હાજર રહીને પ્રશ્નોની રજૂઆત કરી શકશો. હું તુરંત એનું નિરાકરણ લાવીશ.'
નક્કી કરેલા દિવસે પહેલો જંગલ-દરબાર યોજાયો. જંગલવાસીઓ મોટી સંખ્યામાં પ્રશ્નો લઈને પહોંચી ગયા.
'સર, મારા વિસ્તારમાં વારંવાર ગટર ઊભરાય છે. તેથી ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. રહેવું મુશ્કેલ થઈ પડયું છે. રજૂઆતો કોઈ સાંભળતું નથી. આપ તો જંગલવત્સલ નેતા છો એટલે ચોક્કસ મારી મુશ્કેલીનો ઉકેલ લાવશો.' ગદગદ કંઠે બળદભાઈ બિચારાએ રજૂઆત કરી.
'ચોક્કસ!' ગેંડાભાઈ ગુમાનીએ કાગળમાં જોઈને સમસ્યાનું સમાધાન આપ્યું, 'ગટરની સમસ્યા બહુ મોટી છે જ નહીં. તમારા નાકની દુર્ગંધ સહેવાની ક્ષમતા ખૂબ ઓછી છે. ઈએનટી નિષ્ણાત ડૉ. ઓક્ટોપસ જેવાને બતાવજો. બીજી કોઈ મુશ્કેલ હોય તો કહેેજો. આભાર.' સ્મિત આપીને ગેંડાભાઈ ગુમાનીએ બળદભાઈ બિચારાને રવાના કર્યો.
'નેક્સ્ટ!' બળદભાઈ ગયા પછી ગેંડાભાઈના રાજકીય સલાહકાર મંકી મંદમતિએ બૂમ પાડી.
'ગુમાનીજીને નમસ્કાર!' આખા પ્રતિનિધિમંડળની આગેવાની કરી રહેલા હાથીભાઈએ આગળના બંને પગ ભેગા કરીને નમસ્કાર કર્યા. બધા જ સભ્યો સામે જોયા પછી હાથીભાઈએ સમસ્યા વર્ણવી, 'અમારા વિસ્તારના રસ્તામાં ભારે મોટા ખાડા પડી ગયા છે. બચ્ચાઓને જવા-આવવામાં બહુ મુશ્કેલી પડી રહી છે. તમે કંઈક ઉપાય કરો એવી અમારા બધાની લાગણી છે.'
ગેંડાભાઈ ગુમાનીએ શાંતિથી મુશ્કેલીનું સમાધાન આપ્યુંઃ 'જે રસ્તો સારો હોય એ તરફથી આવવા-જવાનું રાખશો તો આ મુશ્કેલી પડશે જ નહીં. આ તો બધું દેખ્યાનું દુઃખ છે, ભઈ! તમે દરરોજ એ રસ્તેથી નીકળો તો ખોટા દુઃખી થશો. એ સિવાય કંઈ પણ હોય તો મારા દરવાજા ૨૪ કલાક ખુલ્લા જ છે હોં!'
'નેક્સ્ટ!' મંકી મંદમતિએ તે પછીના જંગલવાસીને રજૂઆત કરવા ઈશારો કર્યો.
'વંદન, ગેંડાજી!' ચક્રધર ચકલો તેની આસપાસ રહેતાં ચકલાઓને લઈને આવ્યો હતો. તેને ખૂબ વિનમ્ર અવાજમાં રજૂઆત કરી, 'સર, અમારા વિસ્તારમાં ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાની ફેક્ટરી આવેલી છે. એમાં જંગલની સરકારના નિયમો પળાતા નથી. દિવસ-રાત ફેક્ટરીના મશીનોનો ભારે અવાજ આવે છે. એના કારણે ઊંઘ પણ થઈ શકતી નથી. અમારું કોઈ સાંભળતું નથી.'
ગેંડાભાઈ ગુમાનીએ મંકી મંદમતિના કાનમાં ધીમેકથી કહ્યુંઃ 'ગુલામદાસ ગધેડાની આ ફેક્ટરીમાંથી આપણા સામાજિક ફંડમાં કંઈ આવે છે?'
'જી. નિયમિત આવી જાય છે.' મંકીનો જવાબ સાંભળ્યા પછી ગેંડાભાઈએ ચક્રધર ચકલા તરફ ફરીને કહ્યું, 'જંગલમાં કેટલાંય પ્રાણી-પંખીઓને રહેવાનું ઠેકાણું મળતું નથી. તમે તો સૌભાગ્યશાળી છો કે ફેક્ટરી આસપાસ રહેવાનું નસીબ મળ્યું છે. રહી વાત અવાજની. જુઓ, આપણે એકાગ્ર ચિત્તે રહેવાની આદત પાડીશું તો આપણને કોઈ ખલેલ પહોંચાડી શકે નહીં. મન મક્કમ રાખવું પડે અને કાનને સ્ટ્રોંગ બનાવવા પડે. અવાજની સમસ્યા ખરેખર તો મનનો વહેમ માત્ર છે.'
'નેક્સ્ટ!' મંકી મંદમતિએ ચક્રધર ચકલાને રવાના કર્યો અને હવે પછીની રજૂઆત કરવા પંજાથી સંકેત આપ્યો.
'જય શ્રીકૃષ્ણ, ગેંડાભાઈ!' ગાય અને બકરીનું પ્રતિનિધિ મંડળ મતવિસ્તારના છેવાડાના સ્થળેથી રજૂઆત કરવા આવ્યું હતું. એમાંથી એક ગાયે રડમસ અવાજમાં કહ્યું, 'અમારા વિસ્તારમાં સ્વચ્છ પાણી મળતું નથી. જે ગંદુ પાણી મળે છે એ પણ નિયમિત આવતું નથી. અમારે બધાએ દૂર સુધી પાણી પીવા જવું પડે છે. અમારાથી હવે આ સમસ્યા સહન થતી નથી.'
'ગાયસમાજની બધી જ ગાયો મારા જેવા કેટલાય નેતાઓ માટે પૂજનીય છે. તમારી મુશ્કેલી એ મારી મુશ્કેલી.' ગાયોને અપાર આદર આપતા હોય એ રીતે ગેંડાભાઈ મોટેથી બોલ્યા. આ વાક્ય સાંભળનારા અન્ય મતદારો પણ ગેંડાભાઈના વિચારોથી પ્રભાવિત થયા. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા જેવા કેટલાયને તો ગેંડાભાઈનો ગૌમાતા પ્રેમ હૃદયસોંસરવો ઉતરી ગયો.
બીજા મતદારો ઉપર થયેલી અસર જોયા પછી સાવ ધીમેકથી ગાયસમાજની પ્રતિનિધિ જેવી લાગતી ગાય સામે જોઈને ગેંડાભાઈએ ઉકેલ સૂચવ્યો, 'પ્રશ્ન પાણીનો છે જ નહીં, આપણી જીભનો છે. તમે પાણીમાંથી સ્વાદ શોધવાનું બંધ કરી દેશો એટલે ઉકેલ આપોઆપ મળી જશે.'
'નેક્સ્ટ! નેક્સ્ટ! નેક્સ્ટ!' મંકી મંદમતિના કલાકો સુધી અવાજો આવતા રહ્યા. કલાકો સુધી ગેંડાભાઈ ગુમાની પણ રજૂઆત કરવા આવનારને આવા સરળ ઉકેલો આપતા રહ્યા. ગેંડાભાઈએ દિવસમાં કેટલાં જંગલવાસીઓની સમસ્યા સાંભળી તેના આંકડા 'જંગલ ન્યૂઝમાં' રજૂ થયા. રિપોર્ટ જોઈને સાંસદ ગેંડાભાઈ ગુમાની રાજકીય સલાહકાર મંકી મંદમતિને કહેતા સંભળાતા હતાઃ 'જોયું? છેલ્લા મહિનાઓમાં પણ હું કેટલો એક્ટિવ છું. ટિકિટ તો મને જ મળશે!'
'જી સર! એટલે જ તમે જંગલમાં સફળ નેતા છો.' મંદી મંદમતિએ ખુશામત કરીને વાત આટોપી લીધી.