FOLLOW US

ઓસ્કરમાં ડોન્કીકુમાર ડિસ્કોની ધમાલ પછી આખો ગધેડાસમાજ નાચ-ગાન માટે પ્રેરાયો

Updated: Mar 16th, 2023


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ડોન્કીકુમાર ડિસ્કોને જંગલમાં રાતોરાત સ્ટારડમ મળી ગયું હતું. સોશિયલ મીડિયામાં ગણતરીની કલાકોમાં તો સેંકડો ફોલોઅર્સ વધી ગયા. તેની ઓસ્કર સેલ્ફી યુવા ગધેડીઓના હાર્ટના ઈમોજીથી ઊભરાઈ ગઈ હતી...

જંગલમાં અસંખ્ય ફિલ્મકારો દર વર્ષે જાતજાતની ને ભાતભાતની ફિલમો ઉતારતા. એમાંથી સારી ફિલ્મોને એવોર્ડ આપવાની પરંપરા હતી. એ એવોર્ડ સમારોહ 'ઓસ્કર'ના નામે ઓળખાતો હતો. ફિલ્મકારો, અભિનેતાઓ, અભિનેત્રીઓ એ એવોર્ડ મેળવીને ધન્ય ધન્ય થઈ જતા. એવોર્ડ તો ઠીક ઓસ્કરના સમારોહમાં હાજરી આપનારાઓ પણ જન્મારો સફળ માનતા. સમારોહના સ્ટેજ પર સેકન્ડ-બે સેકન્ડ માટે જો જગ્યા મળી જાય તો એનું નામ થઈ જતું. કોઈપણ કલાકારને રાતોરાત સ્ટાર બનાવવાની મોનોપોલી ઓસ્કર સમારોહના આયોજકો ધરાવતા હતા. દર વર્ષે કેટલાય નવા સ્ટાર્સ આ સમારોહમાંથી જંગલને મળે છે. આ વર્ષે એવા જ સ્ટારનો ફિલ્મજગતમાં ઉદય થયો. એનું નામઃ ડોન્કીકુમાર ડિસ્કો.

ડોન્કીકુમારને બાળપણથી જ નાચવા-ગાવાનો શોખ હતો. મહેનત કરીને એણે સોશિયલ મીડિયામાં ઠીક-ઠીક ઓળખ બનાવી. 'ડિસ્કો' ઉપનામથી વિખ્યાત થઈ રહેલા આ ડોન્કીકુમારની કળા પર ઓસ્કર સમિતિની નજર પડી. ઓસ્કર સમિતિએ એના થોડાંક ઓડિશનો લીધા ને એમાં ડોન્કીકુમાર પસંદ થયા. ઓસ્કર સમારોહમાં કોઈ ક્લાસિકલ ગાયનો કે પરંપરાગત નૃત્યો જોવા-સાંભળવા નથી આવતું એ બરાબર સમજતા આયોજકોએ ઘોંઘાટિયા ગાયન અને ઉછળકૂદ કરતા ડાન્સ માટે ડોન્કીકુમાર ડિસ્કો પર પસંદગી ઉતારી.

ડોન્કીકુમાર તકને પારખી ગયા હતા. ઓસ્કર સમારોહમાં હાજર ઓડિયન્સને શું જોઈએ છે એનો અંદાજ લગાવીને ડોન્કીકુમારે કેટલાય ગાયનો અને ડાન્સ પર્ફોર્મન્સીસ તૈયાર કરી રાખ્યા હતા. સમારોહમાં જેવી ડોન્કીકુમારની એન્ટ્રી થઈ કે ધમાલ મચી ગઈ. ડોન્કીકુમારે ભારે ઘોંઘાટથી ગીતો રજૂ કર્યા, એનર્જીથી ચિત્ર-વિચિત્ર ડાન્સ કર્યો. ડાન્સના જાતભાતના સ્ટેપ્સ વાયરલ થયા. સોશિયલ મીડિયામાં ડોન્કીકુમાર ડિસ્કોના નામનો ટ્રેન્ડ સર્જાયો. જંગલમાં ચારેબાજુ આ નવા સ્ટારની ચર્ચા શરૂ થઈ. ગધેડીઓમાં ડોન્કીકુમાર ડિસ્કોએ સેન્સેશન ઊભી કરી. ને એ રીતે ઓસ્કરે જંગલને સ્ટારની ભેટ આપવાની પરંપરા જાળવી રાખી.

***

અત્યાર સુધી પાડોશમાં ય કોઈ પૂછતું ન હતું એવા ડોન્કીકુમાર ડિસ્કોના રાતોરાત માનપાન વધી ગયા. ફોલોઅર્સનો વધતો આંકડો જોઈને ડોન્કીકુમાર તો આભો જ રહી ગયો. તેણે તુરંત એકાઉન્ટ્સ વેરિફિકેશનની અરજીઓ કરી દીધી. સેલિબ્રિટી માટે બ્લૂ ટિક કેટલું મહત્ત્વનું છે એ તો એને બરાબર ખબર હતી. પાંચ-પચ્ચીસ જંગલવાસીઓએ તો બીજા દિવસે એવુંય પૂછ્યુંઃ 'પેલા કાર્યક્રમમાં તમે જ ડાન્સ કરતા હતાને?', 'તમે જબરી એનર્જીથી ડાન્સ કર્યો હતો હોં!', 'આપે ગધેડાસમાજનું માન વધારી દીધું'... આવા વાક્યોથી ડોન્કીકુમાર ડિસ્કોની છાતી ૧૫૬ની ઈંચની થઈ જતી હતી. પૂર્વજો ન કરી શક્યા એ કામ કરી બતાવ્યાનું પ્રાઉડ એના ગોરાં મોં પર દેખાઈ જતું હતું.

એમાં વળી ગધેડાસમાજના આગેવાનોએ સંપર્ક કરીને અભિનંદનનો વરસાદ વરસાવ્યો. આગેવાનોએ એક પછી એક સન્માન સમારોહ માટે આમંત્રણ આપ્યું. 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ના ચેરમેન ગુલામદાસ ગધેડાએ વગનો ઉપયોગ કરીને સૌથી પહેલો કાર્યક્રમ યોજ્યો. ઉગતા સ્ટારનું સૌપ્રથમ સન્માન કરવાથી જે તે સંગઠનની શાખ વધતી હોય છે. જંગલના ટોચના ઉદ્યોગપતિ અને ગધેડાસમાજના પ્રમુખ ગુલામદાસ ગધેડાએ સન્માન સમારોહમાં ભાષણ આપ્યુંઃ 'હજુ ગઈકાલ સુધી ડોન્કીકુમાર ડિસ્કોની કોઈ વેલ્યુ ન્હોતી. તેના પૂર્વજોએ મારી પાસેથી લોનો લઈને તેને સંગીત શીખવ્યું હતું. મને ગૌરવ છે કે આજે આપણા સમાજને એક નવો સ્ટાર મળ્યો છે.' 

તાળીઓના ગડગડાટથી ગુલામદાસના ભાષણને હાજર મેદનીએ વધાવી લીધું. ગુલામદાસે પોતાના વખાણ કર્યા કે ડોન્કીકુમારના એ કોઈને સમજાયું નહીં. ખુદ ડોન્કીકુમાર ડિસ્કો પણ થોડીવાર ગૂંચવાઈ ગયો. એને તો ખબર જ નહોતી કે એના પૂર્વજોએ પોતાના સિંગિંગ-ડાન્સિંગ માટે લોનો સુધ્ધાં લીધી હતી. ઓસ્કરના વળતરમાંથી ગુલામદાસની લોનો ચૂકવવી પડશે એવી બીકે ડોન્કીકુમારે એ વાતમાં ખાસ ધ્યાન જ ન આપ્યું.

કાર્યક્રમનું સંચાલન કરતી મિસ ગુલગુલ ગધેડીએ શક્ય એટલા મૃદુ અવાજમાં સૌંદર્ય વિખેરીને નવા સ્ટાર ડોન્કીકુમાર ડિસ્કોની પ્રશંસા કરી. પોતે કેટલી મોટી ફેન છે એ પણ ગુલગુલે વાતવાતમાં જાહેર કર્યું. આમેય ડોન્કીકુમાર ડિસ્કોને સ્ટારડમ મળ્યું ત્યારથી જંગલની લગભગ બધી જ યુવા ગધેડીઓ સોશિયલ મીડિયામાં ભાત-ભાતની રોમેન્ટિક કમેન્ટ કરી ચૂકી હતી. ડોન્કીકુમાર ડિસ્કોએ ઓસ્કર સેલ્ફી શેર કરી હતી એ પોસ્ટ તો ગધેડીઓના હાર્ટના ઈમોજીથી ઊભરાઈ ગઈ હતી. કેટલાય દિવસ સુધી ઓફલાઈન અને ઓનલાઈન ચારેબાજુ ગધેડાસમાજના રાઈઝિંગ સ્ટાર ડોન્કીકુમાર ડિસ્કો છવાયેલા રહ્યા.

ડોન્કીકુમારે એ દિવસે કેટલાય ગધેડા અને ગધેડીઓને સિંગર અને ડાન્સર બનવાની પ્રેરણા આપી દીધી હતી. એની અસરો પછીના દિવસોમાં જોવા મળવાની હતી.

***

ડોન્કીકુમાર ડિસ્કોની સક્સેસ સ્ટોરીમાંથી પ્રેરણા મેળવીને જંગલના યુવા ગધેડાઓ અને ગધેડીઓએ ઠેર-ઠેર ગાવા-નાચવાનું શરૂ કર્યું. જંગલવાસીઓએ થોડા દિવસ તો આ તમાશો સહન કર્યો, પરંતુ દરરોજના આ ઘોંઘાટથી ત્રાસેલા પશુ-પંખીઓએ ગધેડાઓના વર્તન સામે વિરોધ ઉઠાવ્યો. ફરિયાદ પહોંચી મહારાજા સિંહ પાસે. સિંહના કાનેય આમ તો આ અસહ્ય ઘોંઘાટ પડતો હતો. આખો મામલો સાંભળ્યા પછી સિંહે તેમના અંગત રાજકીય સલાહકાર રીંછભાઈને હુકમ કર્યોઃ 'તમામ ગધેડાઓના નાચ-ગાન પર પ્રતિબંધ મૂકી દો. હવે ગધેડાસમાજમાંથી એકેય નવો સોશિયલ મીડિયા સ્ટાર પેદા થવો ન જોઈએ. બધા વીડિયો બ્લોક કરી દો!'

Gujarat
News
News
News
Magazines