For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંહ સમાજ આળસુ બની જતાં રાજા સિંહે ઈમરજન્સી બેઠક બોલાવી

Updated: Feb 15th, 2024

સિંહ સમાજ આળસુ બની જતાં રાજા સિંહે ઈમરજન્સી બેઠક બોલાવી

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

રાજા સિંહે ભાષણ આપ્યુંઃ 'જો ભૂલેચુકે સસલાભાઈ જંગલના રાજા બની ગયા તો સસલા-હરણ એવા ફાટીને ધુમાડે જશે કે શિકાર કરવાનું ભારે પડી જશે! એવા દિવસો આવશે કે શિકાર કરશો તોય સજા થશે.'

ચૂંટણી પહેલાં જંગલના અંડરકરન્ટ્સ જાણવા માટે મહારાજા સિંહે પાડાકુમાર પંચાતિયાને ચૂંટણી સમિતિનો વડો બનાવીને કામ સોંપ્યું. પાડાકુમારે સિંહ સમાજ વિશે જ સૌથી પહેલાં અહેવાલ તૈયાર કરીને મહારાજા સિંહને આપ્યોઃ 'સિંહ સમાજ આળસુ બની ગયો છે. શિકાર કરવાને બદલે તૈયાર ખાવા-પીવાનું ઓનલાઈન ઓર્ડર કરે છે. કોલ્ડ્રિંક્સ પીવાથી સિંહ સમાજમાં ઓબેસિટીનું પ્રમાણ વધ્યું છે.'

ખાનગી રિપોર્ટથી સંતોષ ન થતાં મહારાજા સિંહે સરકારી અધિકારી મગર માથાભારે પાસે જે બીજો અહેવાલ તૈયાર કરાવ્યો એના તારણોય આવ્યાંઃ 'પ્રોસેસ્ડ ફૂડની સરકારી યોજનાનો લાભ મેળવતા હોવાથી સિંહોની શિકાર પ્રવૃત્તિ ઘટી ગઈ છે. સિંહ સમાજની ખોરાકની યોજના માટે તાજો શિકાર થાય છે - એવું ઓન-પેપર દર્શાવીને એ પ્રાણીઓને કાળાબજારમાં વેચી દેવામાં આવે છે. વાઘ સમાજ એવા પ્રાણીઓનો સૌથી મોટો ખરીદદાર છે. વાઘો શક્તિશાળી બનવા લાગ્યા છે ને જંગલવાસીઓમાં સિંહોનો ડર ઓછો થતો જાય છે. બેરોજગાર ભથ્થાની રકમ યુવા સિંહો મોબાઈલના ડેટા પેકમાં વેડફી નાખે છે એટલે બે પાંદડે થતાં નથી. સિંહોની નિષ્ક્રિયતાથી ચૂંટણીમાં ફટકો પડી શકે.'

આ બંને અહેવાલો બાદ મહારાજા સિંહ ભારે અકળાયા. તેમણે તુરંત આખાય સિંહ સમાજની બેઠક બોલાવી.

'સાથીઓ! તમે સરકારી યોજનાઓનો લાભ લઈને ફૂડ પેકેટ્સ આરોગો છો તેનાથી મને વાંધો નથી, પરંતુ તમે શિકાર કરવાનું સાવ બંધ કરી દીધું અને પ્રમાદી બની ગયા તે યોગ્ય નથી. તમે વનસંપર્ક બંધ કરી દીધો ને વિપક્ષના નેતા સસલાભાઈ જંગલ જોડો યાત્રાઓ કાઢી રહ્યા છે. જો આમ જ ચાલતું રહેશે તો આ જંગલ પર સિંહશાસન ખતમ થઈ જશે!' મહારાજા સિંહે સંબોધન કરીને આખાય સિંહ સમાજની દુખતી નસ દબાવી. જંગલમાં કોઈ પણ સમાજ પોતાનાથી બીજો કોઈ સમાજ વધે એ વાત ક્યારેય સ્વીકારી શકતો નહીં. 

'ફૂડ પેકેટ્સની ગુણવત્તા નબળી હોય છે. સ્વાદ નથી આવતો.' એક ઘરડા સિંહનો અવાજ બધાએ સાંભળ્યો.

'સિંહોને ફૂડ પેકેટ્સ આપવાનો કોન્ટ્રાક્ટ મેળવનારો ગુલામદાસ ગધેડો ભ્રષ્ટાચાર કરે છે એનું શું?' એક ભણેલા યુવાન સિંહે સવાલ કર્યો.

'બહાર નીકળો! વનસંપર્ક કરો... ધાક ઉભી કરો... તમે સૌથી શક્તિશાળી છો એ સાબિત કરતા રહો... ફિટ રહો... ખૂંખાર બનો..' મહારાજા સિંહે ફરિયાદો તરફ ધ્યાન આપવાને બદલે મોટિવેશનલ સ્પીકરની અદાથી સિંહ સમાજને મોટિવેટ કર્યો.

'એ બધી વાત સાચી, પણ સિંહોને મળતો શિકારનો સરકારી હિસ્સો વાઘોને વેચી દેવામાં આવે છે. કૌભાંડીઓ સામે પગલાં ભરો! મેં હમણાં જ સસલાભાઈનું ભાષણ સાંભળ્યું હતું. એમાં તેમણે કહેલું કે રાજા સિંહ તેમના બિઝનેસમેન મિત્ર ગુલામદાસ ગધેડાની કંપની 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ને ફાયદો કરાવવા સિંહસમાજને અન્યાય કરે છે.' સ્માર્ટફોનમાં ફની રીલ્સ જોવાને બદલે એનાલિટિકલ વીડિયો જોઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં લાયનકુમારે બધાની વચ્ચે છવાઈ જવા જ્ઞાાન પ્રદર્શિત કર્યું.

અકળાયેલા મહારાજા સિંહે લાયનકુમારને તતડાવી નાખ્યોઃ 'અલ્યા ભઈ, તું રીલો જોવાનું બંધ કર. એમાં આવતું બધું સાચું માની ન લે. એના બદલે સવાર-સાંજ જંગલમાં ફરવા જા. શિકારની નવી તરકીબ શીખ! તાજો ખોરાક ખા! શક્તિશાળી બનીશ તો કાલે સવારે સમાજની મદદ કરી શકીશ.'

રાજા સિંહે જોયું કે સિંહ સમાજ પર લાયનકુમારની વાત અસર કરી ગઈ હતી. તેમણે સિંહ સમાજને એવી કંઈક વાત કરવી પડે તેમ હતી કે જેનાથી આખાય સમાજનું સમર્થન મળે. રાજા સિંહે શબ્દોના શસ્ત્રો બહાર કાઢ્યાઃ 'હું તમને સૌને આત્મનિર્ભર બનાવવાની ભલામણ કરું છું અને તમે હજુય સરકારી યોજનાઓના ભરોસે બેઠા છો?' રાજા સિંહે બધાના રિએક્શન નોંધ્યા પછી આગળ ચલાવ્યુંઃ 'જો ભૂલેચુકે ય સસલાભાઈ આ જંગલના રાજા બની ગયા તો ફૂડ પેકેટ્સની સરકારી યોજના બંધ થઈ સમજો. ને હા, સસલા-હરણ જેવાઓ એવા ફાટીને ધુમાડે જશે કે શિકાર કરવાનું ભારે પડી જશે! એવા દિવસો આવશે કે શિકાર કરશો તોય સજા થશે.'

ડરથી દુનિયા જીતી શકાય છે એ સૂત્ર રાજા સિંહે અપ્લાય કર્યું, 'હું રાજા નહીં હોઉં તો તમારા પર માથાભારે હાથીઓના ટોળાં છૂટા મૂકી દેવાશે. જંગલી ભેંસોના હુમલા વધશે. વાઘો તમારી ટેરિટરીમાં ઘુસણખોરી કરશે અને તમારો શિકાર પડાવી ખાશે. દીપડાઓ ડરવાનું બંધ કરી દેશે. શું કરશો તમે?'

રાજા સિંહે નોંધ્યું કે તેમની વાતની આખાય સમાજ પર ધારી અસર થઈ હતી. લાયનકુમાર સહિતના જે સિંહોએ સરકારી ભ્રષ્ટાચાર અને સિસ્ટમની ગરબડના સવાલો ઉઠાવ્યા હતા તેમને પણ સિંહની વાત અસર કરી ગઈ હતી. ભવિષ્યની ચિંતાથી સૌના કપાળમાં કરચલીઓ ઉપસી આવેલી જોઈને રાજા સિંહે છેલ્લું તીર છોડયુંઃ 'આજથી જ વનસંપર્ક શરૂ કરીને ડરનો એવો માહોલ બનાવો કે ચૂંટણીમાં આપણો ભવ્ય વિજય થાય. બોલો, અબ કી બાર સિંહો કી સરકાર!'

'અબ કી બાર સિંહો કી સરકાર!' એવો વળતો સૂત્રોચ્ચાર કરીને સિંહોએ જંગલ તરફ દોટ મૂકી દીધી એ જોઈને રાજા સિંહ પોતાના મોટિવેશનલ ભાષણ પર મનોમન હરખાયા...

Gujarat