For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહારાજા સિંહે અભૂતપૂર્વ સૂત્ર આપ્યું : સૌની સમસ્યા, સૌની ભાગીદારી

Updated: Feb 9th, 2023

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- મહારાજા સિંહના દરબારમાં બજેટસત્ર ચાલતું હતું, એનો વિગતવાર અહેવાલ આવ્યો એ પછી જંગલનાં પ્રાણી-પંખીઓને તેમના માટે શરૂ થયેલી યોજનાઓની ખરી જાણકારી મળી હતી...

જંગલમાં બજેટસત્ર ચાલતું હતું. આ સમયગાળામાં દરબારમાં આખા વર્ષના બજેટનો પ્રસ્તાવ તો રજૂ થતો જ હતો, પરંતુ એ બાબતે વિગતવાર ચર્ચા ય થતી હતી. નવી નવી યોજનાઓની જાહેરાતો, યોજનાઓને મંજૂરી આપવાનું કામ પણ થતું હતું. મહારાજા સિંહ અને દરબારીઓની હાજરીમાં બજેટ રજૂ થયું, એના થોડાં દિવસ સુધી બજેટને સરળ ભાષામાં સમજાવતા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. એ અહેવાલો આવવા લાગ્યા એમ જંગલવાસીઓ વિવિધ યોજનાઓ સમજવા લાગ્યા હતા.

મહારાજા સિંહના કટ્ટર ટીકાકાર વિપક્ષના નેતા સસલાભાઈ વિવિધ મુદ્દા ઉઠાવીને દરબારમાંથી ચાલ્યા જતા હતા. ક્યારેક સસલાભાઈ યોજનાને ગેરવાજબી ગણાવતા હતા, ક્યારેક યોજના માટે ફાળવાયેલા ફંડને અયોગ્ય ગણાવતા હતા. તેમના સમર્થકો સાથે સસલાભાઈ દરબારમાંથી ચાલ્યા જતા એના માટે 'જંગલ ન્યૂઝ'માં બ્રેકિંગ ન્યૂઝ વહેતા થતાં હતાં:'વિપક્ષનું વૉકઆઉટ.' જોકે, મહારાજા સિંહ તેમને આમંત્રણ આપે તે પહેલાં જ બીજા દિવસે સસલાભાઈ તેમના સમર્થકો સાથે ફરીથી દરબારમાં આવી પહોંચતા હતા, ફરી કોઈ મુદ્દે નારાજ થઈને દરબાર છોડી જતા હતા.

આ સિલસિલા વચ્ચે દરબારનું કામ ન અટકે એની ખાસ તકેદારી મહારાજા સિંહના અંગત સલાહકાર રીંછભાઈ રાખતા હતા. વિપક્ષની ગેરહાજરીમાં દરબાર ચલાવવાનો શ્રેષ્ઠ સમયગાળો હોવાથી એ દરમિયાન જંગલવાસીઓના હિતમાં લોંચ થયેલી યોજનાઓને મંજૂરી આપવાનું મહામૂલું કામ ચાલતું હતું. એ પૈકીની કેટલીય યોજનાઓ વિશે જાણી લઈએ...

*

જંગલમાં સુશાસન : મહારાજા સિંહ 'સુશાસન'ની પ્રતિબદ્ધતા સાથે જંગલમાં રાજ કરતા હતા. ભવિષ્યમાં સુશાસન માટે તેમનો શાસનકાળ યાદ રહે એ માટે મહારાજા સિંહ કોઈ કસર છોડતા ન હતા. એ માટે તેઓ ઘટતું બધું જ કરતા હતા. એક દિવસ વિપક્ષના નેતા સસલાભાઈ વોકઆઉટ કરી ગયા, એનો લાભ લઈને મહારાજા સિંહે તેમની ગેરહાજરીમાં દરબારીઓની સહમતીથી દરેક સરકારી દસ્તાવેજમાં શાસનની આગળ 'સુ' લખવાનો પ્રસ્તાવ પાસ કરાવી લીધો. આ એક જ ઐતિહાસિક નિર્ણયથી મહારાજા સિંહે તેમના શાસનકાળને ગણતરીની સેકન્ડમાં સુશાસન બનાવી દીધું હતું. જંગલની સરકારના બધા જ દસ્તાવેજોમાં મહારાજા સિંહના સુંદર ફોટાની નીચે એક વાક્ય લખવાનું શરૂ થયું હતું: 'જંગલમાં મહારાજા સિંહના દીર્ઘ સુશાસનનો સુવર્ણયુગ'. તેમની આ આવડત પર તો અનેક કાર્યકરો આફરીન થઈ ગયા હતા. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ એના વિસ્તારમાં ડાન્સ કરીને આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરી હતી.

*

સૌની સમસ્યા, સૌની ભાગીદારી : મહારાજા સિંહે એ જ દિવસે દરબારમાં ભાષણ આપ્યું હતું. 'જંગલ ન્યૂઝ'માં ભાષણનું લાઈવ પ્રસારણ થતું હતું. મહારાજા સિંહે એ વખતે નવું સૂત્ર આપ્યું હતું: સૌની સમસ્યા, સૌની ભાગીદારી. 'જંગલ ન્યૂઝ'ની ડિબેટમાં બેસતા રાજકીય એક્સપર્ટે મહારાજા સિંહના આ સૂત્રને વધુ એક માસ્ટરસ્ટ્રોક ગણાવીને જથ્થાબંધ પ્રશંસા વેરી હતી. સૂત્રનો અર્થ શરૂઆતમાં એવો નીકળ્યો હતો કે સમસ્યાનું સમાધન પણ સૌની ભાગીદારીથી નીકળશે, પરંતુ ધીમે ધીમે એનો જુદો જ અર્થ નીકળતો જણાયો હતો. એ પ્રમાણે મહારાજા સિંહના સૌની સમસ્યા, સૌની ભાગીદારી સૂત્રનો અર્થ એમ થતો હતો કે જંગલમાં સમસ્યાઓનો કોઈ અંત નથી. શરીર નાશવંત છે એટલે એની સુખાકારીમાં મોહ રાખવાને બદલે પરલોક સુધરે એ માટે પ્રયાસો કરવા જોઈએ. તેથી જ્યારે સૌ જંગલવાસીઓ સમાન સમસ્યા અનુભવે ત્યારે એમાં સરખી ભાગીદારી સમજીને એ સમસ્યા સહન કરતા શીખી જાય. દુઃખ સહિયારું હોય ત્યારે એને સહન કરવાનું સરળ બનતું હોય છે - એવો અદ્ભૂત મેસેજ મહારાજા સિંહે આ સૂત્રના માધ્યમથી આપતા હતા.

*

ધનાધન યોજના : મહારાજા સિંહે સૌને ધનવાન બનાવવા માટે 'ધનાધન' યોજના જાહેર કરી હતી. મહારાજા સિંહે જાહેર કર્યું હતું કે ધનાધન યોજનાથી જંગલવાસીઓને ધનવાન બનવામાં મદદ મળશે, પરંતુ બધા જંગલવાસીઓને ધનવાન બનવામાં મદદ મળશે કે નહીં  એની સ્પષ્ટતા થઈ ન હતી. આ યોજના આવી પછી મહારાજા સિંહના કરીબી ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાની 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ના વેલ્યૂએશનમાં અનેકગણો વધારો થયો હતો. 'પકોડા એન્ડ ભજિયા ઈન્ડસ્ટ્રી'નો માલિક પપ્પુ પોપટ જંગલમાં સૌથી યુવા અબજોપતિ તરીકે ઉભરી આવ્યો હતો. ધીમે ધીમે મહારાજા સિંહની આ યોજના જંગલવાસીઓને સમજાવા લાગી હતી. ખરેખર તો આ યોજનાના નામમાંથી જોડણી છૂટી પાડવાનું જંગલવાસીઓ ભૂલી ગયા હતા. યોજનાનું નામ હતું : ધન-અધન યોજના. સામાન્ય જંગલવાસીઓ અધન એટલે કે નિર્ધન એટલે કે ગરીબ થતા હતા અને જંગલના ઉદ્યોગપતિઓ ધનવાન બનતા હતા. મહારાજા સિંહે અમુક જંગલવાસીઓના લાભાર્થે આ યોજના લોંચ કરી હશે એવું ત્યારે બધા જંગલવાસીઓને સમજાયું ન હતું. આ યોજનાના કારણે જંગલવાસીઓની આવક અજબ રીતે સ્થિર થઈ ગઈ હતી, પરંતુ ઉદ્યોગપતિઓની આવકમાં રાત-દિવસ વધારો થતો હતો. 'જંગલ ન્યૂઝ'માં ડિબેટમાં બેસતા એક્સપર્ટ્સ તો આ યોજનાને મહારાજા સિંહના સુશાસનની સૌથી સફળ યોજના ગણાવતા હતા.

Gujarat