સરકારી યોજનાઓનો લાભ લઈને સિંહ સમાજ આળસુ બની ગયો!
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- સિંહે રિપોર્ટ વાંચ્યો : 'સિંહ સમાજ ખાવાપીવાનું ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્સમાંથી ઓર્ડર કરીને મંગાવે છે તેથી સમાજની શિકાર કરવાની ઉજળી પરંપરા નાશ પામે એવી શક્યતા છે.'
મહારાજા સિંહે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાડાકુમાર પંચાતિયાને વિશેષ ચૂંટણી સમિતિનો વડો બનાવ્યો.
નવી જવાબદારી મળ્યા પછી પાડાકુમાર પંચાતિયો રાજા સિંહને મળવા આવ્યો: 'મહારાજા સિંહનો જય હો! હર બાર સિંહ કી સરકાર!'
'ઠીક છે ઠીક છે! નારાનું કામ તું મારા પર છોડી દે!' પાડાકુમારની ખુશામત પર ઠંડુ પાણી રેડતા મહારાજા સિંહે આદેશ આપ્યો: 'જંગલવાસીઓ ચૂંટણીને લઈને કેટલા ઉત્સાહી અને કેટલા સક્રિય છે તેનો તુરંત અહેવાલ તૈયાર કર!'
'જી મહારાજા!' સંગઠનના નેતા પર રાતોરાત જવાબદારી આવી પડે પછી એના મોં પર જેટલું કન્ફ્યુઝન હોય એટલું જ કન્ફ્યુઝન પાડાકુમારના મોં પર હતું.
'આગામી ચૂંટણીમાં વિજય મેળવીને મારે નવો ઈતિહાસ બનાવવો છે. એ માટે જંગલમાં ચૂંટણી પહેલાં શું ચાલી રહ્યું છે તું મને જણાવતો રહેજે! સમજ્યો?' સિંહે આદેશ આપીને પાડાકુમારને રવાના કર્યો.
રાજા સિંહને ખુશ કરવા પાડાકુમાર પંચાતિયાએ સૌથી પહેલા તેમના સિંહ સમાજનો જ અહેવાલ તૈયાર કરવા મહેનત શરૂ આદરી. જંગલમાં સિંહનાં રહેઠાણો પર ફરી ફરીને રજેરજની વિગતો એકઠી કર્યા પછી પાડાકુમારે તો બે-ત્રણ દિવસમાં રિપોર્ટ બનાવીને મહારાજા સિંહને આપી દીધો. સિંહે રિપોર્ટ વાંચ્યો:
'સિંહ સમાજ પર તૈયાર થયેલો અહેવાલ : આખાય સિંહ સમાજમાં આળસનું પ્રમાણ વધી ગયું છે. સિંહો ખાવા-પીવાનું પણ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્સમાંથી ઓર્ડર કરીને મંગાવે છે. સમાજની શિકાર કરવાની ઉજળી પરંપરા નાશ પામે એવી શક્યતા છે. એમાંય નવી જનરેશનનાં સિંહ-સિંહણો તો આખો દિવસ સોશિયલ મીડિયામાંથી ગરદન ઊંચી જ નથી કાઢતા. તેથી ગરદન અને આંખોની બીમારી થવા માંડી છે. પંજા સતત મોબાઈલ સ્ક્રીનના સંપર્કમાં રહેતા હોવાથી નખ નબળા પડવા માંડયા છે. જે પંજા શિકાર માટે શક્તિશાળી ગણાતા હતા તેમાં જોમ બચ્યું નથી. કોલ્ડ્રિંક્સ પીવાથી આખાય સિંહ સમાજમાં ઓબેસિટીનું પ્રમાણ વધ્યું છે. આ બધું તો ઠીક - હેલ્થના અને પરંપરાના ઈસ્યૂ થયા - જેની સાથે તમારો સીધો કોઈ સંબંધ નથી. પરંતુ ચૂંટણીને લાગેવળગે છે એવી બાબતો તરફ આપનું ધ્યાન દોરવું એ મારી ફરજ છે.'
આટલું લખીને પાડાકુમાર પંચાતિયાએ બે-ત્રણ પોઈન્ટ હાઈલાઈટ કર્યા:
- સિંહ સમાજનો વનસંપર્ક સદંતર બંધ થઈ ગયો છે. જંગલના પ્રાણીઓ ગુફામાં ભરાઈ રહેતા સિંહોને ઓળખતા નથી.
- સિંહ સમાજ બહાર ઓછો નીકળે છે એટલે ધાક ઘટી ગઈ છે, જે તમારી ઈમેજને લાંબા ગાળે ધક્કો પહોંચાડી શકે.
- તમે દિવસ-રાત જંગલમાં મહેનત કરતા હોવાનો દાવો કરો છો, પણ તમારો સમાજ પ્રમાદી થઈ જાય તો વિપક્ષી નેતા સસલાભાઈ ચૂંટણીસભામાં તમારા પર કટાક્ષ કરશે.
પાડાકુમારના મુદ્દા રાજા સિંહને એકદમ સાચા લાગ્યા. એક તરફ વિપક્ષના નેતા સસલાભાઈ જંગલ જોડો યાત્રા કરતા હોય ને બીજી તરફ પોતાનો આખો સમાજ પ્રમાદી થઈને વનસંપર્ક કટ્ કરી નાખે તો તેની સીધી અસર ચૂંટણી થઈ શકે.
મહારાજા સિંહે સેકન્ડ ઓપિનિયન લઈને પછી એક્શનમાં આવવાનું વિચાર્યું. સરકારી અધિકારી મગર માથાભારેને આદેશ આપ્યો: 'સિંહ સમાજને મળતી સરકારી યોજનાઓ, બદલાયેલી ખાવા-પીવાની આદતો, સિંહ સમાજની આળસ પાછળના કારણોનો તુરંત અહેવાલ આપો!'
મગર માથાભારેએ કંઈક આવો રિપોર્ટ સબમીટ કરાવ્યો:
- તમારા નામે આખોય સમાજ પ્રોસેસ્ડ ફૂડની સરકારી યોજનાનો લાભ મેળવે છે. એ યોજના હેઠળ સિંહ સમાજના મોટા વર્ગને તૈયાર ખાવાનું મળી જાય છે. જંગલની સરકારના અધિકારીઓ ફૂડમાં ગુણવત્તા જાળવતા નથી. તાજા શિકારને બદલે અગાઉથી જ મૃત્યુ પામેલા પ્રાણીઓનું માંસ એકઠું કરીને સરસ પેકિંગમાં સિંહ સમાજને પધરાવી દેવામાં આવે છે. સ્માર્ટફોનમાં વ્યસ્ત સિંહ સમાજ ફૂડ સામે જોયા વગર જ બધું ઝાપટી જાય છે. તેથી સિંહો પર ગંભીર બીમારીનો ખતરો વધ્યો છે.
- સિંહ સમાજની ખોરાકની યોજના માટે તાજો શિકાર થાય છે - એવું ઓન-પેપર દર્શાવીને એ પ્રાણીઓને કાળાબજારમાં વેચી દેવામાં આવે છે. વાઘ સમાજ એવા પ્રાણીઓનો સૌથી મોટો ખરીદદાર છે. તાજો ખોરાક ખાઈને વાઘો દિવસે દિવસે શક્તિશાળી બની રહ્યો છે.
- સિંહોના ખોરાકના નામે જે કૌભાંડ ચાલે છે એમાં ગુલામદાસ ગધેડાની કંપની 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ની સંડોવણી છે, પરંતુ એ તમારી પાર્ટીમાં સૌથી મોટું ફંડ આપતી કંપની છે. વળી, તમારો બધો જ ચૂંટણી ખર્ચ ગુલામદાસ ઉપાડે છે એટલે તેમના પર પગલાં લેવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી.
- યુવા સિંહોને બેરોજગારી ભથ્થુ મળે છે એટલે તેમનામાં મહેનત કરવાનો ઉત્સાહ રહ્યો નથી. એ ભથ્થાની ૫૦ ટકા રકમ ડેટાપેક પાછળ ખર્ચાય છે. સિંહ-સિંહણોમાં રીલ્સ બનાવવાનું વધ્યું છે. વનસંપર્ક ઘટવાનું આ પણ એક મુખ્ય કારણ છે.
- તે સિવાયની જંગલની સરકારની ઘણી યોજનાઓનો લાભ સિંહ સમાજને આપના કારણે મળે છે. એમાંથી એ ઓનલાઈન ઓર્ડર કરીને ખોરાક-પાણી મેળવી લે છે. એ તેમની આળસનું મુખ્ય કારણ છે.
રિપોર્ટ જોઈને લાલઘૂમ થયેલા રાજા સિંહે આદેશ આપ્યો : 'આખાય સમાજની તાકીદે બેઠક બોલાવો!'
(ક્રમશ:)