For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુલામદાસ ગધેડાની કંપનીએ નેતાઓ માટે 'પાર્ટી બદલો મેળો' યોજ્યો

Updated: Mar 6th, 2024

ગુલામદાસ ગધેડાની કંપનીએ નેતાઓ માટે 'પાર્ટી બદલો મેળો' યોજ્યો

- આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

- જંગલમાં ચૂંટણી પહેલાં પક્ષ પલટાની મૌસમ પૂરબહારમાં ઉઘડી. સિનિયર પલટુબાજ નેતાઓ તો પોતાની કિંમત આંકી શકતા, પરંતુ જે નેતાઓ પોતાના મૂલ્યાંકનમાં કાચા હતા તેમણે 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ની મદદ લીધી

ગુલામદાસ ગધેડો એટલે જંગલનો સૌથી સફળ બિઝનેસમેન. પ્રાણી-પંખીઓના સામાનની હેરફેર માટે નાના પાયે 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ' કંપનીની સ્થાપના થયેલી. રાજકારણીઓ સાથે ઘરોબો કેળવવાની ગુલામદાસ ગધેડાની અપાર ક્ષમતાના કારણે કંપનીને સરકારી કોન્ટ્રાક્ટ મળવા માંડયા. ધીમે ધીમે કંપનીએ કંઈ કેટલાય બિઝનેસમાં ઝંપલાવ્યું ને ધારી સફળતા મેળવી. ગુલામદાસે જંગલના રાજા સિંહ સાથે પાક્કી દોસ્તી કરી લીધી. રાજા સિંહનો તમામ ચૂંટણીખર્ચ ગુલામદાસે ઉપાડી લીધો એટલે રાજા એના પર કાયમ પ્રસન્ન રહેતા ને બદલામાં ટેક્સ માફીથી લઈને અબજોની સરકારી લોન તુરંત મંજૂર થઈ જતી.

ગુલામદાસ ગધેડાની કંપની બધે પહોંચી વળતી નહીં એટલે ઉભરતા બિઝનેસમેન પપ્પુ પોપટ સાથે સંયુક્ત બિઝનેસ શરૂ કર્યો. પપ્પુ પોપટ એક સમયે બેરોજગાર હતો, પણ રાજા સિંહના ભાષણમાંથી પ્રેરણા મેળવીને 'પકોડા એન્ડ ભજિયા ઈન્ડસ્ટ્રી' સ્થાપીને નામ કાઢ્યું. ગુલામદાસ સાથેની પાર્ટનરશિપ એને એટલી ફળી કે એ જંગલનો બીજા નંબરનો સૌથી ધનવાન બિઝનેસમેન ગણાતો હતો.

આ બંનેએ ભેગા મળીને અગાઉ કેટલાય વેન્ચર પાર પાડયા હતા. નવા સાંસદો, ધારાસભ્યો માટે પાટલી થપથપાવવાનું શીખવતા પ્રોજેક્ટમાંથી માતબર કમાણી કર્યા પછી ધારાસભ્યોની હેરફેરમાં બિઝનેસની તક દેખાતા ધારાસભ્ય ખરીદ-વેચાણ સંઘ નામનો એક વિભાગ શરૂ કર્યો ને એમાંય સારી એવી કમાણી થઈ. ધારાસભ્યોને હોટેલમાં પૂરી રખાય ત્યારે અંદરોઅંદર બાખડવાના બનાવો વધ્યા ત્યારે આ બંનેએ ધારાસભ્યો માટે સ્વબચાવ ટ્રેનિંગ કેમ્પ યોજ્યો હતો. એને હુંફાળો પ્રતિસાદ મળ્યો હતો ને એ કેમ્પમાંથી કેટલાય ધારાસભ્યો મારમારીનો પાઠ ભણ્યા હતા.

આવો ઉજળો રેકોર્ડ ધરાવતા આ બંને ઉદ્યોગપતિઓએ ચૂંટણી નજીક આવતા 'પાર્ટી બદલો મેળો' યોજીને મોટો બિઝનેસ અંકે કરવાનું આયોજન શરૂ કર્યું.

***

ભરતી મેળો, પુસ્તક મેળો, પસંદગી મેળો ભૂલી જાઓ...

હવે આવી રહ્યો છે - પાર્ટી બદલો મેળો

જો તમે નેતા છો તો આ મેળો તમારા માટે છે

તમારું મૂલ્ય તમે નથી જાણતા, અમે જાણીએ છીએ

શ્રેષ્ઠ વેલ્યુ આંકીને સારી પાર્ટીમાં ગોઠવી આપીશું

મેળામાં સહભાગી બનો ને યોગ્ય કિંમત મેળવો

સોશિયલ મિડીયામાં ચારેબાજુ આ જાહેરાત પોસ્ટ થઈ. જાહેરાતના બેનરમાં ઉપર 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'નો મોટો લોગો હતો. નીચે સહયોગી કંપની 'પપ્પુ પકોડ એન્ડ ભજિયા લિમિટેડ'નો લોગો દેખાતો હતો. જાહેરાતમાં અગાઉના સફળ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ હતો. સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્સર્સ પાસે પેઈડ પ્રમોશન કરાવાયું.

નિયત થયેલા દિવસે પાર્ટી બદલો મેળો યોજાયો. મોટી સંખ્યામાં નેતાઓ મેળામાં બાયોડેટા લઈને આવી પહોંચ્યા. પ્રમાણમાં નવા નેતાઓની સંખ્યા ઘણી વધારે હતી, કારણ કે સિનિયર પલટીબાજ નેતાઓ તો પોતાની કિંમત આંકી શકતા ને હવાની દિશા જોઈને પાર્ટી બદલી નાખતા. દાયકાઓથી પાર્ટીઓ બદલીને રાજકારણમાં ટકી ગયેલા નેતાઓ ચૂંટણીમાં ટિકિટ મેળવવાનો સોદો પાર પાડી લેતા. ઘણા ખૂબ સિનિયર નેતાઓ તો મંત્રીપદની ડીલ સુદ્ધાં કરી જાણતા. એનાથીય મહાઅઠંગ પલટીબાજ નેતાઓ તો વળી મંત્રીપદની સાથે ચોક્કસ મંત્રાલયનો સોદો પણ ઠંડા કલેજે પાર પાડી લેતા.

પરંતુ જે નેતાઓ પોતાના મૂલ્યાંકનમાં કાચા હતા તેઓ 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ના આ મેળામાં ઉત્સાહભેર આવીને ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડના એસેસમેન્ટ અધિકારીઓ સાથે ચર્ચાએ ચડયા હતા. મોટાભાગના નેતાઓને મહારાજા સિંહની પાર્ટીમાં સારી ઓફર મળે તો જવાની ઈચ્છા હતી. ગુલામદાસ ગધેડાની પહોંચ સીધી રાજા સિંહ અને તેમના અંગત રાજકીય સલાહકાર રીંછભાઈ સુધી હોવાથી ગધેડો જ શ્રેષ્ઠ ભાવ અપાવી શકે તેમ છે એ સૌ નેતાઓ જાણતા હતા. એટલે આકર્ષક પ્રોફાઈલ બનાવીને ગધેડાની કંપનીના એક્સપર્ટ્સને આંજી દેવા નેતાઓ પેરવી કરતા હતા.

પણ ગુલામદાસ ગધેડો પલટીબાજ નેતાઓ બાબતે એકદમ પ્રોફેશનલ હતો. બધાં સમીકરણો ચેક કરીને જ આગળની પ્રોસેસ શરૂ થતી. એમાં મુખ્ય શરત આટલી હતીઃ

- જે પાર્ટી છોડવાની છે તેના વિશે બેફામ નિવેદનો આપવાની ફાવટ (બે-ત્રણ સંભવિત ભાષણોની નકલો)

- મહારાજા સિંહના શાસન અંગે મોંફાટ વખાણ કરવાની આવડત (એનાય બે-ત્રણ સંભવિત ભાષણોની નકલો)

- જરૂર પડયે મારપીટ કરવાની ક્ષમતા (પુરાવા રૂપે મારામારીના વીડિયોની બે-ત્રણ લિંક હોય તો બેસ્ટ)

- ડિગ્રીઓ ન હોય તો ચાલે, ક્રિમિનલ રેકોર્ડ અવ્વલ હોવો જોઈએ (બે-ત્રણ ધરપકડ વગેરેનો પોલીસ રેકોર્ડ)

- ક્રિમિનલ રેકોર્ડ છતાં ધર્મનિષ્ઠ ઈમેજ (મંદિરોમાં દર્શન કરતા હોય એવી ડઝનેક તસવીરો)

- જંગલની પરંપરામાં અપાર આસ્થા (ઓપ્શનલ)

કંપનીના એસેસમેન્ટ અધિકારીઓ આટલી ચકાસણી કરે ને ગ્રીન સિગ્નલ આપે એ નેતાઓની ફાઈલ ગુલામદાસ ગધેડાના ટેબલ પર પહોંચતી. એ પછી ગુલામદાસ ગધેડો અને પપ્પુ પોપટ પલટીબાજ નેતાને બેસ્ટ વેલ્યુ મળે તે માટે રાજા સિંહને રિમાર્ક સાથે ભલામણ લખી મોકલતા.                       (ક્રમશઃ)


Gujarat