For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જંગલમાં નેતાઓની સરખામણી કૂતરા સાથે થતાં કૂતરાસમાજ નારાજ

Updated: Jan 5th, 2023

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- બે-ત્રણ કલાકના મહામંથન પછી પ્રમુખ કૂતરાભાઈ કડકા અને ડોગભાઈ ડફોળ જેવા નેતાઓના માર્ગદર્શનમાં આંદોલનની રૂપરેખા તૈયાર થઈ ગઈ હતી. રોતલ રેજિમેન્ટ, હડકાયા રેજિમેન્ટ અને ભસમભસા ટૂકડીઓને કામ સોંપાઈ ગયું

'મહારાજા સિંહ ભલે દાવાઓ કરતા હોય, પરંતુ જંગલના વિકાસમાં તેમના પક્ષના નેતાઓ તો ઠીક, એમના કૂતરાઓનું પણ કોઈ યોગદાન નથી. આમેય મહારાજા સિંહના નેતાઓની માનસિકતા કૂતરા જેવી છે. માત્ર પોતાની ગલીઓમાં જ શક્તિ બતાવી શકે છે'. વિપક્ષના નેતા સસલાભાઈના કટ્ટર સમર્થક લંગૂરભાઈ લપલપિયાએ ભાષણમાં મહારાજા સિંહ અને તેમના નેતાઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. લંગૂરભાઈનું ભાષણ આખાય જંગલમાં વાયરલ થયું. મહારાજા સિંહના નેતાઓએ તો એમાં ખાસ વાંધો ઉઠાવ્યો નહીં, પરંતુ કૂતરાસમાજ ભારે નારાજ થયો. કૂતરાસમાજમાં તેના ઘેરા પડઘા પડયાં.

કૂતરાસમાજના પ્રમુખ કૂતરાભાઈ કડકાએ આ નિવેદન સાંભળ્યા પછી ચુનંદા ઝડપી કૂતરાઓને બોલાવીને ઠેર-ઠેર મેસેજ આપવા દોડાવ્યા: 'કૂતરાસમાજ તુરંત એકઠો થાય. બધા કામ પડતાં મૂકીને બધાને અખિલ જંગલીય કૂતરાસમાજના પ્રમુખ કૂતરાભાઈ કડકાએ તુરંત બોલાવ્યા છે. આપણાં સન્માન માટે લડત આપવાનો સમય આવી ગયો છે.'

જંગલમાં ખૂબ આંદોલનો થતાં. નાની-નાની બાબતોમાં ય જંગલવાસીઓ આંદોલન કરતા ને મોટી બાબતમાં તો જંગલબંધના એલાનો થતાં. આંદોલનો કરવામાં જે કેટલાક સમાજો સૌથી આગળ રહેતા એમાં કૂતરાસમાજનું નામ આવતું. કૂતરાસમાજ ખૂબ સંગઠિત હતો. પ્રમુખની એક હાકલ સાંભળીને તુરંત આંદોલનો કરવા ઉમટી પડતો. જંગલમાં અગાઉ પણ કૂતરાસમાજે સફળ આંદોલન કર્યા હતા એટલે આંદોલન-મેનેજમેન્ટમાં પ્રમુખ કૂતરાભાઈ કડકાને સારી ફાવટ હતી.

નક્કી કરેલા સમયે કૂતરાસમાજ એકઠો થયો. સંગઠનના ઉપપ્રમુખ ડોગભાઈ ડફોળે માઈક હાથમાં લઈને શરૂઆત કરી: 'કૂતરાસમાજના આદરણીય પ્રમુખ શ્રી કૂતરાભાઈ કડકાના મેસેજ પછી આપણે સૌ અહીં એકઠા થયા છે, ત્યારે આપ સૌનું હું સ્વાગત કરું છે. ખાસ તો હડકાયા રેજિમેન્ટ, રોતલ રેજિમેન્ટ, ભસમભસા ટુકડી જેવી સમાજની યુવાપાંખોની વિશેષ હાજરી છે તેનાથી કૂતરાઓની યુવા જનરેશનને પ્રેરણા મળશે. આગામી આયોજનની વધુ વિગત સમાજના પ્રમુખ સ્વયં આપશે. હું વિનંતી કરીશ કે કૂતરાભાઈ કડકા આપણું માર્ગદર્શન કરે!'

કૂતરાભાઈ કડકાએ છટાથી આખાય સમાજ પર નજર ફેરવી. માથું જોરથી ધુ્રજાવીને સૌનું સ્વાગત કર્યું. જવાબમાં આખાય કૂતરાસમાજે થોડીવાર ભસાભસ કરી મૂકી. કોલાહલ શાંત થયો પછી કૂતરાભાઈ કડકાએ કહ્યું: 'કૂતરાસમાજની બધી જ પેટાશાખાઓના પ્રતિનિધિઓનું હું સ્વાગત કરું છું! મુધોલ ડોગ્સ, ચિપ્પીપરાઈ, રામપુરી શ્વાન, બલ્લી કૂત્તા, રાજાપલ્લયમ્, કોમ્બઈયા, ગડ્ડી ડોગ્સ, કેન્ની કૂત્તાઓ આ આત્મસન્માનના આંદોલનમાં જોડાશે એનાથી આપણી એકતા નવી ઊંચાઈએ પહોંચશે.' કૂતરાસમાજે પંજા ટકરાવીને 'શ્વાનએકતા જિંદાબાદ'ના નારા લગાવ્યાં. 

કૂતરા કડકાએ આગળ ચલાવ્યું: 'આપણો સમાજ ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ અને મહારાજા સિંહની પરંપરાગત વોટબેંક છે. હું ખુદ વાંદરાભાઈ વટપાડુનો રાજકીય સલાહકાર છું. કદાચ એટલે જ વિપક્ષના નેતા સસલાભાઈના સમર્થક લંગૂરભાઈ લપલપિયાએ આપણાં સમાજનું અપમાન કર્યું છે, પણ આ મંચ પરથી મારે એક વાત સ્પષ્ટ કરી દેવી છે. આપણે ભલે મહારાજા સિંહના સમર્થક રહ્યાં, છતાં સિંહના નેતાઓ સાથે સરખામણી થાય તે આપણું અપમાન છે. જંગલના નેતાઓથી તો આપણું સન્માન અનેક ગણું વધારે હોવું જોઈએ. આપણે વધી વધીને જંગલવાસીઓને બટકા ભરીએ છીએ. ક્યારેક રાતે ભસાભસ કરીને કોલાહલ કરીએ છીએ. ઘણી વખત જંગલવાસીઓની પાછળ દોડીને ભગાડીએ છીએ ને ઘણી વખત વાહનો વચ્ચે આવીને તેમને પછાડીએ છીએ. માન્યું કે આપણે આ બધું કરીએ છીએ, પણ તોય આપણી સરખામણી નેતાઓ સાથે તો હરગીજ ન થવી જોઈએ!'

'હા.. હા... ન જ થવી જોઈએ!' કૂતરાસમાજે પ્રમુખના સૂરમાં સૂર પુરાવ્યો. બે-ત્રણ કલાકના મહામંથન પછી કૂતરાભાઈ કડકા, ડોગભાઈ ડફોળ જેવા નેતાઓના માર્ગદર્શનમાં આંદોલનની રૂપરેખા તૈયાર થઈ ગઈ હતી. બધી ટુકડીઓને કામ સોંપાઈ ગયું. કોને ક્યાં આંદોલન કરવાનું છે તેની વિગતવાર સમજ અપાઈ ગઈ.

એ જ દિવસથી અખિલ જંગલીય કૂતરાસમાજનું આંદોલન શરૂ થયું. રોતલ રેજિમેન્ટે લંગૂરભાઈ લપલપિયાના વિસ્તારમાં જઈને રાતભર રડવાનું શરૂ કર્યું. ભસમભસા ટુકડી તો રાત અને દિવસ - એમ બે શિફ્ટમાં કામ કરતી હતી. હડકાયા રેજિમેન્ટના કૂતરાઓએ પાછળ પડીને નેતાઓના નાકે દમ લાવી દીધો.

કૂતરાઓના આંદોલનના પગલે મહારાજા સિંહે તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવી. મહારાજા સિંહ, તેમના અંગત સલાહકાર રીંછભાઈ, વિપક્ષના નેતા સસલાભાઈ, વિપક્ષી મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા સહિતના નેતાઓએ સર્વસંમતિથી એક પત્ર જાહેર કર્યો. જેમાં લખ્યું હતું: 'કૂતરાસમાજની લાગણી દૂભવવાનો નેતાઓનો કોઈ ઈરાદો ન હતો. કૂતરાસમાજ સાથે અમારી સરખામણી થઈ તેનાથી ખરેખર તો અમે ધન્યતાથી લાગણી અનુભવતા હતા. તમારા વિશાળ સમાજનો જંગલમાં અનોખો આદર છે. છતાં આપની માગણીને ધ્યાનમાં રાખીને વિપક્ષના નેતા ભાઈ શ્રી લંગૂર લપલપિયાની સોંપણી કરીએ છીએ. આપ એની સાથે યથાયોગ્ય વર્તન કરશો એવી અપેક્ષા સહ. સર્વપક્ષના નેતાઓના પ્રણામ!'

Gujarat