mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પ્રીત પારેવડાની આગેવાનીમાં વિદ્યાર્થીઓનું પેપર લીક વિરૂદ્ધ આંદોલન

Updated: Jul 4th, 2024

પ્રીત પારેવડાની આગેવાનીમાં વિદ્યાર્થીઓનું પેપર લીક વિરૂદ્ધ આંદોલન 1 - image


- આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

- મહાસીર માછલાએ મોંઘીદાટ ફી ભરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી, પરંતુ પરીક્ષામાં કંઈની કંઈ ગરબડ રહી જતી હોવાથી બધી જ મહેનત 'પાણી'માંં જતી હતી. કંટાળીને એ આંદોલનમાં જોડાયો...

જંગલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જૂની પદ્ધતિ બદલીને મહારાજા સિંહે વિદેશી જંગલોમાં ભણેલા શિયાળકુમાર સ્માર્ટને એક્ઝામ બોર્ડના વડા બનાવ્યા. શિયાળકુમારે પેપરો કાઢવાની, પરીક્ષા લેવાની પદ્ધતિમાં ધરખમ ફેરફારો કર્યા અને મોટાભાગનું કામ કોન્ટ્રાક્ટ પર એજન્સીઓને આપી દીધું. પેપર લીકના બે-ચાર શરૂઆતી બનાવો પછી શિયાળકુમારે મનોમંથન કર્યુંઃ 'મારી પરીક્ષા લેવાની પદ્ધતિમાં કોઈ ખામી નથી. આઉટ સોર્સિંગનું કામ જ શ્રેષ્ઠ છે, પરંતુ એમાં જે એજન્સી ગરબડ કરશે એને બ્લેકલિસ્ટ કરી દઈશ એટલે પારદર્શકતા સામે સવાલો ઊભા થશે નહીં.'

ને એ રીતે જ્યારે જ્યારે પેપર લીકના બનાવો બનતા ત્યારે શિયાળકુમાર એજન્સીઓ બદલી નાખતા. કોન્ટ્રાક્ટ આધારે જે સ્ટાફને ભરતી કર્યો હોય તેમની હકાલપટ્ટી થઈ જતી. એમાં શાંતિ એ વાતે રહેતી કે કોન્ટ્રાક્ટ આધારે કામ કરતા સ્ટાફને હાંકી કાઢવામાં કોઈ કાયદાકીય ગૂંચવણો ઊભી થતી નહીં. એમ તો એક-બે આરોપીઓ સામે કેસ પણ ચાલતો, પણ મજબૂત પુરાવા હોય નહીં એટલે સજા તો ભાગ્યે જ થતી.

આ બધા પાછળ વાંક શિયાળકુમાર સ્માર્ટનો કે મહારાજા સિંહનો ન હતો, જંગલના વિદ્યાર્થીઓનો હતો. વિદ્યાર્થીઓની સંખ્યા વધી હોવાથી જંગલની સરકારને પેપરો કાઢવામાં, પરીક્ષાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડતી હતી. વિદ્યાર્થીઓ વધ્યા એમ પરીક્ષાઓ પણ વધી. એક પૂરી થાય ત્યાં બીજી, બીજી પૂરી થાય ત્યાં ત્રીજી. સરકાર કરે તો પણ શું કરે? મહારાજા સિંહના સલાહકારોએ તો એવીય સલાહ આપી કે અમુક વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકે અને એ પણ એક જ વખત પરીક્ષા આપે - એવો નિયમ લાગુ પાડી દો. તેનાથી આટલા મોટા પાયે વ્યવસ્થા કરવી પડશે નહીં. મહારાજા સિંહ એમાં ખાસ્સા કન્વિન્સ્ડ જણાતા હતા, પરંતુ એમાં એક મુશ્કેલી હતી - ચૂંટણી. જંગલમાં કોઈને કોઈ ખૂણે ચૂંટણી યોજાતી રહેતી. જો મહારાજા સિંહ આવો કોઈ નિર્ણય કરે તો યુવા મતદારો તેમનાથી નારાજ થઈ જાય.

આ બધા વચ્ચે પરીક્ષાના વિવાદો ચાલતા રહ્યા. ક્યારેક પરીક્ષા ચાલતી હોય ત્યારે ગેરરીતિ થાય એટલે પરીક્ષા રદ્ થાય. ક્યારેક પરીક્ષા પહેલાં પેપર ફૂટી જાય એટલે પરીક્ષા રદ્ રાખવી પડે. ક્યારેક પરીક્ષા હેમખેમ પૂરી થાય ને બધા વિદ્યાર્થીઓ રાહતનો શ્વાસ લેતા હોય ત્યારે ધડાકો થાયઃ 'પેપર તો અગાઉ જ ફૂટી ગયું હતું.' કોઈને કોઈ કારણથી પરીક્ષા નવેસરથી લેવાની ફરજ પડતી! જંગલમાં પરીક્ષા નામ સાથે 'કૌભાંડ' શબ્દ કાયમી જોડાઈ ચૂક્યો હતો. વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા.

મહાસીર માછલો મોંઘીદાટ ફી ભરીને કાયમી સરકારી નોકરી માટે તૈયારી કરતો હતો. બધી જ પરીક્ષા માટે ખૂબ મહેનત કરતો, પરંતુ દરેક વખતે નિરાશા મળતી. એના ખાસ દોસ્ત પ્રીત પારેવડાને ડૉક્ટર બનવું હતું. પક્ષીસમાજમાં રોગચાળો વધ્યો હતો. હવા-પાણીના પ્રદૂષણની સીધી અસર થતી હોવાથી શ્વાસને લગતી બીમારી વધતી જતી હતી. ડૉક્ટર બનીને એ સૌની સેવા કરવાની પ્રીત પારેવડાની ઈચ્છા હતી. તેણે ડૉક્ટર બનવા માટે ખૂબ મહેનત કરી હતી. બીજી બધી પરીક્ષાની સરખામણીએ આ પરીક્ષામાં ગરબડો ઓછી થતી એવી સૌની માન્યતા હતી, પરંતુ પ્રીત પારેવડાએ પરીક્ષા આપી એ જ સાંજે તેની ગર્લફ્રેન્ડ મંગળા માછલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને પેપર ફૂટી ગયાની શંકા વ્યક્ત કરી. તેની પોસ્ટ વાયરલ થઈ ગઈ.

મહારાજા સિંહે બબ્બન બિલાડાને તપાસ સોંપી. પ્રાથમિક તપાસમાં જણાયું કે વાંદરા સમાજની યુવાપાંખ 'તોફાની ટોળી'ના પ્રમુખ બબલુ બંદરે પેપર ફોડી નાખ્યું હતું અને ભણવામાં નબળા વાંદરાઓને પેપર આપી દીધું હતું. 'જંગલ ન્યૂઝ'ની એન્કર હસીના હરણીએ સવાલો ઉઠાવ્યાઃ 'આવા વાંદરાઓએ પરીક્ષા પાસ કરી લીધી હોત તો શું થાત? શું એ ડૉક્ટર બનીને સારવાર કરતા હોત? આ તો પેપર ફૂટયું એટલે ખબર પડી. પરંતુ કેટલા સમયથી આવું ચાલતું હશે એ કોણ કહેશે? જવાબદારી કોણ લેશે?'

વિપક્ષના નેતા સસલાભાઈએ હસીના હરણીનો વિડીયો પોસ્ટ કર્યો. મહારાજા સિંહ તુરંત બબલુની ધરપકડ કરે એવી માગણી કરી. સસલાભાઈએ તો એવી ડિમાન્ડ પણ કરી કે રાજા સિંહ વારંવાર પેપર લીક બાબતે જૅગલવાસીઓને કંઈક જાણકારી આપે. પેપર લીકની ઘટનાઓથી અકળાયેલા પ્રીત પારેવડાએ જંગલવ્યાપી આંદોલન શરૂ કર્યું. એની સાથે અસંખ્ય વિદ્યાર્થીઓ પ્રદર્શનોમાં જોડાયા. પ્રીત પારેવડાનો સાથ આપવા માટે મહાસીર માછલો પણ જોડાયો. સમુદ્રમાં, આકાશમાં અને ધરતી પર એમ બધે જ પ્રદર્શનો ચાલ્યાં. બબલુ બંદર અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો. એમાં વળી સસલાભાઈએ એક ફોટો પોસ્ટ કર્યો. એમાં બબલુ બંદર અને ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ સાથે ભોજન લઈ રહ્યા હતા. મહારાજા સિંહની પાર્ટીના નેતા વટપાડુ સાથે પેપર લીક કૌભાંડના માસ્ટરમાઈન્ડ બબલુ બંદરને ગાઢ સંબંધો છે એ સામે આવ્યું પછી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ તોડફોડ કરી.

જંગલની સરકારે તાત્કાલિક પગલાં ભર્યાં. પ્રીત પારેવડા અને મહાસીર માછલાને જંગલની સરકારી પ્રોપર્ટીમાં નુકસાન કરવા બદલ અને વિદ્યાર્થીઓને ઉશ્કેરવા બદલ જંગલદ્રોહના ગુનામાં જેલમાં પૂરી દીધા.

વિદ્યાર્થીઓનું આંદોલન સમેટાઈ ગયું.


Gujarat