mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બાજ સમાજ પર જંગલમાં ચૂંટણી યોજવાની જવાબદારી

Updated: May 2nd, 2024

બાજ સમાજ પર જંગલમાં ચૂંટણી યોજવાની જવાબદારી 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- બાજ સમાજને પશુ-પક્ષીઓ સાથે ખાસ મિત્રતા ન હતી. એ જ કારણે વર્ષોથી જંગલમાં ચૂંટણીની જવાબદારી બાજ સમાજને સોંપવામાં આવતી હતી

જંગલમાં ચૂંટણીની પરંપરા શરૂ થઈ ત્યારે સૌથી મહત્ત્વનો સવાલ ઉઠયો: ચૂંટણી નિષ્પક્ષ છે કે નહીં એનો ખ્યાલ કોણ રાખશે?

જંગલમાં પરિવારશાહી ચાલતી ત્યારે એવી કોઈ ચૂંટણી પ્રક્રિયાનો પ્રશ્ન ન હતો, પરંતુ જંગલશાહીમાં તો નિયત સમયે ચૂંટણી અનિવાર્ય હતી. વારંવાર ચૂંટણીઓ આવે ત્યારે એ યોજવા માટે એક સિસ્ટમ ગોઠવવી પડે. જંગલના સૌ પ્રાણી-પંખીઓએ મળીને જંગલશાહી માટેના નિયમો બનાવ્યાં. એમાં ચૂંટણીઓ માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ એની લાંબી ચર્ચા-વિચારણા ચાલી. ચૂંટણી કોની દેખરેખમાં થવી જોઈએ એની ચર્ચા થઈ.

શિયાળને ચૂંટણીની મધ્યસ્થી આપવા વિચારણા થયેલી, એમાં કૂતરા સમાજે ભારે વિરોધ કરેલો. સિંહ સમાજ તો ચૂંટણી લડીને નેતા બનવામાં રસ બતાવતો એટલે એના નામનો તો સવાલ જ નહોતો. કોઈએ વાઘ-દીપડાના નામ આપ્યા તો એનો હરણ-સસલા જેવા સમાજોએ વિરોધ કર્યો. ગાય તેની સારપને કડક પગલાં ભરી શકશે નહીં. ભેંસની આળસ જાણીતી હતી. વરસાદ આવી પડે તો ચૂંટણી અધવચ્ચે અટકી પડે ને ભેંસ ન્હાવામાં બિઝી થઈ જાય. ગીધને કામ સોંપી શકાય, એની આંખો તેજ, પણ એમાં પ્રાણી-પંખીઓએ સહિયારો વાંધો ઉઠાવ્યો. કાલ સવારે માંદલા પ્રાણી-પંખીઓ ગિફ્ટમાં આપીને કોઈ નેતા ચૂંટણી પ્રભાવિત કરાવી શકે એવો મુદ્દો આવ્યો એટલે ગીધની વિચારણા પડતી મૂકાઈ. પક્ષીઓના રાજા ગરૂડને કામ સોંપવામાં કોઈને વાંધો ન હતો, પરંતુ લાંબા ગાળે એમાં હિતોના ટકરાવનો પ્રશ્ન આવી શકે તેમ હતો. કાલ સવારે પક્ષીના રાજાને આખાય જંગલના રાજા થવાના કોડ જાગે ને ચૂંટણી લડે તો શું કરવું?

લાંબી ચર્ચા-વિચારણા પછી બાજ સમાજનું નામ મધ્યસ્થી તરીકે ફાઈનલ થયું. બાજ સમાજ જંગલમાં બીજા બધાથી ઘણો અલગ હતો એટલે બાજને દરેક ચૂંટણીની દેખરેખ રાખવાનું કામ સોંપાયું. એમાં પશુ-પંખીઓ, સરીસૃપો, દરિયાઈ જીવો, કીડી-મંકોડા સહિત સૌ સજીવો સંમત હતા. બાજની પસંદગીના આ મુખ્ય કારણો હતાં: 

- બાજની નજર ખૂબ તેજ હતી. એ આખાય જંગલને એક નજરમાં સ્કેન કરી શકે. તેથી ચૂંટણી વખતે થતી ચાલબાજી બાજની નજરથી બચી શકે નહીં.

- આકાશમાં ઉડતા બાજની નજર જંગલના ખૂણે-ખૂણે તો હોય જ, સમુદ્રના પેટાળમાં પણ એક આંખ ફરતી હોય.

- ક્યાં કેવી એક્ટિવિટી થઈ રહી છે અને તેનાથી ચૂંટણીને શું અસર થશે એ બાજ ત્વરાથી પકડી પાડે.

- મતદાન થતું હોય ત્યારે કોઈ અન્ય પ્રાણી-પંખીને બદલે બીજા કોઈએ મત આપ્યો તોય બાજને ખબર પડી જાય.

- બાજ સમાજ જંગલના બધા સમાજો સાથે બહુ હળતો-મળતો નહીં.

- અતડા રહેવું એ ગુણ ન ગણાય, પણ ચૂંટણી માટે જે તટસ્થતા જોઈએ એમાં બાજ સમાજનો અતડો સ્વભાવ ઉપયોગી હતો.

- બીજા સમાજો સાથે બને નહીં એટલે કોઈની તરફેણ કે ભેદભાવનો સવાલ ઉઠે નહીં.

- બાજ સમાજની રાજકીય મહત્ત્વાકાંક્ષા ન હતી. તેમને રાજા બનવું ન હતું કે મુખ્યમંત્રીપદ પણ જોઈતું ન હતું.

- સરકારી યોજનાઓમાં તેમને રસ ન હતો. બાજ સમાજ ખાવા-પીવામાં આત્મનિર્ભર હતો.

- બાજ સમાજ પક્ષીઓથી દૂર માળા બાંધતો એટલે દરરોજ પક્ષીઓ સાથે પણ બોલ-ચાલનો વહેવાર નહીં.

- પ્રાણીઓને તેમના સંપર્કમાં આવવાનું થતું જ નહીં.

નામ નક્કી થયા પછી બાજ સમાજની કેટલીક શરતો હતી:

- રાજા કે તેમના દરબારીઓ હુકમ ન કરી શકે. 

- ચૂંટણી માટે જરૂરી ચીજવસ્તુઓ લેવાનો ખર્ચ જંગલની સરકારે આપવો.

- ગરબડો કરતાં નેતાઓ પર લાલ આંખ કરવાની સત્તા.

- મતદાર યાદી તૈયાર કરવાની મોકળાશ અને એમાં સરકારની મદદ.

- ચૂંટણી ચાલતી હોય ત્યારે બાજ સમાજ નક્કી કરે એ નિયમ ચાલશે.

ને એ રીતે જંગલમાં એક પછી એક ચૂંટણીઓ યોજાવા લાગી. શરૂઆતમાં તો નેતાઓ ચૂંટણી વખતે બાજ સમાજનું માન જાળવતા. તેમની ટકોરને ગંભીરતાથી લેતા. ઘણી વખત આકરો ઠપકો આપ્યો હોય કે લાલ આંખ કરી હોય તોપણ નેતાઓ સ્વીકારી લેતા.

પણ જંગલના નેતાઓની પેઢીઓ બદલાતી ગઈ એમ પરિસ્થિતિ બદલાતી ચાલી. નિષ્પક્ષ ચૂંટણી થાય એ મુખ્ય હેતુ હતો. પછી નેતાઓનો ઈરાદો બદલાયો. ગમે તેમ કરીને ચૂંટણી જીતવા માટે મેદાને પડતા નેતાઓ વારંવાર નિયમોનો ભંગ કરવા માંડયા તેનાથી આખોય બાજ સમાજ એનાથી પરેશાન થઈ ગયો. ચૂંટણીમાં સામસામી એટલી ફરિયાદો થવા માંડી કે બાજ નજર રાખતો બાજ સમાજ ક્યાં નજર રાખવી એમાં મુંઝાઈ જતો. એક સ્થળે નજર રાખે તો બીજે ગરબડ થાય. બીજે નજર રાખે તો ત્રીજે ગરબડો થાય.

જંગલશાહીની શરૂઆત થઈ ત્યારે બાજ સમાજને ચૂંટણીનું સુકાન સોંપવા ઘણી ચર્ચા થયેલી, પરંતુ મહત્ત્વની વાત જ ભૂલાઈ ગઈ. નિયમો બનાવવાની મોકળાશ તો બાજ સમાજને મળી. ઠપકો આપવાની સત્તાય મળી ગઈ, પરંતુ સજા કરવાની જોગવાઈ જ ન થઈ. થોડી-ઘણી સજા મળે તો એમાંથી મુક્તિ મેળવવાની તરકીબો નેતાઓએ શોધી કાઢી.

આખરે બાજ સમાજે ફરિયાદો થાય તો ઠપકો આપીને સંતોષ માનવાનું શરૂ કર્યું, કારણ કે નેતાઓની પેઢીઓ બદલાઈ હતી એમ જનરેશન તો બાજ સમાજની પણ બદલાઈ ચૂકી હતી. એમણે નવું સૂત્ર અપનાવ્યું: ઘર્ષણ ઓછું કરો, ચૂંટણી પૂરી કરો!

Gujarat