For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જંગલમાં 'નામ બદલો સમિતિ' બનાવવાની માગણી

Updated: Mar 2nd, 2023

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- મહારાજા સિંહના રાજમાં નામ બદલવાની ઉજ્જવળ પરંપરા શરૂ થઈ હતી, તેના ભાગરૂપે ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ નામ બદલો સમિતિ રચવાનું કેમ્પેઈન શરૂ કર્યું

'જો સિસ્ટમ ન બદલી શકો તો નામ બદલો!' મહારાજા સિંહે એક ભાષણ વખતે આ સૂત્ર આપ્યું હતું. આ સૂત્ર પરથી તો મહારાજા સિંહના સમર્થક લેખકોએ વિચાર વિસ્તારો કર્યા હતા. એનો સૂર કંઈક આવો હતોઃ 'મહારાજા સિંહના વિઝન સાથે સહમત થયા વગર છૂટકો નથી. જંગલ અત્યાર સુધી મૃતકાળમાં હતું, એટલે કે કોઈ ઓળખતું ન હતું. મહારાજા સિંહ આ જંગલને અમૃતકાળમાં દોરી લાવ્યા છે ત્યારે તેમની દીર્ઘદૃષ્ટિ પ્રમાણે વિચારવું પડશે. આપણે આટઆટલા રાજા બદલ્યા છતાં જંગલને જે ઓળખ મળવી જોઈએ તે મળી નથી. અગાઉના રાજા સિંહ તો મૌન રહેતા હતા એટલે આપણા જંગલનો અવાજ ક્યાંક ગૂંજતો ન હતો. આપણા આ મહારાજા સિંહ બોલીને બોર વેચી નાખે છે, તેથી હવે આપણે સૌએ તેમના સૂત્રને અનુસરવું જોઈએ. તેમણે જે મહાન સૂત્ર આપ્યું છે એ પ્રમાણે નામ બદલવાની દિશામાં ગંભીરતાથી વિચારવું જોઈએ. વિરોધપક્ષના સસલાભાઈ જંગલજોડો યાત્રા કરીને ભલે બધાને ઉશ્કેરતા હોય, પરંતુ એ તરફ ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી. આપણે ધ્યાન આપીએ આ સૂત્ર તરફઃ 'જો સિસ્ટમ ન બદલી શકો તો નામ બદલો.' આમાં મહારાજા સિંહના કહેવાનો અર્થ એવો છે કે આપણે સીધી રીતે જે કરી શક્યા નથી એ બધાના નામ બદલી નાખીએ તો આખી સિસ્ટમ જ બદલાઈ જશે. વંદે જંગલમ્, જંગલ માતા કી જય!'

આ પ્રકારના લેખો જંગલના વોટ્સએપમાં ખૂબ ફોરવર્ડ થતા હતા. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા, બકુલેશકુમાર બળદ, હોલો હઠીલો, કાગડો કંકાસિયો વગેરે તો આવા લેખોની રાહ જોતા અને જેવું આ મટિરીયલ તેમના હાથમાં આવે કે કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલા નામ હોય એ બધા સુધી પહોંચાડી દેવાનું મહામૂલું કામ કરતા હતા. કોઈ ધારેલું કામ ન થાય તો ચિંતા છોડો, એનું નામ જ બદલી નાખો - એ મતલબનું મહારાજા સિંહનું સૂત્ર જંગલમાં તમામ વર્ગોમાં ભારે લોકપ્રિય થયું. વિદ્યાર્થીઓએ માર્કશીટમાં 'નાપાસ' રિઝલ્ટનું નામ બદલીને 'ફર્સ્ટક્લાસ' કરી દેવાની માગણી સાથે ઓનલાઈન કેમ્પેઈન ચલાવ્યું. જંગલમાં 'હાઉસવાઈફ' શબ્દ ધીમે ધીમે આઉટડેટેડ થઈ ગયો હતો અને તેના સ્થાને 'વર્કિંગમાદા' શબ્દ પોપ્યુલર થયો હતો. પરિણામે આ બન્ને શબ્દોના મિશ્રણ એવા 'હાઉસવર્કિંગ' શબ્દ માટે બકુલાબહેન બકરીના નેતૃત્વમાં ઝુંબેશ શરૂ થઈ હતી. પાડાકુમાર પંચાતિયાએ જંગલના ખેડૂતો માટે આંદોલન શરૂ કર્યું હતું. 'ખેડૂત' શબ્દ થોડો ઓલ્ડફેશન લાગતો હોવાનું પાડાકુમારને લાગ્યું એટલે એને નામ બદલીને 'એગ્રીમેન' રાખવાનું વિચાર્યું હતું. બિઝનેસમેન જેવું ઉચ્ચારણ થતું હોવાથી ખેડૂતો માટે ઉદ્યોગપતિઓની જેમ મોટા મોટા કૌભાંડો કરીને પૈસાદાર બનવાની તક સર્જાશે એવું પણ પાડાકુમારને લાગતું હતું.

મહારાજા સિંહનું સૂત્ર ક્લિક થયું છે એ જાણીને ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ જંગલવ્યાપી કેમ્પેઈન શરૂ કરવાનું બિડું ઝડપ્યું. ઘેટાભાઈની માગણી હતી કે જંગલમાં જેમ આરોગ્ય, શિક્ષણ, આર્થિક આયોજન વગેરે માટે ખાસ સમિતિઓ છે એમ 'નામ બદલો સમિતિ' પણ હોવી જોઈએ. મહારાજા સિંહના પક્ષના ભક્ત શિરોમણી કાર્યકરને સમિતિના ચેરમેન બનાવીને એમાં સભ્યો તરીકે એક દરબારી, એક સાંસ્કૃતિક કાર્યકર, એક જંગલની મહાન પરંપરાઓ વિશે લખતો લેખક, એક મહારાજા સિંહની પ્રશંસાને સમર્પિત લેખક અને એક ડિબેટમાં જંગલનો મજબૂત પક્ષ રજૂ કરીને ગમે તેની સાથે લડી શકતો રાજકીય નિષ્ણાતનો સમાવેશ કરવો જોઈએ. આ સમિતિ જંગલની મહાન પરંપરાના આધારે સ્થળો, સ્મારકો, શહેરો, ગામડાં, સિસ્ટમ વગેરેનું નામકરણ કરશે અને તેનાથી જંગલનો સુવર્ણકાળ શરૂ થશે.

મહારાજા સિંહને આ જબરો આઈડિયા ગમી ગયો. ભક્ત શિરોમણી ઘેટાભાઈ ઘાસફૂસિયાના સૂચન મુજબ સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર થયો. મહારાજા સિંહ તો આમેય નામ બદલવાના હિમાયતી હતા. એમણે તો સમિતિ બનાવીને સૌથી પહેલાં મોંઘવારી-બેરોજગારી-ગરીબી-ભૂખમરો વગેરેનું નામ બદલવા સૂચનો મંગાવ્યા. વળી, જંગલની ઓળખ 'વિકસિત જંગલ' તરીકે થાય એ માટે આદેશ આપ્યો. તેમના શાસનકાળ માટે 'સુવર્ણકાળ' શબ્દનો પ્રચાર થવો જોઈએ એવી તાકીદ કરી. મહારાજા સિંહ ઈચ્છતા હતા કે સેંકડો વર્ષો પછી તેમનું શાસન સુવર્ણકાળના રૂપમાં જાણીતું બને, પણ સરકારી રાહે એટલું કામ થયું ન હતું એટલે તેમના રાજમાં 'સુવર્ણકાળ' ઉમેરી દેવાનો વિકલ્પ વધારે સહેલો લાગ્યો.

ઘેટાભાઈ ઘાસફૂસિયા ઊંચા-નીચા થતા હતા. સમિતિના અધ્યક્ષની નિમણૂક બાકી હતી. મહારાજા સિંહ સહી કરે એટલી જ વાર હતી. ઘેટાભાઈ ઘાસફૂસિયા આ આખી સમિતિના મૂળમાં હતા એટલે એમના સિવાય કોઈને ચેરમેન બનાવાય એવી શક્યતા તો નહોતી, પરંતુ થોડા દિવસ પછી 'જંગલ ન્યૂઝ'માં બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થયાઃ

'મહારાજા સિંહની સરકારે બનાવેલી 'નામ બદલો સમિતિ'ના અધ્યક્ષ તરીકે હોલાજી હઠીલાની વરણી...

હોલાજી હઠીલાએ બદલ્યું નામ...

'નામ બદલો સમિતિ'ના અધ્યક્ષ માટે 'ભક્ત શિરોમણી કાર્યકર' હોવું જરૂરી હતું, માટે હોલાજીએ તુરંત નામની આગળ લગાવ્યું ભક્ત શિરોમણી કાર્યકર...

...અને આમ મહારાજા સિંહે નામ બદલો સમિતિના અધ્યક્ષનું નામ જ છેલ્લી ઘડીએ બદલી નાખ્યું!

Gujarat