Get The App

નેકનામમાં નેક કામ: રૂપિયાનો સિક્કો નાખવાથી 9 લિટર ફિલ્ટર્ડ પાણી આપતું વેન્ડિંગ મશીન

Updated: Mar 1st, 2023

GS TEAM

Google News
Google News
નેકનામમાં નેક કામ: રૂપિયાનો સિક્કો નાખવાથી 9 લિટર ફિલ્ટર્ડ પાણી આપતું વેન્ડિંગ મશીન 1 - image


છેલ્લાં 8 વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા કરાતું સંચાલન ગામ લોકોને નિયમિત ચોખ્ખું પીવાનું પાણી મળી રહેતા પાણી જન્ય બીમારીઓનું પ્રમાણ પણ નહીંવત બન્યું

મોરબી. :  આજના આધુનિક યુગમાં વેન્ડીંગ  મશીનથી સૌ કોઈ પરિચિત હોય છે. મોરબી જિલ્લામાં એક એવું વેન્ડીંગ મશીન કાર્યરત છે.  જેમાંથી વસ્તુ નહીં પણ પાણી મળે છે. અને આ મશીનમાં એક રૂપિયો નાખો એટલે ૮ લીટર પાણી મળે છે એ પણ ફિલ્ટર વોટર.  ટંકારા તાલુકાનું નેકનામ ગામ તેના વોટર વેન્ડીંગ  માટે જાણીતું બન્યું છે નેકનામ ગામમાં ૪ હજારથી વધુની વસ્તી છે. અને લોકો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ છે લગભગ ૮ વર્ષ પહેલા ગ્રામ પંચાયતના પ્રયાસોથી ગામના અગ્રણી દ્વારા ગ્રામ પંચાયતને આ વોટર વેન્ડીંગ મશીન અર્પણ કરવામાં આવ્યું. ત્યારથી આજ સુધી ગ્રામ પંચાયત દ્વારા અવિરતપણે આ વોટર વેન્ડીંગ મશીન યોગ્ય સંચાલન કરવામાં આવી રહ્યું છે અને ગ્રામજનો આ સુવિધાનો ખૂબ સારી રીતે લાભ મેળવી રહ્યા છે.

 ગ્રામ પંચાયત દ્વારા પાઈપલાઈનની મદદથી નર્મદાનું પાણી એક કુવામાં ઠાલવવામાં આવે છે. આ કુવાનું પાણી વોટર ફિલ્ટર સુધી લાવવામાં આવે છે જ્યાં આ પાણીને સંપૂર્ણ રીતે ફિલ્ટર કરવામાં આવે છે. આ ફિલ્ટર દર કલાકે ૮૦૦ થી ૧૦૦૦ હજાર લીટર પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યાંથી આ પાણી વોટર મશીનમાં  આવે છે. ત્યારબાદ ગ્રામજનો ૧ રૂપિયો નાખી સરળતાથી પાણી મેળવી શકે છે. વોટર વેન્ડીંગ મશીન થકી લોકોને નજીવા દરે ચોખ્ખું પાણી નિયમિત પણે મળી રહે છે. પાણી સાવ મફતમાં ન મળતું હોવાથી લોકો પાણીની કિંમત સમજે છે જેથી પાણીનો નહિવત બગાડ થાય છે અને ચોખ્ખું પાણી મળતું હોવાથી પાણીજન્ય રોગ થવાની પણ સંભાવનાઓ નહિવત થઈ જાય છે.

વોટર વેન્ડીંગ મશીન વિશે વાત કરતા ગામના સરપંચ કનકસિંહ ઝાલા જણાવે છે કે, આજ થી લગભગ ૮ વર્ષ પહેલા ગ્રામ પંચાયતને ગામના અગ્રણી દ્વારા આ ફિલ્ટર અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી ગ્રામ પંચાયત દ્વારા સુયોગ્ય રીતે તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગામના લોકોને નજીવા દરે આ વોટર વેન્ડીંગ મશીનની મદદથી નિયમિત રીતે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે રૂપિયા આ વોટર વેન્ડીંગ મશીનમાં એકત્ર થાય છે તેનો વોટર વેન્ડીંગ મશીનના  મેન્ટેનેશનમાં ઉપયોગ કરવામાં આવે છે. 

Tags :