Get The App

પશ્ચિમમાં બોલિવુડની ઇમેજ ખાસ બદલાઈ નથી : શબાના આઝમી

Updated: May 25th, 2023

GS TEAM


Google News
Google News
પશ્ચિમમાં બોલિવુડની ઇમેજ ખાસ બદલાઈ નથી : શબાના આઝમી 1 - image


- 'ઘણા લોકો મને પૂછે છે કે આટલા બધા લેખકો સાથે રહેવા છતાં તને લખવાનું મન નથી થતું? તેમને હું એક જ જવાબ આપું છું કે હું આ બધાની પ્રેરણામૂર્તિ છું.'

શબાના આઝમી હમેશાંથી તેના શ્રેષ્ઠ અભિનય ઉપરાંત પોતાના વિવિધ કામો વચ્ચે સંતુલન જાળવવા જાણીતી છે. તાજેતરમાં આ વાત વધુ એક વખત પુરવાર થઈ ગઈ. તેણે હોલિવુડની સ્ટીવન સ્પિલબર્ગની સિરીઝ 'હેલો'નું કામ પૂરું કર્યું અને હવે તે કરણ જોહરની 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં મહત્ત્વની ભૂમિકા કરશે.

હોલિવુડમાં કામ કર્યા પછી શબાનાને લાગે છે કે પશ્ચિમી દેશોમાં બોલિવુડની છબિ જેટલા પ્રમાણમાં બદલાવી જોઈએ એટલી નથી બદલાઈ. અલબત્ત, અભિનેત્રીને એ વાતની ખુશી છે કે હવે ભારતની ફિલ્મો તેમ જ ગીતો ઓસ્કર પારિતોષિક મેળવી રહ્યાં છે. તે કહે છે કે હવે ભારતીય સિનેમા આંતરરાષ્ટ્રીય એવૉર્ડ્સ મેળવી રહ્યાં છે એ સુધારો ઉડીને આંખે વાગે એવો છે. અગાઉ ભારતીય ફિલ્મોની ઓળખ સત્યજીત રે, શ્યામ બેનેગલ કે મૃણાલ સેન પૂરતી સીમિત હતી. પશ્ચિમી દેશોની આ મર્યાદિત ઓળખ વિસ્તૃત બની છે.

શબાના આઝમીએ હિન્દી ફિલ્મોદ્યોગને અપાયેલા 'બોલિવુડ' નામનો હંમેશાથી વિરોધ કર્યો છે. તે કહે છે કે હોલિવુડના લોકો માને છે કે બોલિવુડ એટલે હોલિવુડની નકલ જ્યારે આ વાત સાચી નથી. ભલે હવે આ માન્યતા અગાઉની તુલનામાં મોળી પડી છે. તે વધુમાં કહે છે કે અગાઉ બોલિવુડ ફિલ્મો એટલે ગીતો અને નૃત્ય એમ માનવામાં આવતું હતું, પણ મને એ વાતની ખુશી છે કે હવે આ સિનારિયો પણ બદલાયો છે.

૭૨ વર્ષની ઉંમરે પણ શબાના પગ વાળીને બેસતી નથી એ તેની કળા પ્રત્યેની લગન પૂરવાર કરે છે. સાથે સાથે તે કંઈકેટલાય લોકોની પ્રેરણા પણ બની છે. અદાકારા કહે છે કે હું લેખક-કવિ કૈફી આઝમીની પુત્રી, જાવેદ અખ્તરની પત્ની અને જાં નિસાર અખ્તરની પુત્રવધૂ છું. ઘણા લોકો મને પૂછે છે કે આટલા બધા લેખકો સાથે રહેવા છતાં તને લખવાનું મન નથી થતું? તેમને હું એક જ જવાબ આપું છું કે હું આ બધાની પ્રેરણામૂર્તિ છું.

શબાના તેની આગામી મૂવીમાં પ્રતિક બબ્બર સાથે કામ કરવાની છે. તેણે શેખર કપૂરની રોમાંટિક કૉમેડીમાં પણ કામ કર્યું. તે કહે છે કે ૪૦ વર્ષના લાંબા અંતરાલ પછી મને શેખર કપૂર સાથે કામ કરવાનો અનેરો આનંદ આવ્યો. મેં મારી સૌપ્રથમ ફિલ્મ 'માસૂમ' (૧૯૮૩) શેખર કપૂર સાથે કરી હતી. મને મારી માનીતી અભિનેત્રી એમ્મા થોમ્પ્સન સાથે કામ કરવાનું પણ બહુ ગમ્યું હતું. ચાર ચાર દશક સુધી હિન્દી ફિલ્મોદ્યોગમાં હોવાથી આ ઈન્ડસ્ટ્રીમાં આવેલા પરિવર્તનને શબાનાએ સગી આંખે જોયો છે. તે કહે છે કે અગાઉ એક ફિલ્મના પ્રી અને પોસ્ટ પ્રોડક્શન વર્ક પાછળ ત્રણેક મહિના જેટલો સમય લાગતો અને તેનું શુટિંગ બબ્બે વર્ષ સુધી ચાલતું, પણ હવે આ સિનારિયો બદલાયો છે. હવે ફિલ્મનું શુટિંગ માત્ર એક વર્ષમાં પૂરું થઈ જાય છે અને શુટિંગ પહેલાના તેમ જ પછીના કામમાં એક વર્ષ જેટલો સમય ફાળવવામાં આવે છે. તે વધુમાં કહે છે કે ઘણાં કલાકારો તો એકી વખતે એક જ મૂવી કરે છે. સ્વાભાવિક રીતે જ તેમને પોતાના પાત્રની જરૂરિયાત અનુસાર પોતાનો લુક બદલવા પૂરતો અવકાશ રહે છે.

શબાના આઝમી તેજ દિમાગ અને આખાબોલી અદાકારા છે. તેણે ક્યારેય કોઈની પરવા નથી કરી. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાના ટ્રોલરોને તો અભિનેત્રી લગીરેય નથી ગણકારતી. તે કહે છે કે ચોક્કસ ટ્રોલરોએ કેટલીક ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાના ધમપછાડા કર્યાં, પરંતુ 'પઠાન'ની સફળતા પછી તેમને ચૂપ થઈને બેસી જવું પડયું. આમાંના મોટાભાગના ટ્રોલરોના ૧૦ જેટલા ફોલોઅર્સ પણ નથી. તો તેમના બકવાસની પરવા શા માટે કરવી જોઈએ?   

Tags :