For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઝબુ ખિસકોલી અને અમુ ઉંદર .

Updated: Apr 27th, 2024

ઝબુ ખિસકોલી અને અમુ ઉંદર                          .

- કિરીટ ગોસ્વામી

જા મફળનાં ઝાડ પર એક ખિસકોલી રહે. એનું નામ ઝબુ.

ઝબુ રોજ-રોજ તાજાં જામફળ ખાય ને મજા કરે! ચિક ચિક ગાય ને આમથી તેમ દોડાદોડ કરતી રહે! તેની સરસ પૂંછડી ડોલાવતી રહે અને ક્યારેક ડાન્સ પણ કરી લે!

જામફળનાં ઝાડ નીચેના એક દરમાં એક ઉંદર રહે. એનું નામ અમુ.

અમુ ખોરાકની શોધમાં દરની બહાર આવે. ક્યારેક તાજી હવા ખાવા પણ બહાર આવે. ક્યારેક ક્યારેક અમુ અને ઝબુ સામસામે મળે અને એકબીજાંને 'હલ્લો- હાય' કરી લે. એમ કરતાં બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ.

એક દિવસ ઝબુ ઝાડ પર બેઠી બેઠી જામફળ ખાઇ રહી હતી ને અમુ ઝાડ નીચે બેસી તેની સાથે વાતો કરતો હતો.

વાતવાતમાં અમુએ પૂછયું- 'ઝબુ, આ તું રોજ-રોજ શું ખાય છે?'

'જામફળ છે! મસ્ત, મીઠાં જામફળ!' ઝબુએ કહ્યું.

'જામફળ તો મને પણ ભાવે!' અમુ બોલ્યો.

'તો લે ને, આ રહ્યાં ઘણાં જામફળ... ખા તું પણ!' એમ કહીને ઝબુએ જામફળ તોડી નીચે ફેંક્યું.

અમુએ પણ જામફળ ખાધું. તેને બહુ મજા આવી ગઇ.

આ રીતે પછી તો રોજ રોજ ઝબુ અમુને જામફળ ખવડાવે. ડાળ પર ઝબુ અને જમીન પર અમુ! બંને જામફળ ખાતાં જાય અને અલકમલકની વાતો કરતાં જાય. બંનેની દોસ્તી પણ આ રીતે વધારે મજબૂત બની ગઈ. એક દિવસ વાતવાતમાં ઝબુનું ધ્યાન ન રહ્યું ને તેનાથી અમુને સડેલું જામફળ અપાઇ ગયું. જામફળ હાથમાં લઈ, સ્હેજ ખાતાં જ થૂંકી નાખ્યું અને ગુસ્સાભેર ઝબુને કહ્યું- 'આવું જામફળ તે કદી ખવાય? આવું જામફળ તેં મને આપ્યું? તને શરમ ન આવી? સડેલું જામફળ આપી દેવાય આમ? અક્કલ છે કે નહીં તને?'

અમુએ ગુસ્સામાં ઘણું બઘું બોલી નાખ્યું. ઝબુએ કંઇ જવાબ ન આપ્યો. અમુ નારાજ થઈને ચાલ્યો ગયો. ઝબુને દુઃખ થયું. પોતે જાણી જોઇને અમુને સડેલું જામફળ નહોતું આપ્યું છતાં અમુએ ખૂબ ગુસ્સો કર્યો. તેથી ઝબુની આંખે આંસુ આવી ગયાં.

બે દિવસ નીકળી ગયા. અમુ દરની બહાર ન આવ્યો. ઝબુ રાહ જોઈને આખર ત્રીજા દિવસે સામેથી અમુની પાસે ગઇ.

અમુ ચૂપચાપ દરમાં બેઠો હતો. ઝબુએ તેની પાસે જઈને કહ્યું- 'સારી, યાર! મેં તને સડેલું જામફળ આપ્યું એ બદલ મને માફ કરી દે! પણ ભૂલથી અપાઇ ગયું હતું. મેં જાણી-જોઇને આમ કર્યું નહોતું. સારી..!'

અમુએ ઝબુની સામે જોયું. પછી કહ્યું- 'ના, યાર! વાંક તારો નથી! ખરો ગુનેગાર તો હું છું! આટલા સમયથી રોજ-રોજ, તું મને સરસ મજાનાં જામફળ ખવડાવે છે એ બદલ તારો આભાર ક્યારેય મેં ન માન્યો... પણ એક દિવસ ભૂલથી સડેલું જામફળ મળ્યું તો હું ગુસ્સામાં સાવ ભાન જ ભૂલી ગયો. આપણી દોસ્તી પણ ભૂલીને તને ન કહેવાનું કહી દીધું. માફી મારે માગવી જોઈએ. આઇ એમ સારી!'

ઝબુની આંખો ભીની થઇ ગઇ. તેણે કહ્યું- 'છોડ યાર એ બધું! દોસ્તીમાં એવું તો ચાલ્યા કરે! ચાલ, તને ભૂખ લાગી છેને? બે દિવસથી અંદર જ હતો!'

'હમમ...' અમુએ કહ્યું- 'તેં પણ ખાધું નહીં જ હોય!'

ઝબુએ કહ્યું- 'હા, ચાલ! તાજાં જામફળ ખાઇએ ને બધું ભૂલીને આપણી દોસ્તી જ યાદ રાખીએ!'

'હા, ચાલ!' અમુએ કહ્યું.

ઝબુ અને અમુએ ધરાઇને જામફળ ખાધાં અને ફરીથી બંને ખુશ થઇ ગયાં! 

Gujarat