For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જીંદગીની કિંમત .

Updated: Apr 26th, 2024

જીંદગીની કિંમત                                    .

- મારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે તેમણે મને કોઈ ખોડખાંપણ આપી નથી. હું મારી જાતને દુઃખી અને લાચાર માનતો હતો. હું તો આ બધા કરતાં ઘણો વધારે નસીબદાર અને સુખી છું.

ભારત પી. શાહ

ખ ળખળ વહેતી કૃષ્ણા નદી. નદીને કિનારે સુંદર શિવનું મંદિર. આ શિવનું મંદિર એટલે આખા ગામની શ્રદ્ધાનું સ્થાનક. ભાવિક લોકો રોજ અહીં દર્શન કરવા આવે. શિવમંદિરમાં બધા જ નાના-મોટા ધાર્મિક ઉત્સવો ઉજવાય. શ્રીમદ્ ભાગવત સપ્તાહ, રામાયણ પાઠ, શિવપુરાણ પાઠનાં આયોજન મંદિરના ચોગાનમાં ગોઠવાય. કલ્યાણકારી શિવની મંગલ આરતીમાં માત્ર ગામના જ લોકો જ નહીં, પરંતુ આજુબાજુના ગામના લોકો પણ ભાગ લેતા. એક ગામથી બીજે ગામ વિહરતા સાધુ-સંન્યાસી અહીં થોભતા અને શિવની આરાધના કરતા.

આજે મૌન એકાદશી હતી. તેથી ભજન-કીર્તન કરવા માટે ગ્રામજનો શિવમંદિરમાં ભેગા થયા હતા. બધાએ ભક્તિભાવથી ભજન ગાયાં. પ્રસાદ વહેંચાયો. પછી ગ્રામજનો ખુશીખુશી વિખરાયા, પણ ચૌદ-પંદર વર્ષનો એક છોકરો મંદિરના પગથિયે મોડે સુધી બેસી રહ્યો. તે ઉદાસ અને હતાશ જણાતો હતો. થોડીવાર પછી તે ઊભો થયો અને ધીમા ડગલા ભરતો તે ગામ તરફ વળ્યો. અચાનક તેના પગ થંભી ગયા. તેની નજર કૂવા પર પડી. તે ક્યાંય સુધી કૂવાને નિહાળીને કંઈક વિચારતો રહ્યો. પછી ઝડપથી ચાલીને તે કૂવાની પાળ પર ચડી ગયો. એ છલાંગ મારવા જતો હતો એ જ ઘડીએ પાછળથી કોઈ બે હાથોએ તેને પકડીને પાછો ખેંચી લીધો. છોકરો સીધો જમીન પર પટકાયો. એ ગભરાયેલી નજરે પોતાનો જીવ બચાવનારને જોવા લાગ્યો. છોકરાને બચાવનાર દક્ષિણ ભારતના સંન્યાસી રામનાથ સ્વામી હતા. તેમણે બાળકનો હાથ ઝાલીને એક ઝાડ નીચે બેસાડયો, તેના માથે હાથ ફેરવ્યો. બાળક ધુ્રસ્કે ધુ્રસ્કે રડવા લાગ્યો. રામનાથે તેને શાંત પાડયો. આવું અઘટિત પગલું ભરવાનું કારણ પૂછ્યું.

છોકરો ક્યાંય સુધી નીચી નજર રાખી રડતો રહ્યો. પછી બોલ્યો, 'મારું નામ બાલાપ્રસાદ છે. હું નાનો હતો ત્યારે જ મારા પિતા મૃત્યુ પામ્યા હતા. મારી માતાએ લોકોનાં ઘરના કામકાજ કરી ઉછેર્યો હતો. આર્થિક સ્થિતિ સુધારવા માટે તે ગજા ઉપરાંત કામ કરતી હતી, પરિણામે માંદી પડી અને મૃત્યુ પામી. આજે હું સાવ એકલોઅટૂલો થઈ ગયો છું. મને જીંદગી ખૂબ નીરસ લાગે છે. મારી પાસે કમાણીનું કોઈ સાધન નથી. ઘરની ચીજવસ્તુઓ વેચીને મેં આજ સુધી મારો ગુજારો કર્યો, પણ હવે ઘરમાં કશું વેચવા માટે બચ્યું નથી. શું ખાવું અને શું પીવું? શું કરું અને ક્યાં જાઉં? સગાવ્હાલા પણ મોં ફેરવી ગયા. આવી જીંદગીનું હું શું કરું?' 

આટલું બોલીને બાલાપ્રસાદ પાછો મોટેથી રડવા લાગ્યો.

'બેટા, તું તારી જીંદગીને નિરર્થક માને છે. વળી, તું માને છે કે તારા માટે જીવનનો કોઈ માર્ગ નથી, એટલે આત્મહત્યા કરી લેવી જોઈએ. એમ જ ને?' સ્વામી બોલ્યા.

'આવી દુઃખી જીંદગી જીવીને શું કરું?' બાલાપ્રસાદે કહ્યું.

'બેટા, તારી જીંદગીને ખતમ કરવાને બદલે બીજા કોઈને માટે વાપરી નાખ. આમ કરવાથી તારા આત્માનું કલ્યાણ થશે, અને બીજી કેટલીય જીંદગીનો ઉદ્ધાર થશે. તું એમ માન કે તારી જીંદગી તારા માટે નથી, પરંતુ બીજાના માટે છે.'

બાલાપ્રસાદે રામનાથ સ્વામીની વાત ધ્યાનથી સાંભળી તેને શાંતિનો અનુભવ થયો. બાલાએ મનોમન નક્કી કર્યું કે પોતે પોતાની નિરર્થક જીંદગીને સાર્થક બનાવવા માટે બીજાના માટે વાપરશે. તેણે રામનાથના પગ પકડી લીધા અને બોલ્યો: સ્વામીજી, હું આપના શરણમાં છું. આપના આશ્રયમાં છું. હું આપના ચીંધેલા માર્ગે ચાલીને, મારી જીંદગી મારું સર્વસ્વ બધું બીજાઓ માટે સમર્પિત કરવા માગું છું.

રામનાથે બાલાના મસ્તક પર હાથ મૂક્યો.

આશ્રમ નાનો હતો. તેમાં માત્ર એક જ ઓરડો હતો. આશ્રમની પરસાળમાં કાળી કૂતરી તેના ગલૂડિયા સાથે બેઠી હતી. આશ્રમની પાસે નાની વાડી જેવી જગ્યા હતી. ત્યાં પક્ષીઓ માટે ચબૂતરો હતો. એક ઝાડ નીચે નાના ગોખલા જેવાં ઘર હતાં. તેમાં બે-ચાર સસલાનો વાસ હતો. એક બાજુ આ બધાને પીવા માટે પાણી ભરેલાં ડબલાં મૂકેલાં હતાં. રામનાથ સ્વામી હસતા હસતા બોલ્યા,'બાલા, આ મારો પરિવાર છે. હું ભિક્ષા માંગી લાવું છું. હું ખાઉં છું અને મારા પરિવારના સભ્યોને પણ ખવડાવું છું. ગ્રામજનો ઘણીવાર દાનમાં અનાજ આપી જાય છે. રાત્રે હું અહીં ભજનકીર્તન કરું છું. ગ્રામજનોની સાથે મારા પરિવારના સભ્યો પણ અહીં આવીને બેસે છે. અમે બધા એકબીજાના સુખદુઃખના સાથી છીએ.' 

આ સાંભળીને બાલાની આંખો હસી ઉઠી.

બીજે દિવસે સવારે રામનાથ બાલાને અંધ અને અપંગ બાળકોના આશ્રમમાં લઈ ગયા. તેઓ બોલ્યા, 'આખો દિવસ તું અહીં રોકાજે. આ બાળકોને મદદ કરજે. મેં વ્યવસ્થાપક સાથે વાત કરી છે. અહીં તને ભોજન પણ મળશે.' 

આટલી સૂચના આપી રામનાથ વિદાય થયા.

બાલા આશ્રમમાં રોકાયો. તે અપંગોને તેમના કામમાં મદદ કરવા લાગ્યો. તેણે જાતે અપંગોને ભોજન પીરસ્યું. અંધ બાળકોને વાર્તાઓ સંભળાવી, એમને જમાડયા. આ બધાં કામ કરવાથી તેનું હૈયું હળવું બન્યું અને તે વિચારવા લાગ્યોઃ મારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે તેમણે મને કોઈ ખોડખાંપણ આપી નથી. હું મારી જાતને દુઃખી અને લાચાર માનતો હતો. હું તો આ બધા કરતાં ઘણો વધારે નસીબદાર અને સુખી છું.

સાંજે રામનાથ સ્વામીની સાથે બાલાપ્રસાદ આશ્રમમાં આવ્યો. નિત્ય ક્રમ અનુસાર ભોજન બાદ તેમણે ભજનકીર્તન કર્યું.

એકવાર રામનાથ સ્વામી તેને અનાથાલય લઈ ગયા. બાલા આખો દિવસ અનાથાલયમાં રોકાયો. તેણે જાણ્યું કે આ બધાં બાળકો પણ પોતાની જેમ અનાથ છે અને આ સંસ્થામાં રહીને ઉછરી રહ્યા છે. બધાં બાળકો કામ જાતે કરતાં હતાં. તેઓ ભેગા મળી રસોઈ કરતાં, વાસણ સાફ કરતાં, કપડાં ધોતાં, અને સરકારી શાળામાં ભણવા જતાં હતા. વળી, રાત્રે જમ્યા બાદ અભ્યાસ કરતાં હતાં. બધાં એકબીજાની સાથે હળીમળીને રહેતાં હતાં. સૌ એકબીજાના સુખદુઃખના સાથી હતાં. બાલાપ્રસાદ વિચારવા લાગ્યોઃ કર્તવ્ય અને ફરજના બે પાટા પર આ બધાની જીંદગી ચાલે છે. હું તો નસીબદાર છું કે મારે માથે સ્વામીજીનો હાથ છે, તો પછી મારે મારી જાતને દુઃખી અને લાચાર શા માટે માનવી?'

બાલાજીને જીંદગીનું સાતત્ય સમજાતું ગયું. જીંદગીનું મૂલ્ય, જીંદગીની કિંમત તેને સમજાવવા લાગી. રામનાથના આશ્રયમાં તેના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. તેને સમજાયું કે આ જગતમાં મારાથી વધારે કેટલાય  દુઃખી, લાચાર અને અસહાય લોકો વસે છે. સ્વામીજીએ મને જીવન જીવવાનો સાચો રાહ બતાડયો છે. હું ખૂબ દુઃખી છું એમ માનીને જીંદગીનો અંત લાવવા કરતાં જીંદગીને બીજાઓ માટે વાપરવી તે સૌથી ઊંચો ધર્મ છે.

બાલાપ્રસાદે સંન્યાસી વસ્ત્ર ધારણ કર્યાં. આશ્રમમાં રહીને ભણ્યો, ઘણું ધાર્મિક જ્ઞાાન પ્રાપ્ત કર્યું. તેના જીવનનો મંત્ર આ જ હતોઃ આપણું જીવન બીજા માટે વાપરવું. તેનાથી સુખશાંતિનો અનુભવ થાય છે. સેવા પરમો ધર્મ.

બાલાપ્રસાદ ક્રમશઃ મોટા થતા ગયા. છોકરડો ધીમે ધીમે યુવાન અને પરિપક્વ બનતો ગયો. લોકો એને માનપૂર્વક જોવા લાગ્યા. બાલાપ્રસાદ આજુબાજુનાં ગામડાંમાં ફરે. માત્ર ધાર્મિક ઉપદેશ જ ન આપે, પણ વૃદ્ધો, અપંગો, અનાથો વગેરેની સહાયતા તેમજ સેવા કરે. પોતાનાં સત્કાર્યો અને પ્રતિભાના આધારે બાલાસાહેબનું નામ ઉપસી આવ્યું. સરકાર દ્વારા પણ બાલાપ્રસાદ અને તેમના ગુરૂ રામનાથ સ્વામીનું સન્માન કરવામાં આવ્યું. આશ્રમને ખૂબ બધું દાન મળવા માટે. આશ્રમ મોટો અને વિસ્તૃત બન્યો. આ આશ્રમની બહાર એક બોર્ડ મૂકવામાં આવ્યું છે, જેના પર લખ્યું છેઃ

'મારું જીવન તમારા માટે છે. મને તમારી સેવા કરવાની તક આપો.- બાલાપ્રસાદ'   

Gujarat