For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જીવન ઘડતર .

Updated: Apr 26th, 2024

જીવન ઘડતર                                                       .

- ગણેશન કહે છે: 'જેમની પાસે પૈસા નથી તેઓ ગરીબ નથી, પણ જેની પાસે સપનાં નથી, કંઈ કરી છૂટવાની ધગશ નથી તે ગરીબ છે.'

જગદીશ શાહ

બા લમિત્રો! તમે માટીનો ઘડો બનતા જોયો છે ક્યારેય? કુંભાર પહેલાં માટી, પાણી અને લાદ એ ત્રણેય મિશ્રણ કરી બરાબર ગૂંથે છે અને ત્યારબાદ તેને ચાકડા પર મૂકી ટપલીઓ મારતાં મારતાં યોગ્ય ઘાટ આપે છે. અને પછી તેને ઘડાનો આકાર આપી અગ્નિમાં ઘણો સમય સુધી તપાવે છે. આ રીતે તે મજબૂતીને ધારણ કરે છે. તે પછી જ ઘડો સહુને ઉપયોગી બને છે!

તો ચાલો, એક એવી કથા વિશે વાત કરીએ, જેમાં અતિ ગરીબાઈમાં ઉછરેલો છોકરો સમય-સંજોગના ભારેખમ ટાંકણા ખાતો રહ્યો ને પોતાના ઉત્સાહ અને ધગશથી આગળ વધતો ગયો!

આ એવો છોકરો છે જેના નસીબમાં બે ટંક  ખાવાનું પણ માંડ હતું. નામ એનું ગણેશન. પૈસાના અભાવે છોકરાએ ભણવાનું છોડી દેવું પડયું.

ઘરની ગરીબીથી તે થાકી ગયો હતો. તેને આગળ વધવાની ખૂબ ધગશ હતી. બસ, આ બે કારણોથી તેણે એક ટ્રક રિપેર ગેરેજમાં નોકરી કરવાનું કામ શોધી કાઢ્યું. ૧૯૭૧ની આ વાત છે, જ્યારે તેને માત્ર બાર જ રૂપિયાનો પગાર મળતો હતો. એની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. બીજે ક્યાંયે કોઈ તેને કામે રાખતું ન હતું.

આમ આ કામ કરતાં કરતાં ગણેશનને પંદર વરસ થઈ ગયાં. એનો આગળ વધવાનો જુસ્સો ઘણો હતો, પણ પરિસ્થિતિથી લાચાર હતો. તેણે ઘણાં કષ્ટોનો સામનો કરવો પડયો...

છેવટે પૈસા બચાવી બચાવીને તેણે પોતાની માલિકીની દુકાન ૧૯૮૬માં ખોલી. આ રીતે એનું વરસો જૂનું સપનું સાકાર થયું. ટ્રક રિપેરીંગની તેનું ગેરેજ સરસ ચાલી રહ્યું હતું... પણ તેનું સપનું તો હજુ પણ આગળ વધવાનું છે. કોઈક દિશા પકડવી છે, પણ કોઈ દિશા સૂઝતી નથી...

કહેવાય છે ને કે તીવ્ર ઇચ્છા અને તે દઢ સંકલ્પશક્તિ હોય તો ઉપરવાળો માર્ગ સૂઝાડે જ છે અને માણસ પોતાની મંઝિલ સુધી પહોંચી જાય છે. ગણેશનના જીવનમાં પણ એવું થયું જ. એક વખત એક ટ્રક માલિક તેના ગેરેજ પર એક ટ્રક રિપેરીંગ માટે આવ્યો. એક વાકય અનાયાસે તેના મોંમાથી નીકળી ગયુંઃ 'આ ટ્રકને સસ્તામાં રિપેર કરી આપ. જેથી હું તગડો નફો લઈને તે 

વેચી દઉં.'

ગણેશને તે ટ્રક સરસ રીતે રિપેર કરી આપી. સાથે સાથે તેણે પોતાના મનનું રિપેરીંગ કાર્ય ચાલુ કરી દીધું.

તેને વિચાર આવ્યોઃ 'હું કોઈ પણ ટ્રક સરસ રિપેર કરી શકું છું, હું બીજાઓને એમના ટ્રક રિપેર કરી આપું છું... લોકો જૂની ટ્રક ખરીદીને મારી પાસે રિપેર કરી વેચીને પુષ્કળ કમાય છે. શું આ કામ હું પણ ના કરી શકું?'

ગણેશને નિર્ણય લઈ લીધો. આજનો દિ' ને કાલની ઘડી. આમાં કોઈ મુર્હૂત જોવાનું ના હોય. એણે વિચાર્યું, 'હું પણ જૂની ટ્રક ખરીદવાની ચાલુ કરી દઉં. મારે તો રિપેર કરાવવા ક્યાંય જવાની જરૂર નથી. મારે જાતે જ રિપેર કરવાની છે.'

અને ગણેશનનો આ વિચાર અમલમાં મુકાઈ ગયો.

જૂની ટ્રક ખરીદીને તેની સરસ રીતે મરમ્મત કરી, એને નવી જેવી બનાવી વેચવાનું કામ એણે શરૂ કર્યું. આમ કરીને તેણે પોતાની કંપની ઊભી કરી. એને 'માથવન લોરી સર્વિસ' એવું નામ આપ્યું. ધીમેધીમે આ  કંપની કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી થઈ ગઈ. પહેલાં તે એકલો કામ કરતો હતો. આજે એ સેંકડો માણસોને કામ આપે છે, એમન રોજીરોટી પૂરી પાડે છે. એ ખુદ આજે ઘણી બધી ટ્રકોનો માલિક છે.

ગણેશન કહે છે: 'જેમની પાસે પૈસા નથી તેઓ ગરીબ નથી, પણ જેની પાસે સપનાં નથી, કંઈ કરી છૂટવાની ધગશ નથી તે ગરીબ છે.'

સમજાયુંને, બાલમિત્રો?

 આગળ વધવું હોય તેને રસ્તા મળી જ રહે છે. બેસી રહેનાર ક્યારેય આગળ વધી શકતો નથી.

સતત આગળ વધતા રહો, દિશાઓ શોધતા રહો, તક શોધતા રહો અને મળેલી તકનો ઉપયોગ કરવા પ્રબળ પુરૂષાર્થ કરતા રહો.

બીજાની સક્સેસ સ્ટોરી જોઈને આપણે દિશા પકડી શકીએ છીએ.

તો ચાલો, જીવન ઘડતરનાં સોનેરી પુષ્પો પ્રાપ્ત કરી તેની સુવાસ લઈ આપણે પણ તેમાં કેળવાતા જઈએ...!  

Gujarat