For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અખાત્રીજથી ભગવાનને ચંદનના શણગાર ધરાવવાનું મહત્ત્વ

Updated: May 8th, 2024

અખાત્રીજથી ભગવાનને ચંદનના શણગાર ધરાવવાનું મહત્ત્વ

અ ખાત્રીજ એટલે વણજોયા મુહર્તનો દિવસ. વૈશાખ સુદ ત્રીજને અક્ષયતૃતીયા કહેવામાં આવે છે. આ અખાત્રીજનો દિવસ આપણા ગ્રંથોમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલો છે. અખાત્રીજના દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટય થયું હતું. મહાભારતનું યુધ્ધ આ દિવસે પૂર્ણ થયું હતું. જગન્નાથપુરી અને અમદાવાદમાં યોજાતી રથયાત્રાના રથોના નિર્માણનું કાર્ય આજથી પ્રારંભ કરવામાં આવે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં અખાત્રીજના દિવસથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવાનો પ્રારંભ કરવામાં આવે છે. ઘણાને મનમાં પ્રશ્ન થતો હોય છે કે, અખાત્રીજથી કેમ ચંદનના વાઘાના શણગાર કરવામાં આવે છે ? વૈશાખ માસનો પ્રારંભ થાય એટલે આપણ સહુને અનુભવ છે કે, સખત આગ ઝરતી ગરમી પડે છે. ૪૦ ડીગ્રીથી પણ વધુ ગરમી પડવા લાગે છે. ગરમીથી બચવા માણસો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. આજના સમય પ્રમાણે માણસ ગરમીથી રક્ષણ મેળવવા માટે પંખો, એરકુલર અથવા તો એરકન્ડીશનથી રાહત મેળવે છે. અને ભક્તો હોય છે તે પોતાના ઘરે પણ ભગવાનની સમીપે એ.સી. ચલાવે છે. મંદિરોમાં પણ ભગવાનને ઠંડી પ્રાપ્ત થાય તે માટે એ.સી. કરવામાં આવે છે. ભગવાનની પાસે પાણીના ફુવારા ગોઠવવામાં આવે છે. પરંતુ આ સાધનો ન હતા ત્યારે ભક્તો ભગવાનને હાથે પંખો લઈને નાંખતા હતા અને ચંદનના લાકડાને પથ્થર ઉપર ઘસીને તેનો લેપ તૈયાર કરીને ભગવાનના શણગાર તૈયાર કરતા હતા. આ શણગારને ચંદનના શણગાર કહેવામાં આવે છે. આ પરંપરા આજ દિવસ સુધી ચાલી આવી છે. તેથી અખાત્રીજના દિવસથી ભગવાનને ચંદનના શણગાર ધરાવાય છે.

આપણા શાસ્ત્રોમાં ભગવાનની ભક્તિ પણ ઋતુ અનુસારે કરવાનું શીખવવામાં આવેલું છે. તેથી શિયાળામાં ઠંડી પડે ત્યારે ભગવાનને ગરમ વસ્ત્રો ઘરાવાય છે. ભગવાનની પાસે સગડી કે હીટર મૂકવામાં આવે છે. તેમ આજે જ્યારે ઉનાળામાં ગરમી પડે છે ત્યારે એ.સી. મૂકવામાં આવે છે અને ભગવાનને ચંદનના વાઘાના શણગાર કરવામાં આવે છે.

તા. ૧૦ મે ના રોજ અખાત્રીજ છે, તો આપણે પણ ભગવાનના મંદિરમાં જઈએ અને ભગવાન માટે ચંદન ઘસવાની સેવા કરાવીએ અને ભગવાન જે અખાત્રીજના માંગલ્યમય દિવસે ચંદનના વાઘા ધારણ કરે તેના દિવ્ય દર્શનનો લાભ લઈએ અને કૃતાર્થ બનીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Gujarat