For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભૂકંપમાં ભણતર .

Updated: Apr 26th, 2024

ભૂકંપમાં ભણતર                                     .

- સિંહરાજે ભૂકંપગ્રસ્ત પાડોશી વનમાં તંબૂશાળાઓ ચાલુ કરવાનું સૂચન કર્યું. લોખંડના વેપારીઓને બોલાવી પાઈપો, ખીલા, વાંસ, દોરડા વગેરેનો જથ્થો મોકલી આપવા અપીલ કરી.

તુષાર દેસાઈ

કે સરવનના અધ્યક્ષ સિંહરાજના શાસનને દસ વર્ષ પૂરાં થતાં હતાં. તે નિમિત્તે જમણવાર અને નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાંચ સભ્યો ધરાવતાં પ્રાણીપક્ષીઓને કુટુંબ દીઠ ૫૦૦ રૂપિયા અને ત્રણથી ઓછા સભ્યો ધરાવતા જનાવરને કુટુંબ દીઠ ૩૦૦ રૂપિયા ઊઘરાવવામાં આવ્યા. કાર્યક્રમ પાર પાડવા સલ્લુ શિયાળના પ્રમુખપદે એક સમિતિ પણ નીમવામાં આવી.

ત્યાં જ રાત્રે ટીવી પર સમાચાર આવ્યા કે બાજુના કોકિલવનમાં ભૂકંપના જોરદાર આંચકા આવ્યા છે અને મોટી ઈમારતો, સ્કૂલો, કોલેજોને ઘણું નુક્સાન થયું છે. કેટલીય પ્રાથમિક સ્કૂલોનાં મકાન પડી ગયાં છે અને શિક્ષણકાર્ય ઠપ થઈ જવાની શક્યતા છે.

આ સમાચાર સાંભળી અધ્યક્ષ સિંહરાજે કોકિલવનના અધ્યક્ષ ગેંડાલાલને ફોન કરી તમામ મદદની ખાતરી આપી, કેમ કે હજુ કેટલાક બાળપ્રાણીઓની પરીક્ષા બાકી હતી. 

સિંહરાજે તાત્કાલિક વેપારીઓની મિટીંગ બોલાવી તાડપત્તીના જથ્થા અંગે માહિતી મેળવી. એમણે તંબૂશાળાઓ ચાલુ કરવાનું સૂચન કર્યું. લોખંડના વેપારીઓને બોલાવી પાઈપો, ખીલા, વાંસ, દોરડા વગેરેનો જથ્થો મોકલી આપવા અપીલ કરી. વેપારીઓએ ટ્રકોમાં માલ ભરી તેને કોકિલવન ભણી રવાના કરી.

કોકિલવનમાં બધી સામગ્રી પહોંચી. ખુલ્લા મેદાનમાં મોટા ખીલા લગાવી, તેના પર તાડપત્રી, દોરડા, મોટા વાંસ વગેરેનો ઉપયોગ કરીને કામચલાઉ તંબૂશાળા ઊભી કરવામાં આવી. શેત્રંજીઓ, ચટાઈઓ પાથરીને, તેના પર વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષણ શરૂ કરાયું. ભૂકંપમાં અવસાન પામેલા શિક્ષકોની જગાએ ગ્રેજ્યુએટ પ્રાણીઓ, પક્ષીઓની ભરતી કરવામાં આવી.

વેકેશન સ્કૂલ માટે નવા મકાનોની જરૂર પડવાની જ હતી.  તેથી સિમેન્ટ, રેતી, કપચી વગેરેની ટ્રકો કોકિલવન ભણી રવાના કરાઈ. પડી ગયેલી સ્કૂલોનો કાટમાળ બુલડોઝરોથી હટાવી નવાં પ્લાન-ડિઝાઈન તૈયાર કરવામાં આવ્યાં. વેકેશનમાં જ સ્કૂલોનાં નવાં મકાનો બનાવવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ થયું.  સ્થાનિક પ્રજા પણ શ્રમદાનમાં જોડાઈ.

ત્રણ મહિનામાં નવા ઓરડા, બારીઓ, બારણાં સાથેની સ્કૂલો તૈયાર થઈ. તેને પ્લાસ્ટર અને કલર લગાવામાં આવ્યા. સેવાભાવી સંસ્થાઓએ બ્લેકબોર્ડ ડસ્ટર વગેરે પણ પૂરાં પાડયાં.

એક નિવેદન કરી કોકિલવનના ગેંડાલાલે સિંહરાજનો ખૂબ આભાર માની જણાવ્યું, 'તંબૂશાળાઓ અને પછી પાકી સ્કૂલો બનાવી  અમારા શિક્ષણ વ્યવસ્થાને અતૂટ રાખવા બદલ કોકિલવનનો દરેક વિદ્યાર્થી, કેસરવનની પ્રજા અને સિંહરાજનો સદા ઋણી રહેશે.' 

Gujarat