For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેવાએ લીધા ચક્રવર્તીના પ્રાણ

Updated: Apr 26th, 2024

દેવાએ લીધા ચક્રવર્તીના પ્રાણ

યુ દ્ધમાં ન થવાનું થાય છે. દશરથ રાજાના રથનું પૈડું નીકળી ગયું. એક પૈડાં પર રથ દોડે નહીં. અકસ્માત થાય અને ત્યારે જ શત્રુ શસ્ત્ર છોડી દે તો....?

પણ દશરથ રાજા બચી ગયા, કેમ કે તેમની સાથે તેમની રાણી કૈકેયી હતી. કૈકેયીએ તો પોતાની બે આંગળીઓ ચાકમાં ખોસી દીધી.

કોમળ આંગળીઓ કઠોર ખીલીનું કામ આપી ગઇ, પૈડું બચી ગયું. દશરથ લડતાં રહ્યા. વિજેતા પણ બન્યા.

જ્યારે તેમણે પોતાના વિજયનું કારણ જાણ્યું ત્યારે તેઓ કૈકેયી પર ખુશ થઇ ગયા. બે આંગળીએ તેમના પ્રાણ બચાવ્યા હતા, માટે કહેવા લાગ્યા: 'માગો રાણી... બે વરદાન માગો.'

કૈકેયી કહે: 'માગીશ, મહારાજ! જ્યારે જરૂર પડે ત્યારે માગીશ.'

સર્વત્ર કૈકેયીની વાહવાહી થવા લાગી. રાજા દશરથની પણ નામના થઇ રહી.

પણ એક માનવીને આ વાત ગમી નહીં. એ માનવી તે નારદ.

'નારાયણ નારાયણ...' કહીને તે દશરથ પાસે આવ્યા. કહેવા લાગ્યા: 'આપણને બધું ગમે છે. દેવું નથી ગમતું. દેવું ચુકવી દો.'

દશરથ કહે: 'ંમુનિ! કેવું દેવું? શેનું દેવું?'

નારદજી કહે: 'વચનનું દેવું, આપે રાજરાણી કૈકેયીને બે વચન આપ્યા છે તેનું દેવું.'

દશરથ કહે: 'એ તો માગી લેશે. ક્યાં જવાનું છે? ઘરમાં જ છે ને!'

નારદજી કહે: 'દેવું કોઇ જગાએ ન હોવું જોઇએ. ઘરમાં પણ નહીં ને બહાર પણ નહીં. ચૂકવી દો મહારાજ! કૈકેયી દેવીને કહો, અત્યારે જ જે માગવું હોય તે માગી લે. નહીં તો દેવું હંમેશા વ્યાજ સાથે ચૂકવવું પડે છે. ચક્રવૃદ્ધિવ્યાજ સાથે ચૂકવવું પડે છે!'

નારદજીએ તો એટલે સુધી કહ્યું: 'અરે મહારાજ! મારી ધૃષ્ટતા બદલ માફ કરજો, પણ દેવું તો ક્યારેક માનવીના પ્રાણ હરી જનારૃં હોય છે.'

મહારાજને એ વાત ઉપર હસવું આવ્યું. તેમણે વખતો વખત કૈકેયીને વરદાન માગી લેવા કહ્યું. કૈકેયીએ એ વરદાન ન જ માગ્યાં. મહારાજા દશરથને માથે દેવું રહ્યું જ... અને જ્યારે કૈકેયીએ એ દેવું માગ્યું ત્યારે એવી રીતે માગ્યું કે રાજા દશરથના પ્રાણ સંકટમાં આવી પડયા.

રાણીએ વર્ષો બાદ માગ્યું: 'મોટાભાઇ રામને વનવાસ અને મારા ભરતને ગાદી.'

એ સાંભળી દશરથ પછડાઇ પડયાં. મોટા પુત્ર રામને ચૌદ વર્ષના વનવાસનો હુકમ કેવી રીતે આપી શકે?

તેમને તરત જ યાદ આવ્યા નારદજી. તેમણે સાચું જ કહ્યું હતું કે,: 'દેવાનો ભાર ન રાખો. દેવું ચૂકતે કરી જ દો.'

રાજા દશરથે જો ત્યારે જ દેવું ચૂકતે કર્યું હોત તો તેમના પ્રાણ સંકટમાં આવી પડત નહીં. પુત્ર વિયોગથી તેમને મરવું પડત નહીં. અકાળે તેમના પ્રાણ પર સંકટ આવત નહીં. દેવું જ્યારે અચ્છા મહારાજા અને મહારથીઓની આ દશા કરે છે ત્યારે આપણે તો સામાન્ય માનવી છીએ, આપણે તો પ્રતિજ્ઞાા જ કરવી જોઇએ: 

'દેવું નહીં. કદી નહીંં.' 

Gujarat