For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રોહિત શર્માને IPLના આ નિયમથી પડ્યો વાંધો, પાકિસ્તાન ક્રિકેટ ટીમના પણ કર્યા વખાણ

Updated: Apr 18th, 2024

રોહિત શર્માને IPLના આ નિયમથી પડ્યો વાંધો, પાકિસ્તાન ક્રિકેટ ટીમના પણ કર્યા વખાણ

Rohit Sharma on Impact player rule : હાલ ઈન્ડિયન પ્રીમિયર ક્રિકેટ લીગ (IPL-2024)ની ધમાકેદાર સફર ચાલી રહી છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ આઈપીએલના એક નિયમની ટીકા કરવાની સાથે પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. રોહિતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટ એડમ ગિલક્રિસ્ટ (Adam Gilchrist)ને એક ઈન્ટરવ્યુ આપી સ્પષ્ટ કહ્યું કે, ‘મને ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી સંપૂર્ણ વાંધો છે. આ નિયમના કારણે ભારતીય ક્રિકેટને આગળ વધવામાં મદદ નહીં મળે.

નવા નિયમથી ઑલરાઉન્ડરો પરેશાન

રોહિતે વધુમાં કહ્યું કે, નવા નિયમના કારણે વોશિંગ્ટન સુંદર (Washington Sundar) અને શિવમ દુબે (Shivam Dube) જેવા ભારતીય ઑલરાઉન્ડરોની પરેશાની વધી છે. સુંદરને ભારે મુશ્કેલી બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) માટે રમવાનો સમય મળી શક્યો છે, જ્યારે દુબેએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે સૌથી વધુ રન બનાવ્યા છે, તેમ છતાં તેને ટુર્નામેન્ટમાં બોલિંગ કરી નથી.

રોહિતે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમનો કર્યો વિરોધ

રોહિત શર્માએ એક પૉડકાસ્ટ પર ઈમ્પેક્ટ પ્લેયર રૂલનો વિરોધ કરી કહ્યું કે, ‘હું ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો મોટો પ્રશંસક નથી. આ નિયમ ઑલરાઉન્ડ ખેલાડીઓ માટે સારો નથી. ક્રિકેટ 12થી નહીં, 11 ખેલાડીઓથી રમાય છે. તમારા માટે મનોરંજન ઉભું કરવા રમતમાંથી ઘણું બધુ નિકાળવામાં આવી રહ્યું છે.’

રોહિતે દુબે-સુંદરનો કર્યો ઉલ્લેખ

રોહિતે શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘ઈમ્પેક્ટ પ્લેયર નિયમના કારણે દુબે અને સુંદર જેવા ઑલરાઉન્ડર ભારતીય ખેલાડીઓને નુકસાન થઈ રહ્યું છે. કારણ કે તેમને બોલિંગ કરવાની તક મળી રહી નથી અને તે સારી બાબત નથી.

ઈમ્પેક્ટ પ્લેયર નિયમ શું છે ?

ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ (What is Impact player rule) મુજબ ટૉસ બાદ બંને કેપ્ટનોએ 5 સબ્સીટ્યૂટ પ્લેયર્સના નામ આપવાના હોય છે. કેપ્ટન દ્વારા પસંદ કરાયેલા ચાર ખેલાડીઓમાંથી કોઈ એક પ્લેયરને ઈમ્પેક્ટ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવે છે અને તે ખેલાડીનો ઉપયોગ બેટિંગ અને બોલિંગ માટે ગમે ત્યારે કરી શકાય છે. આ 12મો ખેલાડી મેદાનમાં ઉતરતા જ મેચનો પરિણામ બદલી શકે છે. તેના આવ્યા બાદ ઑલરાઉન્ડર્સનું મહત્વ ઘટી જાય છે. કારણ કે ટીમ બેટિંગ સમયે એક એક્સ્ટ્રા બેટરને રમાડી દે છે અને બોલિંગના સમયે તેને રિપ્લેસ કરી નવો બોલર લઈને આવી જાય છે.

રોહિત શર્માએ પાકિસ્તાન ટીમના કર્યા વખાણ

ઈન્ટરવ્યૂ દરમિયાન રોહિત શર્માએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team)નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે પાકિસ્તાન ટીમના વખાણ કરી કહ્યું કે, તેમની સાથે રમવામાં કોઈ વાંધો નથી. પાકિસ્તાન સારી ટીમ છે અને તેઓ શ્રેષ્ઠ ઝડપી બોલિંગ નાખે છે. છેવટે અમે એક શ્રેષ્ઠ ટક્કર જોવા માંગીએ છીએ અને પાકિસ્તાન સાથે આઈસીસી ટુર્નામેન્ટ (ICC Tournament) રમવી સારી બાબત છે. હું માત્ર ક્રિકેટ તરફ જોઈ રહ્યા છું, બીજે ક્યાંય નહીં.’

Gujarat