For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાયો-મેગ્નેટિક પાવર ધરાવતા 'હ્યુમન મેગ્નેટસ' એમના શરીર પર ભારે વજનની વસ્તુઓ ચીપકાવી રાખી શકે છે!

Updated: May 7th, 2024

બાયો-મેગ્નેટિક પાવર ધરાવતા 'હ્યુમન મેગ્નેટસ' એમના શરીર પર ભારે વજનની વસ્તુઓ ચીપકાવી રાખી શકે છે!

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- માનવી શરીર એક ઊંચા પ્રકારનું વીજળી ઘર છે. એનાથી પ્રાણ વિદ્યુતના તરંગોનું વધારે કે ઓછા પ્રમાણમાં સતત વિકિરણ થતું રહે છે

કૌ ષીતકિ બ્રાહ્મણોપનિષદમાં કહેવાયું છે - 'આ પ્રાણ જ બ્રહ્મ છે. તે સમ્રાટ છે. વાણી તેની રાણી છે. કાન તેના દ્વારપાલ છે. નેત્ર અંગરક્ષક છે, મન દૂત છે, ઇન્દ્રિયો દાસી છે.  દેવો દ્વારા આ ભેટ પ્રાણ બ્રહ્મને આપવામાં આવી છે. (૨/૧)

વિજ્ઞાનીઓ જણાવે છે કે માનવી શરીર એક ઊંચા પ્રકારનું વીજળી ઘર છે. એનાથી પ્રાણ વિદ્યુતના તરંગોનું વધારે કે ઓછા પ્રમાણમાં સતત વિકિરણ થતું રહે છે. તંત્રિકા વિશેષજ્ઞાો મુજબ દરેક ન્યુરોન એક નાનો ડાયનેમો છે. શારીરિક વિદ્યુતનું ઉત્પાદન મુખ્યત્વે એનાથી જ થાય છે. એક સામાન્ય સ્વસ્થ યુવાન વ્યક્તિનું મસ્તિષ્ક ૨૦ વોલ્ટ (volt)  વિદ્યુત ઉત્પન્ન કરે છે. જેનાથી એના શરીરની બધી કાર્યવાહી થતી રહે છે. આ વિદ્યુત શક્તિને વિજ્ઞાનીઓ બાયોલોજિકલ ઇલેક્ટ્રિસિટી (Bio-Electricity) એટલે કે જૈવ વિદ્યુત કહે છે. એ રીતે માનવ શરીરમાં બાયોલોજિકલ મેગ્નેટિસિટી (Bio - Magneticity) પણ રહેલી હોય છે. તેને 'જૈવ - ચુંબકીયતા' કહેવામાં આવે છે. ક્યારેક કોષો ઉપરનું રહસ્યમય ઇન્સ્યૂલેશન વાળું પડ ઢીલું કે છિદ્રાળુ બની જાય તો એમાંથી એવી જૈવ વિદ્યુત અને જૈવ ચુંબકીયતા પ્રગટ થાય છે જે એવી વ્યક્તિને અસામાન્ય બનાવી દે છે.

માનવ ચુંબકત્વ (Human Magneticity) કેટલાક લોકોની વિભિન્ન વસ્તુઓને પોતાની ત્વચા તરફ આકર્ષિત કરવાની અદ્ભૂત ક્ષમતાનું નામ છે. આવી ક્ષમતા ધરાવનારાને માનવ ચુંબક (હ્યુમન મેગ્નેટ) તરીકે ઓળખવામાં આવે છે. જો કે આવા લોકો થકી ધાતુઓની વસ્તુઓ વધારે પ્રમાણે આકર્ષિત થતી હોય છે, પણ કેટલાક લોકો કાચની વસ્તુઓ, ચિનાઇ માટીના વાસણ, લાકડાની વસ્તુઓ, પ્લાસ્ટિક, કાગળ બિનલોહચુંબકીય ગુણોવાળી (Ferromagentic) ધાતુઓ જેવી કે પિત્તળ, એલ્યુમિનિયમને પણ પોતાની ત્વચા તરફ આકર્ષિત કરી તેને પોતાની ચામડી સાથે ચીપકાવી દેવા સક્ષમ હોય છે.

સોવિયેટ રશિયામાં રહેતા યૂરી કેલ્નિત્સેવને હ્યુમન મેગ્નેટ તરીકે ઓળખવામાં આવે છે. તેનું શરીર લોહચુંબકની જેમ કોઇપણ ધાતુની વસ્તુને પાંચ ફૂટ દૂરથી પોતાના તરફ ખેંચી લે છે. આ રીતે છરી, કાંટા, ચમચા, સાસણી, ચીપિયા, વાટકા, કઢાઇ, કાતર, સળિયા, ઈસ્ત્રી, હથોડી વગેરે અનેક ધાતુની વસ્તુઓ એના શરીર સાથે એવી રીતે ચોટી જાય છે કે તેમને ઉખાડવી મુશ્કેલ બની જાય છે. આને લીધે યુરીને ખૂબ જ તકલીફ પડે છે .ે બહાર ક્યાંય પણ જાય ધાતુની નાની-મોટી વસ્તુઓ તેના તરફ ખેંચાઇ આવે છે અને તેના શરીરને ચોંટી જાય છે. પછી તેને શરીરથી દૂર કરતાં સારો એવો સમય લાગી જાય છે.

યૂરી કેલ્નિત્સેવે એની જિંદગીના ૩૯ વર્ષ લોખંડની ખાણમાં કામગીરી કરવામાં વીતાવ્યા છે. યુરીનું શરીર પહેલેથી આવુ ન હતું. પણ પાછળથી આવું ચુંબકત્વ પ્રગટ થયું હતું. તેના ચિકિત્સક ડો.ગેર્યેવ ફ્રુમિને તેનું પરીક્ષણ કરીને કહ્યું હતું - 'માનવીના શરીરમાં ચુંબકત્વ પ્રગટ થઇ જાય એ કંઇ આશ્ચર્યની વાત નથી. આવું ક્યારેક ક્યારેક બને છે. લાખો માણસોમાં એકાદ વ્યક્તિમાં આવી શક્તિ આવી જાય છે. પણ યુરીની સ્થિતિ તો ભયંકર છે. આટલી ચુંબકીય શક્તિ ધરાવતી કોઇ વ્યક્તિ મેેં પહેલાં જોઇ નથી. આ એક પ્રકારની શારીરિક ગડબડ જ છે. અનેક દશકાઓ સુધી ઉચ્ચ ચુંબકત્વવાળી લોખંડની ખાણમાં કામ કરવાથી તેના શરીરમાં આવી શક્તિ ઉત્પન્ન થઇ છે.'

૧૮૯૦માં ફ્રાન્સના લુઇસ હેમ્બરગર નામના વેપારીમાં પણ આવું ચુંબકત્વ પ્રકટ થયું હતું. એક દિવસ તે એની દુકાનમાં બેેઠો હતો ત્યારે અણધારી ચિત્રવિચિત્ર ઘટનાઓ બનવા લાગી હતી. તેણે એક પણ સ્વીચ ઓન નહોતી કરી તો પણ બધા મશીનો આપમેળે ચાલુ થઇ ગયા હતા. જ્યારે તે એ મશીનનો પાસે ગયો ત્યારે તેની પાસે પડેલા મોટા સ્ક્રૂ ડ્રાઇવરો, પકકડો, પાનાઓ વેગેર ધાતુની વસ્તુઓ તેના શરીર તરફ ખેંચાઇને તેના હાથ, પગ, ચહેરો વગેરે ખુલ્લા ભાગ પર ચોંટી ગઇ હતી. તેનામાં ચુંબકત્વ  પ્રગટ થયેલું જાહેર કરાયું હતું. બાલ્ટીમોરની મેરીલેન્ડ કોલેજ ઓફ ફાર્મસીના વિજ્ઞાનીઓના સમુદાય સમક્ષ લઇસ હેમ્બરગર પર પ્રયોગો કરાયા હતા. તે વખતે પણ ધાતુની હલકા-ભારે વજનની વસ્તુઓ તેના શરીર સાથે ચીપકી ગઇ હતી. કેનેડાના ઓન્ટારિયો ખાતે રહેતી કેરોલિન કલેર નામની છોકરીમાં જૈવ ચુંબકતા વધી જતાં તેની સાથે પણ આવું બન્યું હતું.

બેલારૂસના ગ્રોદૂનો શહેરમાં રહેતી ઇન્ગા ગાઇદૂચે નામની કિશોરીનો કિસ્સો તો અવનવો છે તે જન્મજાત માનવ ચુંબક (Human Magnet) છે. તે જે વસ્તુને સ્પર્શ કરે તે વસ્તુ તેના હાથને ચોંટી જાય છે. તે જ્યાં સુધી ઇચ્છે નહીં ત્યાં સુધી તે વસ્તુ તેના હાથ પરથી પડતી નથી. તે હાથને ગમે તે સ્થિતિમાં રાખે, ઝડપથી ચાલે કે દોડે તો પણ તે વસ્તુ તેના હાથ પરથી પડતી નથી. બીજું, બિન લોહચુંબકીય અસર વાળી ધાતુઓ (Ferromagnetic)  અને વસ્તુઓ પણ તેના શરીર સાથે ચીપકાઇને લાંબા સમય સુધી રહે છે. એકવાર તો તેણે તેની હથેળી પર પાંચ કિલો વજનની ચાર વસ્તુઓ સાત કલાકથી પણ વધુ સમય ચીપકાવી રાખી વિજ્ઞાનીઓને અચરજમાં મૂકી દીધા હતા.

વૈકલ્પિક ચિકિત્સામાં એક નામ મેગ્નેટ થેરેપીનું પણ છે. તેના નિષ્ણાંત જણાવે છે કે મેગ્નેટના ઉપયોગથી ઘણા રોગો મટાડી શકાય છે. ઇન્ગા ગાઇદૂચેના હાથ પણ અસાધારણ મેગ્નેટિક પાવર ધરાવે છે. તેથી તેના હાથ પણ રોગ નિવારણની શક્તિ ધરાવે છે. પીઠ અને કમરના લકવા જેવા ભારે રોગો પર એના ચુંબકીય અસરવાળા હાથ ચમત્કારિક ઇલાજ કરે છે. ઇન્ગા કહે છે - 'મારી પાસે જે રોગીઓ આવે છે તેમના રોગગ્રસ્ત કે દુઃખાવાવાળા અંગ કે અવયવ પર હું મારા બન્ને હાથ મૂકું છું એ વખતે મારા હાથમાંથી કોઇ અજ્ઞાત કિરણો કે ઉષ્મા તરંગો વહેવા લાગે છે. મને એવું લાગે છે કે, મારી હથેળીની નીચે તેલ જેવું કોઇ ચીકણું પ્રવાહી ફેલાઇ ના રહ્યું હોય ! તે પછી એવું લાગે છે કે મેં મારા હાથ અનાજના દાણાના ઢગલા પર રાખ્યા ન હોય ! એ અનુભૂતિ પૂરી થયા બાદ મને જ્યારે એવું લાગવા માંડે છે કે મારા હાથ અનાજના દાણાના ઢગલામાંથી અનાજના દાણા વીણી રહ્યા છે ત્યારે હું મારા હાથ એના શરીર પરથી ઉઠાવી લઉં છું. આ અનુભવ થાય એટલે હું સમજી જઉં છું કે હવે દરદીનો દુઃખાવો એ રોગ દૂર થઇ ગયો છે. હું મારા હાથ ઉઠાવીને તેને પૂછું છું ત્યારે તે મુખ પર રાહતભર્યા સ્મિત સાથે જણાવે છે કે તેનો દુઃખાવો બિલકુલ દૂર થઇ ગયો છે અને તે પછી તેનો રોગ કદી માથું ઉંચકતો નથી.'

હ્યુમન મેગ્નેટ તરીકે અનેક લોકો પ્રસિદ્ધિ પામ્યા છે. રશિયાની ઇના અને અલસોયા નામની બે સગી બહેનો મેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પાવર ધરાવે છે. એક પ્રયોગ દરમિયાન તેણે વજનદાર પુસ્તકોને હાથથી પકડયા વિના તેમને સહેજ સ્પર્શીને હવામાં અધ્ધર પદ્ધર લટકાવી રાખ્યા હતાં. રોમાનિયાના ઓરેલ રીલેનુ  (Aurel Raileanu) ને 'મિસ્ટર મેગ્નેટ' તરીકે ઓળખવામાં આવે છે. તેને સૌથી મજબૂત 'માનવ ચુંબક' કહેવામાં આવે છે. જયોર્જિયાનો એતિબાર એલચ્યેવ (Etibar Elchyev) માનવ શરીર પર પચાસ ચમચાઓ ચીપકાવી રાખવા માટે ગિનીષ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. સર્બિયાનો ડેલિબોર જાબ્લાનોવિક (Dalibor Jablanovic)  ચહેરા પર ૩૧ અને આખા શરીર પર ૭૯ ચમચાઓ ચીપકાવી રાખવા ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. એ રીતે મલેસિયાના લ્યૂ થો લિન (Liew Thow Lin)ને પણ મિસ્ટર મેગ્નેટિક મેન તરીકે ઓળખવામાં આવે છે. તે તેના શરીર પર બે કિલો વજનની વસ્તુઓની ચીપકાવી શકતો હતો. મેગ્નેટિક ક્ષમતાથી તેણે આખી કાર પણ ખેંચી હતી.

Gujarat