For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નાસાના વોયેજર-1 અવકાશયાને પૃથ્વીથી 15 અબજ માઇલના દૂરના અંતરેથી સંદેશો મોકલ્યો

ઘણા મહિના બાદ અવકાશયાન ફરીથી સંપર્કમાં આવ્યું

1977માં રવાના થયેલાં વોયેજર-1 અને વોયેજર-2 બંને અવકાશયાન હાલ સૂર્યમંડળની સરહદ બહાર નીકળી ગયાં છે : હજી સંપૂર્ણ કાર્યરત છે

Updated: Apr 24th, 2024

નાસાના વોયેજર-1 અવકાશયાને પૃથ્વીથી 15 અબજ માઇલના દૂરના અંતરેથી સંદેશો મોકલ્યો

વોશિંગ્ટન/મુંબઇ :  હાઇ ઇટ્સ મી. અરે સાંભળો, હું છું. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશન (નાસા)ના વોયેજર-૧ નામના અવકાશયાને પૃથ્વીથી ૧૫ અબજ માઇલના અંતરેથી આવો ફોન મેસેજ મોકલ્યો છે. 

નાસાને વોયેજર-૧ અવકાશ યાનનો સંદેશો ૨૦૨૪ની ૨૨, એપ્રિલે મળ્યો છે. 

નાસાનાં સૂત્રોએ સોમવારે  એવી માહિતી  આપી હતી કે વોયેજર --૧ અવકાશયાને ૨૦૨૩ની ૧૪, નવેમ્બરે તેના સંદેશા મોકલવાની કામગીરી બંધ  કરી  દીધી  હતી. 

જોકે   વોયેજર પૃથ્વી પરથી મોકલાતા સંદેશા  જરૂર સ્વીકારતું હતું. હવે જોકે ઘણા મહિના બાદ વોયેજર -૧ અવકાશયાને ફરીથી  પૃથ્વી પર સંદેશા મોકલવાનું શરૂ કરી દીધું છે. 

હાલના તબક્કે વોયેજર -૧  અવકાશયાન આપણા સૂર્યમંડળની સરહદ બહાર નીકળી ગયું છે.  પૃથ્વીથી અંતરિક્ષમાં હજી સુધી આટલા દૂરના અંતરે માનવીએ બનાવેલું કોઇ યંત્ર કે સાધન કે અવકાશયાન પહોચ્યું  નથી. 

નાસાનું વોયેજર -૧ અવકાશયાન ૧૯૭૭ની ૫, સપ્ટેમ્બરે સૂર્યમંડળનો અભ્યાસ કરવા માટે પૃથ્વી પરથી રવાના થયું  છે. જોકે વોયેજર-૨  અવકાશયાન ૧૯૭૭ની ૨૦,ઓગસ્ટે એટલે કે  વોયેજર-૧ પહેલાં રવાના થયું  છે.  

૨૦૨૪ના માર્ચમાં નાસાની જેટ પ્રપલ્ઝન લેબોરેટરીના વિજ્ઞાાનીઓની ટીમે એવી સ્પષ્ટતા કરી હતી કે અમારા વોયેજર-૧ અવકાશયાનમાંની નાનકડા કદની  કમ્પ્યુટર  ચીપમાં કોઇ ખામી સર્જાઇ હોવાથી અવકાશયાનના સંદેશા પૃથ્વી પર મોકલવાની પ્રક્રિયા અટકી ગઇ છે.  

જોકે બહુ થોડા દિવસમાં જ વોયેજર-૧ અવકાશયાનમાં ૪૬ વર્ષથી સતત  કાર્યરત કમ્પ્યુટરમાંની ટેકનિકલ યંત્રણા ફરીથી શરૂ થઇ ગઇ છે. હવ વોયેજર-૧ અવકાશયાન  કદાચ આવતા સપ્તાહથી તેની નવા સંશોધનાત્મક કામગીરીની વિગતો મોકલવાનું શરૂ કરે તેવી શક્યતા છે. 

નાસાનું વોયેજર-૧ અવકાશયાન  ૨૦૧૨માં આપણા સૂર્યમંડળની સરહદ બહાર નીકળી જનારું પ્રથમ માનવકૃત અવકાશયાન છે. એટલે કે હાલ વોયેજર -૧ પૃથ્વીથી ૧૫ અબજ માઇલના અતિ અતિ દૂરના અંતરે છે.પૃથ્વીથી મોકલાયેલો સંદેશો વોયેજર-૧ અવકાશયાનને ૨૨.૫ કલાકે મળે છે.

ઉપરાંત, નાસાનું વોયેજર-૨ અવકાશયાન પણ ૨૦૧૮માં આપણા સૌરમંડળ બહાર નીકળી ગયું છે.

બંને અવકાશયાનમાં સોનાનો ઢોળ ચડાવેલી તાંબાની ૧૨ ઇંચની  નાનકડી થાળી ગોઠવવામાં આવી છે. ગોલ્ડન રેકોર્ડ્ઝ નામની આ ડિસ્કમાં સૂર્યમંડળની સરહદ બહારના અંતરિક્ષ વિશેની અજીબોગરીબ માહિતી એમ કહો કે  મજેદાર વાતો છે. 

આ ડિસ્કમાં સૂર્ય મંડળનો નકશો,યુરેનિયમ દ્વારા ચાલતી ઘડિયાળ સહિત રેકોર્ડ કઇ  રીતે વગાડવી તેની સૂચના છે.

આ રેકોર્ડમાંની વિગતો  અમેરિકાનામહાન ખગોળશાસ્ત્રી કાર્લ સેગનના નેતૃત્વની સમિતિએ પસંદ કરી છે.આ રેકોર્ડમાં પૃથ્વી પરની જીવ સૃષ્ટિની વિવિધ પ્રકારની ઇમેજીસ (છબી), સંગીત,અવાજ વગેરે છે.

Gujarat