For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોળિયાકના દરિયામાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

Updated: May 9th, 2024

કોળિયાકના દરિયામાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

- મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ

- ખેડુતવાસ વિસ્તારનો યુવાન મિત્રો સાથે કોળિયાક ફરવા ગયો હતો, ચાર મિત્રો દરિયામાં નહાવા પડયા હતા

ભાવનગર : શહેરના ખેડૂતવાસ વિસ્તારના છ મિત્રો મંગળવારે કોળિયાક ફરવા માટે ગયા હતા. તે દરમિયાન બપોરના સમયે ચાર મિત્રો દરિયામાં નહાવા પડતા એકાએક વળતા પાણી સાથે ત્રણ મિત્ર દરિયામાં ડૂબવા લાગતા બે યુવાનોને બહાર ખેંચી લેવાતા આબાદ બચાવ થયો હતો. જ્યારે એક યુવાન દરિયાના પાણીમાં તણાઈ જતાં તેની ભારે શોધખોળ બાદ આજે સવારે મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. 

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા બુધ્ધદેવ સર્કલ પાસે, શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા છ મિત્રો મંગળવારે બપોરના સમયે કોળિયાક ફરવા માટે ગયા હતા. તે દરમિયાન બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ ચાર મિત્રો દરિયામાં નહાવા પડયા હતા. ત્યારે વળતા પાણીના પ્રવાહ સાથે ત્રણ મિત્રો ડૂબવા લાગતા સંતોષભાઈ ઉર્ફે ઝુમરુ અને રોહિતભાઈ ઉર્ફે બાવુને અન્ય મિત્રોએ પાણીમાંથી ખેંચી બહાર કાઢી બન્નેનો જીવ બચાવ્યો હતો. જ્યારે અન્ય યુવાન નિતેશભાઈ ઉર્ફે હિતેશભાઈ દિલીપભાઈ રાઠોડ (ઉં.વ.૨૫) ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોડી સાંજ સુધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતા ભાવનગર મરિન પોલીસનો સ્ટાફ અને ફાયર ટીમ કોળિયાક દોડી ગઈ હતી. તો બીજી તરફ ખેડૂતવાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને યુવાનની ભાળ મેળવા ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ દરિયોમાં જંપલાવી શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત્રિ સુધી યુવાનનો કોઈ પત્તો લાગવા પામ્યો ન હતો. દરમિયાન આજે સવારથી સ્થાનિક તરવૈયાઓ તેમજ મરિન સ્ટાફ દ્વારા યુવાનની શોધખોળ શરૂ કરાતા આખરે સવારે આઠ વાગ્યા પછી યુવાનનો મૃતદેહ કોળિયાકના દરિયાકાંઠેથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે ખેડૂતવાસ વિસ્તારમાં ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઈ જવા પામી હતી.

Gujarat