For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દુબઈમાં કૃત્રિમ વરસાદના પ્રયોગોથી પૂર આવ્યું ?

Updated: Apr 21st, 2024

દુબઈમાં કૃત્રિમ વરસાદના પ્રયોગોથી પૂર આવ્યું ?

- વરસાદ પહેલાં કટ ઓફ લો પ્રેશર વેધર સિસ્ટમ સર્જાઈ હતી. આ સિસ્ટમે ગરમ અને ભેજવાળી હવાને ખેંચી લીધી 

- યુએઈ સરકાર બચાવ કરી રહી છે કે, ભારે વરસાદ કુદરતી ઘટના છે અને કુદરતની સિસ્ટમ સાથે ચેડાં કરાયાં તેના કારણે આ સ્થિતી સર્જાઈ નથી. યુએઈમાં ક્લાઉડ-સીડિંગના કારણે ભારે વરસાદ પડયો એ વાત ખોટી છે. ઘણા બધા હવામાનશાસ્ત્રીઓ પણ યુએઈ સરકારની વાતમાં સૂર પુરાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, વરસાદ પહેલાં કટ ઓફ લો પ્રેશર વેધર સિસ્ટમ સર્જાઈ હતી. તેના કારણે આ સ્થિતી સર્જાઈ. હવામાનશાસ્ત્રીઓનો એક વર્ગ માને છે કે, યુએઈ પોતાના પાપને છૂપાવવા આ બધી વાતો કરે છે. ક્લાઉડ સીડિંગ કરનારને કેટલા પ્રમાણમાં સિલ્વર આયોડાઈડનો છંટકાવ કરવો તેનો અંદાજ ના રહ્યો તેમાં હાલત બગડી ગઈ. યુએઈ હવે પોતાની ભૂલ છૂપાવવા માટે હવામાનશાસ્ત્રીઓને આગળ કરી રહી છે.

એકદમ ગરમ અને સૂકા રણ પ્રદેશ એવા યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)ના દુબઈમાં અચાનક પડેલા ભારે વરસાદ અને તેના કારણે આવેલા પૂરે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. યુએઈ આખા દેશમાં સામાન્ય રીતે ૧૪૦ મિમિથી ૨૦૦ મિમી વરસાદ પડે છે  જ્યારે દુબઈમાં વરસ દરમિયાન માત્ર ૯૭ મિમી વરસાદ પડે છે. એપ્રિલ મહિનામાં તો વરસાદ થતો જ નથી ને છેલ્લાં કેટલાંક વરસોથી સરેરાશ લગભગ આઠ મિમી વરસાદ આવે છે.

આ વખતે આ બધા રેકોર્ડ તૂટી ગયા અને છેલ્લાં ૭૫ વરસમાં કદી ના પડયો હોય એવો વરસાદ વરસી ગયો. દુબઈમાં તો વરસાદે હાલત બગાડી જ પણ સૌથી ખરાબ હાલત અલ-એઈનમાં થઈ ગઈ કે જ્યાં ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં ૨૫૪.૮ મિમી (૯.૭ ઇંચ) વરસાદ ખાબકી ગયો. 

આ અભૂતપૂર્વ વરસાદના કારણે આવેલા પૂરને લીધે દુબઈ અને બીજા દેશોમાં પણ ચોતરફ પાણી જ પાણી ફરી વળ્યું. પૂર આવ્યાના ત્રણ દિવસ પછી પણ દુબઈના રસ્તાઓ અને શેરીઓમાં હજુ પાણી જ પાણી છે. સેંકડો ટેક્સીઓ અને કાર પાણીમાં ફસાયેલી પડેલી દેખાય છે. દુબઈ એરપોર્ટ દુનિયાનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપૉર્ટ છે.

રન-વે પર પાણી ભરાઈ જતાં એરપોર્ટ બંધ કરી દેવું પડયું અને અનેક ફ્લાઇટ પાછી વાળવી પડી. રન-વે પર હજુ પાણી ભરાઈ ગયેલું છે તેથી દુબઈ એરપોર્ટ ક્યારે શરૂ થશે એ ખબર નથી. આ પૂરે ભારે ખાનાખરાબ સર્જી છે. લગભગ ૨૦ લોકોનાં મોત થયાં છે અને અબજોનું નુકસાન થયું છે. કતાર, બેહરીન અને સાઉદી અરેબિયામાં પણ ભારે વરસાદ પડયો પણ ત્યાં યુએઈ જેવી ખરાબ હાલત થઈ નથી. 

સોશિયલ મીડિયા પર દુબઈનાં લોકોની શું હાલત છે તેના વીડિયો વાયરલ થયા છે. એક વિડિયોમાં એરપોર્ટ પર વિમાન પાણીમાં તરતું હોય એવું દેખાય છે. એરપોર્ટ એપ્રોચ અને ટેક્સી-વે પર પાણી ભરાઈ ગયાં છે. લોકોને ખાવા-પીવાની ચીજો માંડ માંડ મળી રહી છે. લોકો ઘરોમાં પૂરાઈ રહ્યાં છે અને વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. 

દુબઈનાં લોકોનું જનજીવન સામાન્ય ક્યારે થશે એ ખબર નથી પણ દુબઈના પૂરે ક્લાઈમેટ ચેન્જ અને પોતાના ફાયદા માટે ટેકનોલોજીના ઉપયોગનો અતિરેક કરવાની માનસિકતા ફરી ચર્ચામાં છે. યુએઈ સરકાર એવો બચાવ કરી રહી છે કે, ભારે વરસાદ કુદરતી ઘટના છે અને કુદરતની સિસ્ટમ સાથે ચેડાં કરાયાં તેના કારણે આ સ્થિતી સર્જાઈ નથી. યુએઈમાં ક્લાઉડ-સીડિંગના કારણે ભારે વરસાદ પડયો એ વાત ખોટી છે. 

ઘણા બધા હવામાનશાસ્ત્રીઓ પણ યુએઈ સરકારની વાતમાં સૂર પુરાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, વરસાદ પહેલાં કટ ઓફ લો પ્રેશર વેધર સિસ્ટમ સર્જાઈ હતી. આ સિસ્ટમે ગરમ અને ભેજવાળી હવાને ખેંચી લીધી અને રસ્તામાં આવતી બીજી તમામ વેધર સિસ્ટમ્સને રોકી લીધી. તેના કારણે વાદળો આગળ ના વધી શક્યાં ને યુઈએ પર જ ખાબકી ગયાં. ભારે વરસાદ માટે જવાબદાર તોફાનની આગાહી પહેલાંથી કરી દેવામાં આવી હતી તેથી બીજાં કોઈ અનુમાન કરવાની જરૂર નથી. 

કટ ઓફ લો વેધર સિસ્ટમ સર્જાઈ તેના માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર હોવાનું હવામાનશાસ્ત્રીઓ સ્વીકારે છે. ગરમ હવા વધારે ભેજનો સંગ્રહ કરી શકે છે. સામાન્ય રીતે ૧ ડીગ્રી સેલ્સિયસ તાપમાન વધે એટલે લગભગ ૭ ટકા વધારે ભેજ સચવાય. જેમ જેમ ભેજ વધે તેમ તેમ વાદળાં ભારે થતાં જાય તેથી આગળ ના વધી શકે ને છેવટે વરસાદ તૂટી પડે. યુએઈમાં આ જ થયું છે એવો તેમનો દાવો છે. યુએઈમાં કન્સ્ટ્રક્શન અને વાહનો વધી રહ્યાં છે તેથી ગરમી પણ વધી રહી છે. તેના કારણે વરસાદ વધશે. બાવીસમી સદી આવતાં સુધીમાં યુએઈમાં ૩૦ ટકા વધારે વરસાદ પડતો હશે અને ભારે વરસાદ-પૂરની ઘટનાઓ પણ વધશે એવું તેમનું માનવું છે.

હવામાનશાસ્ત્રીઓનો એક વર્ગ માને છે કે, યુએઈ પોતાના પાપને છૂપાવવા આ બધી વાતો કરે છે. બાકી વાસ્તવિકતા એ છે કે, ક્લાઉડ સીડીંગના કારણે ભારે વરસાદ પડી ગયો. ક્લાઉડ સીડિંગ કરનારને કેટલા પ્રમાણમાં સિલ્વર આયોડાઈડનો છંટકાવ કરવો તેનો અંદાજ ના રહ્યો તેમાં હાલત બગડી ગઈ. યુએઈ હવે પોતાની ભૂલ છૂપાવવા માટે હવામાનશાસ્ત્રીઓને આગળ કરી રહી છે. 

આ બંનેમાંથી સાચું કોણ એ ખબર નથી પણ બંને સંજોગોમાં માણસ કુદરતની સિસ્ટમ સાથે ચેડાં કરે છે એ પરિબળ તો જવાબદાર છે જ. ક્લાઈમેટ ચેન્જ પણ અંતે તો માનવસર્જિત આફત જ છે ક્લાઉડ સીડિંગમાં તરત જ પરિણામ સામે દેખાય છે જ્યારે ક્લાઈમેટ ચેન્જની અસરો લાંબા ગાળાની છે એટલો ફરક છે. 

દુબઈની ઘટના પછી હવામાનશાસ્ત્રીઓ ક્લાઈમેટ ચેન્જના મુદ્દાને વધારે ગંભીરતાથી લેવા કહી રહ્યા છે. સાથે સાથે વધતા શહેરીકરણને રોકીને દરિયાકાંઠાનાં શહેરો માટે યોગ્ય પ્લાનિંગ પર પણ ભાર મૂકી રહ્યા છે. તેમના મતે, દુબઈ નાનું શહેર છે પણ મુંબઈ કે ચેન્નાઈ જેવા દરિયાકાંઠાના બીજા કોઈ શહેરમાં આ પ્રકારે કટ ઓફ લો વેધર સિસ્ટમ સર્જાય તો હાહાકાર મચી જાય. 

આ સિસ્ટમના કારણે યુએઈમાં  છેલ્લાં દોઢ વર્ષનો બધો જ વરસાદ ૧૫ એપ્રિલથી ૧૬ એપ્રિલના ૨૪ કલાકમાં જ વરસી ગયો. 

ગીચ વસતી ધરાવતાં આ શહેરોમાં આવો વરસાદ પડે ને પૂર આવે તો આખું શહેર તબાહ થઈ જાય. હજારોની સંખ્યામાં લોકોનાં મોત થાય ને બીજા નુકસાનની તો ગણતરી જ થઈ શકે તેમ નથી. આ સ્થિતી સર્જાય એ પહેલાં જાગવું જોઈએ. 

ક્લાઉડ સીડીંગ ખતરનાક, જમીનને નકામી બનાવી દે છે

દુબઈ પાણીની તંગીને પહોંચી વળવા માટે ૧૯૯૦ના દાયકાથી ક્લાઉડ સીડિંગ કરે છે. વિજ્ઞાાનીઓ ક્લાઉડ સીડિંગને ખતરનાક માને છે. ક્લાઉડ સીડિંગ કરનારા દેશના પાડોશી દેશોની વરસાદની આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે એ મોટો ગેરફાયદો છે. ક્લાઉડ સીડીંગ કરનારો દેશ પોતાને ત્યાં કૃત્રિમ વરસાદ કરાવી દે પછી આગળ વધતાં વાદળોમાં પાણી ના હોય તેથી પાડોશી દેશોમાં વરસાદ પડે નહીં. કુદરતી રીતે વાદળો આગળ વધીને વરસાદ પાડે એ પ્રક્રિયા જ ખોરવાઈ જાય. 

ક્લાઉડ સીડિંગમાં વપરાતા એજન્ટ્સ કુદરતી હાયડ્રોલોજિકલ સાયકલને પણ ખોરવી નાંખે છે. વરસાદના પાણી સાથે આ એજન્ટ પણ જમીનમાં જાય તેથી જમીનના કુદરતી ભેજ, જમીનમાં રહેલા પાણીના સ્તર વગેરેને પણ અસર થાય છે. દુબઈમાં કશું પાકતું નથી તેથી તેમને જમીન પર થનારી ખરાબ અસરોની ચિંતા ના હોય પણ બીજા દેશો માટે ચિંતાનો વિષય છે. ક્લાઉડ સીડીંગમાં સિલ્વર આયોડાઈડ વપરાય છે. સિલ્વર ટોક્સિકિટી દરિયાઈ જીવો અને જમીન બંને માટે ખતરનાક છે.

ક્લાઉડ સીડીંગ શું છે ? 

યુએઈ ઈન્કાર કરે છે પણ દુબઈમાં પડેલા ભારે વરસાદ માટે ક્લાઉડ સીડીંગને જવાબદાર માનવામાં આવે છે. ક્લાઉડ સીડિંગ પાણીવાળાં વાદળોમાંથી વધારે પ્રમાણમાં પાણી ખેંચવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા કૃત્રિમ વરસાદ વરસાવાય છે. યુએઈ છેલ્લાં કેટલાંક વરસોથી નિયમિત રીતે ક્લાઉડ સીડિંગ ટેકનિક વડે વરસાદ પાડે છે કે જેથી પાણીની તંગી દૂર થાય. ક્લાઉડ સીડીંગ ખર્ચાળ પ્રક્રિયા છે. બધા દેશોને એ ના પરવડે પણ યુએઈ ધનિક દેશ છે તેથી આ પ્રયોગો કરે છે. 

હવામાન નિષ્ણાતો પણ ક્લાઉડ સીડીંગની વાતને નકારે છે પણ પૂર આવ્યું તેના બે દિવસ પહેલાં ક્લાઉડ સીડીંગ કરતાં વિમાનો ઉડતાં દેખાયાં હતાં. ટોચનાં મીડિયાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. આ પ્રક્રિયામાં વિમાનમાંથી વાદળો પર સિલ્વર આયોડાઈડનો છંટકાવ કરવામાં આવે છે તેથી વાદળાં બંધાવાની પ્રક્રિયા ઝડપી બને છે. સિલ્વર આયોડાઈડ હવાના સંપર્કમાં આવે પછી ભેજને ખેંચવા માંડે છે અને તેને બરફના કણ બનાવી દે છે. બરફ હવામાં ઝડપથી ગતિ ના કરી શકે તેથી જમીન તરફ જાય છે ને પાણીના રૂપમાં નીચે પડે છે. વિજ્ઞાાનીઓ નવેમ્બર મહિના અને ફેબ્રુઆરીથી મે દરમિયાનના સમયને ક્લાઉડ સીડિંગ માટે શ્રેષ્ઠ માને છે. ઠંડી પડતી હોય ત્યારે ક્લાઉંડ સીડિંગ શક્ય નથી બનતું પણ એપ્રિલ-મે મહિનાનો સમય ક્લાઉડ સીડિંગ કરાવીને કૃત્રિમ વરસાદ કરાવવા માટેનો શ્રેષ્ઠ સમય મનાય છે.

Gujarat